ટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

EVM Puja: મહારાષ્ટ્રના મતદાન મથકમાં EVMની પૂજા, NCP નેતા સહીત 8 સામે કેસ દાખલ

બારામતી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ત્રીજા ચરણના મતદાન હેઠળ મહારષ્ટ્રની 11 લોકસભા બેઠકો પર ગઈ કાલે મંગવારે મતદાન થયું. બારામતી લોકસભા મતવિસ્તાર(Baramati seat)ના ખડકવાસલા વિભાગના એક મતદાન મથક પર અજીબ ઘટના બની હતી, મતદાન મથકની અંદર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કથિત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. જે બદલ મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકણકર(Rupali Chakankar) અને અન્ય સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ચકણકર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજીત પવાર જૂથ(NCP) સાથે જોડાયેલા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “રૂપાલી ચકણકર અને અન્ય લોકોએ સવારે સિંહગઢ રોડ વિસ્તારમાં સ્થિત મતદાન મથકના અધિકારીના આદેશનો અનાદર કર્યો હતો, તેઓએ મતદાન મથક અંદર જઈને EVMની પૂજા કરી હતી.”

ચૂંટણી પંચના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 131 (પોલિંગ સ્ટેશન પર અથવા તેની નજીક અયોગ્ય વર્તન માટે દંડ) અને 132 (મતદાન કેન્દ્રો પર ગેરવર્તણૂક માટે દંડ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રૂપાલી ચકણકર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથે સંબંધિત છે, જ્યારે જેની સામે કેસ નોંધવામાં આવ્યો છે એ અન્ય સાતમાં NCP (શરદ પવાર જૂથ) અને શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-UBT) કેમ્પમાંથી એક-એકનો સમાવેશ થાય છે.

બારામતી લોકસભા બેઠક મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય રહી છે, કારણ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન પછી પવાર પરિવારના જ બે સભ્યો એકબીજા સામે મેદાનમાં છે. શરદ પવારની દીકરી અને વર્તમાન સાંસદ સુપ્રિયા સુલે તેમના ભાભી સુનેત્રા પવાર(અજિત પવારના પત્ની) સામે ચૂંટણી લડી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button