
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં G20 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ સ્વાગત સંબોધનની શરૂઆતમાં સૌપ્રથમ મોરોક્કોમાં ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. આ પછી વડા પ્રધાન મોદીએ G20 દેશોને સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર આપ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે બધાને સાથે લઈને આગળ વધીએ. કોરોના પાનડેમિક પછી આત્મવિશ્વાસના અભાવનું સંકટ આવ્યું છે, જેને કોરોનાની જેમ પરાજિત કરીશું.
વડા પ્રધાન મોદીના સંબોધન દરમિયાન તેમની સામે ટેબલ પર મૂકવામાં આવેલી પ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા મળ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું, “ભારત જી-20ના પ્રમુખ તરીકે તમારું સ્વાગત કરે છે. આપણે જ્યાં અત્યારે એકઠા થયા છીએ ત્યાંથી થોડાક કિલોમીટર દૂર લગભગ 2,500 વર્ષ જૂનો એક સ્તંભ છે. તેના પર પ્રાક્રત ભાષામાં લખ્યું છે – માનવતાનું કલ્યાણ અને સુખ સુનિશ્ચિત કરવું જોઈએ. અઢી હજાર વર્ષ પહેલાં ભારતની ભૂમિએ આ સંદેશ આખા વિશ્વને આપ્યો હતો. આ સંદેશને યાદ કરીને આપણે G-20નું ઉદ્ઘાટન કરીએ.”
મોરોક્કોમાં આવેલા ભયંકર ભૂકંપના અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું, “મોરોક્કોમાં ભૂકંપના અસરગ્રસ્તો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. હું પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વ સમુદાય આ મુશ્કેલ સમયમાં મોરોક્કોની સાથે ઉભો રહે. અમે તેમને તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છીએ.”
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “કોરોના પછી, વિશ્વમાં વિશ્વાસના અભાવનું મોટું સંકટ આવ્યું છે. યુદ્ધે વિશ્વાસના આ સંકટને વધુ ગંભીર બનાવ્યું છે. જ્યારે આપણે કોવિડને હરાવી શકીએ છીએ, ત્યારે આપણે પરસ્પર વિશ્વાસ પર ઉઠેલા આ સંકટને પાર કરી શકીશું. આજે, G-20 ના પ્રમુખ તરીકે, ભારત આખા વિશ્વને એકસાથે આવવા અને આ વૈશ્વિક કટોકટીને વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં પરિવર્તિત કરવા માટે આહ્વાન કરે છે. આ સાથે મળીને ચાલવાનો સમય છે. તેથી, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર આપણા બધા માટે માર્ગદર્શક બની શકે છે.”
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતનું G20 પ્રમુખપદ દેશની અંદર અને બહાર સર્વસમાવેશકતાનું પ્રતીક બની ગયું છે. તેમણે કહ્યું કે G20 સાથે કરોડો લોકો જોડાયેલા છે અને ભારતમાં તે ‘પીપલ્સ G20’ બની ગયું છે. 60 શહેરોમાં 200 થી વધુ બેઠકો યોજાઈ હતી.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આફ્રિકન યુનિયન માટે જી-20ના કાયમી સભ્યપદ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘અમે પ્રસ્તાવ મૂક્યો હતો કે આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ આપવામાં આવે. મને ખાતરી છે કે તમે બધા આ સાથે સહમત છો. G20 ના સ્થાયી સભ્ય તરીકે આફ્રિકન સંઘના અધ્યક્ષને તેમનું સ્થાન લેવા આમંત્રણ આપું છું.’