મુંબઈ: ટાટા ગ્રૂપની માલિકીની તાજ હોટેલ ચેઈન પર 5 નવેમ્બરના રોજ કથિત રીતે સાયબર અટેક થયો હતો. અહેવાલો મુજબ હેકર્સે તાજ હોટલના લગભગ 15 લાખ ગ્રાહકોનો ડેટા તેમની પાસે હોવાનો દાવો કર્યો હતો. હેકર્સે આ ડેટા પરત કરવા માટે 5000 ડોલર અને ત્રણ શરતો પણ મૂકી હતી. જો કે, તાજ હોટેલ્સ ગ્રૂપે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને ગ્રાહકોનો ડેટા સુરક્ષિત છે. અમે આ સ્થિતિ વિશે સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરી છે.
એક અખબારી અહેવાલ મુજબ સાયબર હેકર્સે ગ્રાહકોના ડેટાના બદલામાં તાજ હોટેલ ગ્રુપ પાસેથી 4 લાખ રૂપિયા (5 હજાર ડોલર)થી વધુની માંગણી કરી છે. હેકર્સે તેમના ગ્રુપનું નામ DNA કૂકીઝ રાખ્યું છે. તેણે કહ્યું છે કે આ ડેટા હજુ સુધી કોઈને આપવામાં આવ્યો નથી. તેણે ડેટા પરત કરવા માટે ત્રણ શરતો રાખી છે. સૌથી પહેલા તેમણે વાતચીત માટે ઉચ્ચ પદાધિકારીને લાવવાનું કહ્યું, તેમની બીજી માંગ એ છે કે તે ટુકડાઓમાં ડેટા આપશે નહીં. ત્રીજી શરતમાં તેણે કહ્યું કે અમારી પાસેથી ડેટાના વધુ સેમ્પલ ન માંગવામાં આવે. આ હેકર્સે 5 નવેમ્બરે 1000 કોલમ એન્ટ્રી સાથે ડેટા લીક કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 15 લાખ ગ્રાહકો આ સાયબર એટેકથી પ્રભાવિત થયા છે. ગ્રહોઅ અંગત નંબર, ઘરનું સરનામા અને મેમ્બરશિપ આઈડી જેવી ઘણી માહિતી હેકર્સ સુધી પહોંચી ગઈ છે. ધમકી આપનારા હેકર્સે કહ્યું છે કે તેમની પાસે 2014 થી 2020 સુધીનો ડેટા છે.
ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)ના પ્રવક્તાએ કહ્યું કે અમને હેકર્સના આ દાવા વિશે પણ જાણ થઈ છે. જો કે, આ ડેટા બિન-સંવેદનશીલ છે અને આ ડેટામાં કંઈપણ સંવેદનશીલ નથી. કંપની તેના ગ્રાહકોના ડેટાને બાબતે ચિંતિત છે. અમે આ દાવાની તપાસ કરી રહ્યા છીએ. અમે સાયબર સુરક્ષા એજન્સીઓ અને કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા(CERT-In)ને પણ આ બાબતની જાણ કરી છે. આ ઉપરાંત કંપનીની સુરક્ષા વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથી. IHCL તાજ, વિવાંતા, જીંજર સહિત હોસ્પિટાલિટી સેક્ટરમાં ઘણી બ્રાન્ડ ચલાવે છે.