ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન
યુનેસ્કોએ પેરિસમાં અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર કર્યું એનાયત

પેરીસ: ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા હવે આંતરાષ્ટ્રિય સ્તરે પણ લોકપ્રિય બન્યા છે. રાજ્ય અને દેશભરમાં દર વર્ષે યોજાતા નવ દિવસના નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ ગરબા રમીને નવ દુર્ગાના આરાધના પર્વની ઉજવણી કરે છે. હવે ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપી છે.
યુનેસ્કોએ ગરબાને ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવેશ કર્યો છે. ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે. અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.
ફ્રાન્સની રાજધાની પેરીસમાં 22 માર્ચ 2024ના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં યુનેસ્કોના યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ શ્રીમતી ઓડ્રે અઝોલ દ્વારા ગુજરાત સરકારમાં મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ગુજરાતના ગરબા સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો, મળીને કુલ 15 જેટલી સાંસ્કૃતિક વિરાસતનો અમૂર્ત ધરોહરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી.
ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાયા તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડીયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તેમજ આદ્યશક્તિનાં પ્રખર ઉપાસક અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિઓ વિરાસતનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરુ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યુંએ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.