
નવી દિલ્હીઃ ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી. જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીના ઠેકાણા તોડી પાડ્યા હતા. ભારતની આ કાર્યવાહી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રીઓને જાણકારી આપી હતી અને સેનાની પ્રશંસા કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીએ કહ્યું ઓપરેશન સિંદૂર દેશ માટે ગૌરવની ક્ષણ છે. આ સફળ ઓપરેશન માટે કેબિનેટ મંત્રીઓને પીએમ મોદીએ અભિનંદન આપ્યા હતા. આશરે ચાર મિનિટ સુધી પીએમ મોદીએ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, સમગ્ર દેશની નજર આપણા પર હતી. સેના પર ગર્વ છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો મોટો નિર્ણય, ત્રણ દેશોનો પ્રવાસ રદ કર્યો
આ ઘટના અંગે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં સવારે 11 કલાકે આ બેઠક મળશે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી?
આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.