પિંપરી-ચિંચવડમાં ગેરકાયદે ફટાકડાં બનાવનારી ફેક્ટરીમાં આગ, છ જણના મૃત્યુ
પુણેઃ મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ ખાતે ફટાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી સામે આવી રહી છે. આ આગ એટલી ભીષણ હતી કે જેમાં છ જણના મૃત્યુ થયા હોવાની, અને કેટલાક વધુ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે
પિંપરી-ચિંચવડના તળવડે ખાતે આવેલા ફટાકડાના ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી અને આ ગોડાઉન લાઈસન્સ વિના ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ફાયરબ્રિગેડના જવાનો આ આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે અને સાતથી આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી છ મૃતદેહો બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. જ્યારે બાકીના મજૂરોની શોધ કરાઈ રહી છે.
આ ગોડાઉનમાં હજી કેટલાક વધુ મજૂરો ફસાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે. તળવડે ખાતે સ્પાર્કલિંગ કેન્ડલ બનાવનારા કારખાનામાં આ આગ લાગી હોવાનું અહેવાલમાં જાણવા મળી રહ્યું છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ કારખાનું લાઈસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું હતું.
ફાયરબ્રિગેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી છ મૃતદેહ કાઢવામાં સફળતા મળી છે જ્યારે બે જણને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.