
ભારતના 46 રન: ટેસ્ટ જગતમાં ફૉર્થ-લોએસ્ટ અને એશિયામાં લોએસ્ટ સ્કોર
બેન્ગલૂરુ: ભારતે 1932માં ટેસ્ટ-ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યાર બાદ 1933માં ઘરઆંગણે પહેલી વાર (મુંબઈમાં આઝાદ મેદાનના એસ્પ્લેનેડ મેદાન પર, ઇંગ્લૅન્ડ સામે) ટેસ્ટ રમાઈ હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં (ગુરુવાર, 17મી ઑક્ટોબર પહેલાં) 75 રન ભારતનો ઘરઆંગણે ટેસ્ટનો સૌથી નીચો ટીમ-સ્કોર હતો, પરંતુ ગુરુવારે એ સ્કોર ભૂતકાળ બની ગયો હતો. થેન્ક્સ ટુ રોહિત શર્મા ઍન્ડ કંપની, ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પહેલા દાવમાં માત્ર 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને હવે ઘરઆંગણે આ ભારતનો લોએસ્ટ સ્કોર છે.
ખાસ કરીને, ભારતના પાંચ બૅટર ઝીરોમાં આઉટ થયા હતા. ટેસ્ટજગતના 147 વર્ષના ઇતિહાસમાં બીજી વાર બન્યું છે જેમાં ટોચના આઠમાંથી પાંચ બૅટર શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠા છે. એ રીતે, ભારતીય ટીમે 136 વર્ષ જૂના વિશ્ર્વ વિક્રમની બરાબરી કરી છે.
ભારતીય ટીમે 46 રનમાં ઑલઆઉટ થઈ ગયા પછી ન્યૂ ઝીલૅન્ડે ત્રણ વિકેટે 180 રન બનાવ્યા હતા. ડેવૉન કૉન્વે (91 રન, 105 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) નવ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો. જોકે કિવીઓની ટીમે 134 રનની જે સરસાઈ લીધી એમાં તેનું સૌથી મોટું યોગદાન હતું.
આપણ વાંચો: બેન્ગલૂરુમાં ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક ઝટકો!
ભારતના પાંચ સ્ટાર બૅટર (કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા, અશ્ર્વિન) ઝીરોમાં આઉટ થયા હતા. આવું ટેસ્ટના ઇતિહાસમાં અગાઉ 1888માં (136 વર્ષ પહેલાં) બન્યું હતું જેમાં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાના ટોચના આઠમાંથી પાંચ બૅટર (ઍલેક બૅનરમન, પર્સી મૅક્ડોનેલ, હૅરી ટ્રૉટ, જ્યોર્જ બૉનર અને સૅમી વૂડ્સ) ખાતુ ખોલાવતાં પહેલાં જ આઉટ થઈ ગયા હતા.
ટેસ્ટના ઇતિહાસમાં કોઈ ટીમે બૅટિંગ પસંદ કરી હોય અને આખી ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ હોય એવા ઊડીને આંખે વળગે એવા કિસ્સાઓમાં ભારતના 46 રન ચોથા નંબરે છે. આ પ્રકારના પહેલા ત્રણ લોએસ્ટ સ્કોર આ મુજબ છે: ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાના 36 રન, ઑસ્ટ્રેલિયા સામે ન્યૂ ઝીલૅન્ડના 42 રન અને સાઉથ આફ્રિકા સામે ન્યૂ ઝીલૅન્ડના 45 રન.
ભારતના 46 રન એશિયા ખંડના મેદાનો પર રમાયેલી તમામ ટેસ્ટ મૅચોમાં લોએસ્ટ સ્કોર છે. એ સાથે, વેસ્ટ ઇન્ડિઝના 53 ઑલઆઉટ (1986માં ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે)નો રેકૉર્ડ તૂટ્યો છે.
ભારતના 46 રન ન્યૂ ઝીલૅન્ડ સામે સૌથી નીચો ટેસ્ટ સ્કોર છે.
ભારતની કમનસીબ ઇનિંગ્સનો સ્કોર બોર્ડ
યશસ્વી કૉ. એજાઝ બો. ઑ’રુરકી…13
રોહિત બો. સાઉધી…2
કોહલી કૉ. ફિલિપ્સ બો. ઑ’રુરકી…0
સરફરાઝ કૉ. કૉન્વે બો. હેન્રી…0
પંત કૉ. લૅથમ બો. હેન્રી…20
રાહુલ કૉ. બ્લન્ડેલ બો. ઑ’રુરકી…0
જાડેજા કૉ. એજાઝ બો. હેન્રી…0
અશ્ર્વિન કૉ. ફિલિપ્સ બો. હેન્રી…0
કુલદીપ કૉ. (સબ) બ્રેસવેલ બો. હેન્રી…2
બુમરાહ કૉ. હેન્રી બો. ઑ’રુરકી…1
સિરાજ અણનમ…4
વધારાના રન…4
કુલ સ્કોર…31.2 ઓવરમાં 46 રન
કયા સ્કોર પર કોણ આઉટ થયું?
1-9 (રોહિત), 2-9 (કોહલી), 3-10 (સરફરાઝ), 4-31 (યશસ્વી), 5-33 (રાહુલ), 6-34 (જાડેજા), 7-34 (અશ્ર્વિન), 8-39 (પંત), 9-40 (બુમરાહ) અને 10-46 (કુલદીપ).