
મુંબઇ: મુંબઇ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવનાર થિયેટક ટેક્સમાં છેલ્લાં 13 વર્ષથી કોઇ વધારો કરવામાં આવ્યો નથી. તેથી 2024-25ના આર્થિક વર્ષ માટે આ કરમાં વધારો કરવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. આ પ્રસ્તાવ પાલિકા દ્વારા તૈયાર કરી તેને અંતિમ મંજૂરી માટે મ્યુનિસિપલ કમીશનર પાસે મોકલવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવ મુજબ એસી થિયેટરમાં શો દીઠ 60 રૂપિયાથી 200 રુપિયા થશે જ્યારે નોન એસી થિયેટરમાં શોદીઠ 45 રૂપિયાથી વધીને 90 રુપિયા થશે. અને નાટકના દરેક શો પાછળ 25 રૂપિયા વધીને 100 રુપિયા થશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે તો સીધી વાત છે કે ફિલ્મ અને નાટકોના ટિકિટ દરોમાં પણ વધારો થતાં ફિલ્મ અને નાટકના રસિકોના ખિસ્સા પર ભારણ વધશે.
પાલિકા દ્વારા ફિલ્મો, નાટકો, સર્કસ, આનંદમેળા વગેરેના શો પર થિયેટર ટેક્સ લેવામાં આવે છે. 2010-11 આ આર્થિક વર્ષમાં થિયેટર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2015-16માં પાલિકા દ્વારા ટેક્સ વધારાનો પ્રસ્તાવ તૈયાર કરી તે રાજ્ય સરકારના નગરવિકાસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. આ વધારો લગભગ 10 ટકા જેટલો હતો. જોકે અત્યાર સુધી આ પ્રસ્તાવ પર કોઇ જ નિર્ણય થયો નથી. એવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2022-23ના આર્થિક વર્ષથી 500 ચોરસ ફૂટ કરતાં ઓછું ક્ષેત્રફળ ધરાવતા ઘરોને માલમત્તા કરમાંથી સંપૂર્ણ છૂટ મળી છે. કરમાફીને કારણે પાલિકાની મહેસૂલમાં ઘટાડો થયો છે. ઉપરાંત હાલમાં વધતી મોંઘવારી અને ટિકિટના દરોમાં થયેલા વધારાને ધ્યાનમાં લઇને પાલિકા દ્વારા થિયેટર ટેક્સમાં વધારાનું સૂચન કરવામાં આવ્યું છે.