દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ, 2ની ધરપકડ, 4 અધિકારીઓને નોટિસ

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતા રમેશ માવજી ભાભોરના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.
દાહોદના પરથમપુર ગામે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસમાં મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ ફટકારી છે. તેમણે પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ આપી છે. પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
બૂથ કેપ્ચરિંગ મામલે સંયુક્ત ચૂંટણી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બુથ કેપ્ચરિંગ જણાય છે. કલેક્ટર અને SP સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે, સમગ્ર મામલે RO પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. બુથ કેપ્ચરિંગ મામલે બે લોકોની ધરપકડ કરાઈ છે.



