ટોપ ન્યૂઝ

Gujarat માં આ તારીખથી આવશે ગરમીનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી…

Gujarat Weather Updates: રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે આકરી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી ગરમી વધશે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં 22 માર્ચથી ગરમી વધશે. ગુરુવાર અને શુક્રવારે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધ ઘટ થશે. 22 માર્ચથી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે.

આ પણ વાંચો: નાગપુર હિંસા મામલે સ્થાનિક લઘુમતી નેતાની ધરપકડ, સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ…

રાજ્યમાં હાલ ગરમીમાં કેમ નહીં થાય વધારો-ઘટાડો?

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં પરંતુ, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે. તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. અમુક પવનો ઉત્તર-પૂર્વના પણ હોઈ શકે છે. જેથી, રાજ્યના વિવિધ વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ થઈ શકે છે. આગામી 24 કલાક હજુ પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવવાથી બફારાનો અનુભવ થશે. ત્યારબાદ બે દિવસથી દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ રાહતનો અનુભવ થશે પરંતુ, તેની સાથે-સાથે ધીમે-ધીમે તાપમાનમાં પણ વધારો થતા ગરમીનો અનુભવ રહેશે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

જાણીતા હવામાન નિષ્ણાત નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. 21થી 23 માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીમાં વધારો થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તામપાન 39થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પારો 39થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં મહત્તમ તામપાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

હીટવેવથી બચવા શું કરશો?

ભીષણ ગરમી દરમિયાન વધુ પડતાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળો, ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો. ભલે તમને તરસ ન લાગી હોય પણ પૂરતી માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહીં, લસ્સી, છાશની સાથે સાથે ફ્રૂટ જ્યુસનું સેવન કરો. કાકડી, તરબુચ, ટેટી, શેરડીનો રસ વધારે પ્રમાણમાં લો.

આ પણ વાંચો:ધોરાજી ભાજપમાં ખળભળાટઃ માત્ર 13 જ દિવસમાં નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું

હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો. ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. હીટ સ્ટ્રોકના લક્ષણો પર વિશેષ ધ્યાન આપોઃ જેમકે ચક્કર, બેભાન, ઉલટી, ઉબકી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હૃદયના ધબકારા વધવા.બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા ન છોડો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button