
નવી દિલ્હીઃ ડીઆરડીઓ દ્વારા સિક્રેટ વેપન વિકસાવવામાં આવ્યું છે, જે કોઈ પણ બેલાસ્ટિક મિસાઈલ યા ફાઈટર જેટનો ખાતમો બોલાવવા માટે સક્ષમ છે, જેનું ટૂંક સમયમાં પરીક્ષણ કરવામાં આવશે. બેલેસ્ટિક મિસાઈલને પણ નષ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવતા ભારતના પોતાના લેસર હથિયાર “Durga 2″નું ટૂંક સમયમાં પરીક્ષણ કરવામાં આવશે.
ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ની લેસર લેબોરેટરી છેલ્લા બે દાયકાથી આવી અત્યંત જટિલ લેસર વેપન સિસ્ટમ્સ પર કામ કરી રહી હોવાના અને હવે તેણે વાસ્તવિક પ્રોટોટાઈપના પરીક્ષણનો એકદમ અદ્યતન તબક્કો હાંસલ કર્યો હોવાના અહેવાલ છે.
જોકે ભારતીય સંરક્ષણ સંસ્થાએ આ કાર્યક્રમ અંગે કડક મૌન જાળવ્યું હતું, પરંતુ દુર્ગા-2 (Directionally Unrestricted Ray-Gun Array) તરીકે ઓળખાતા લેસર હથિયારની કેટલીક વિગતો લગભગ ત્રણ વર્ષ પહેલા યુએસ ડિફેન્સ ન્યૂઝ મેગેઝિનમાં પ્રથમ વખત જાહેર કરવામાં આવી હતી.
ડીઆરડીઓ આ ડ્રીમ પ્રોજેક્ટ પર પોતાની ઉર્જા લગાવી રહ્યું છે. ભારતની આ લેસર સિસ્ટમ ચીન અથવા પાકિસ્તાન દ્વારા લોન્ચ કરવામાં આવેલી કોઈપણ બેલિસ્ટિક અથવા ક્રુઝ મિસાઈલને અથવા લડાકુ વિમાનને નષ્ટ કરી શકે છે. લેસર લેબોરેટરી આ ઉચ્ચ વર્ગીકૃત દુર્ગા-2 પ્રોજેક્ટ માટે મુખ્ય કેન્દ્ર છે, જેને સરકાર દ્વારા ૧૦૦ મિલિયન ડોલર ફાળવવામાં આવ્યા છે.
દુર્ગા-2ને જમીન, સમુદ્ર અને હવા આધારિત પ્લેટફોર્મ સાથે સંકલિત કરવાની યોજના છે. આપણા લેસર નિષ્ણાતો આની રેન્જને ૧૦૦ કિમી અથવા તેનાથી આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.