ટોપ ન્યૂઝનેશનલ

ચોમાસાને લઈ ખુશીના સમાચાર: આ વર્ષે કેરળમાં 5 દિવસ વહેલું દસ્તક દેશે ચોમાસું…

નવી દિલ્હી: નૈઋત્યનાં ચોમાસાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે ચોમાસું નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ વહેલું કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું કેરળમાં 27 મેના રોજ પહોંચે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનના આસપાસનાં ગાળામાં કેરળના દરિયાકાંઠે પહોંચે છે. IMDના આંકડા અનુસાર, જો ચોમાસું કેરળમાં અપેક્ષા મુજબ પહોંચે છે, તો તે 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું સૌથી વહેલું આગમન હશે.

આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી
સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્યનું ચોમાસું જૂનનાં પહેલા અઠવાડિયા સુધીમાં કેરળમાં દસ્તક આપે છે અને જૂનનાં પહેલા અઠવાડિયાનાં અંત સુધીમાં પશ્ચિમ ઘાટ સહિત ભારતનાં અન્ય વિસ્તારો સુધી પહોંચી જાય છે. નૈઋત્યનું ચોમાસું 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પરત ફરવાની કરવાની શરૂઆત કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પરત ફરે છે. IMDએ એપ્રિલમાં વર્ષ 2025ના ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી અને અલ નીનોની પરિસ્થિતિની સંભાવનાને નકારી કાઢી હતી.

પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે, ભારતમાં ચાર મહિનાના ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર)માં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. આ વખતે પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ ઘણી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં તેજ પવન અને વરસાદની ગતિવિધિઓ ચાલુ જ રહી છે. શનિવારે પણ રાજધાની દિલ્હીમાં વરસાદ પડ્યા બાદ વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. તેમજ છેલ્લા પાંચ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા તેમજ ગુજરાત-મહારાષ્ટ્રનાં વિસ્તારોમાં વરસાદ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમી વિક્ષોભ અને અન્ય કારણોસર ઉત્તર ભારતમાં પડી રહેલા વરસાદને કારણે અત્યાર સુધી હીટવેવનો વધુ પ્રકોપ જોવા મળ્યો નથી. તેમજ ગરમી વધવાની સંભાવના વચ્ચે ચોમાસું વહેલું આવવાના સમાચાર પણ રાહત આપનારા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button