ટોપ ન્યૂઝનેશનલ

G-20 Summit: વડા પ્રધાન મોદીના સંબોધન દરમિયાન નેમપ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે G-20 બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન, આફ્રિકન યુનિયન ભારતની અધ્યક્ષતામાં G-20 નું કાયમી સભ્ય બન્યું. જ્યારે વડા પ્રધાન મહેમાન દેશોના સભ્યો અને નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે લોકોનું ધ્યાન તેમના ટેબલ પર મૂકવામાં આવેલી નેમપ્લેટ તરફ હતું. આ વખતે નેમપ્લેટ પર ‘INDIA’ ની જગ્યાએ ‘BHARAT’ લખવામાં આવ્યું હતું.

આ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા સાઈટ X પર આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, “આશા અને વિશ્વાસનું નવું નામ – ભારત.”

ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ દેશની સત્તાવાર મીટિંગ થાય છે, ત્યારે તેના પ્રતિનિધિની આગળ પ્લેટ પર તે દેશનું નામ પણ લખવામાં આવે છે, જે દર્શાવે છે કે મીટિંગમાં હાજર વ્યક્તિ તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

G-20 કાર્યક્રમ દરમિયાન ભારત મંડપમમાં આયોજિત ડિનર માટે આમંત્રણ પત્રિકાઓમાં ‘ધ પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ‘ભારત’ નામ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે જ્યારે બંધારણની કલમ 1 જણાવે છે કે ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનું સંઘ હશે, તેમાંથી ઇન્ડિયા શબ્દ કેમ દૂર કરવામાં આવી રહ્યો છે.

જો કે કોંગ્રેસના નેતા શશિ થરૂરનું કહેવું છે કે જ્યારે બંધારણમાં ઇન્ડિયા અને ભારત બંનેનો ઉલ્લેખ છે તો તેમાં બંધારણીય રીતે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. ભારત નામને અંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમર્થનમાં ટ્વિટ અને નિવેદનો આપી રહ્યા છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button