મુંબઈઃ મુંબઈ સ્ટોકમાર્કેટમાં આજે અઠવાડિયાનો સૌથી મોટો કડાકો નોંધાતા રોકાણકારોને સૌથી મોટો ફટકો પડ્યો છે. શેરબજારનો મહત્ત્વનો ઈન્ડેક્સ સેન્સેક્સ હજાર પોઈન્ટથી વધુ ઘટ્યો હતો તેમ જ નિફ્ટી ઈન્ડેક્સ પણ 22,000 પોઈન્ટના મથાળેથી નીચે જવાથી રોકાણકારોમાં નવા રોકાણ માટે ફફડાટ જોવા મળ્યો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો ઈન્ડેક્સ 1,062 પોઈન્ટ ઘટીને 72,404 પોઈન્ટના મથાળે રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ઈન્ડેક્સ 345 પોઈન્ટ ઘટીને 22,000 પોઈન્ટની નીચે ગયો હતો. આજનો ઘટાડો સૌથી મોટો છે. છેલ્લા પાંચ સત્રમાં સેન્સેક્સ 75,000 પોઈન્ટથી ઘટીને 72,000 પોઈન્ટની આસપાસ છે, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 22,750 પોઈન્ટથી ઘટીને 21,957 પોઈન્ટના મથાળે બંધ રહ્યો છે.
આજે સ્ટોકમાર્કેટમાં લિસ્ટેડ 30 સ્ટોકમાંથી 25 શેરમાં જોરદાર ગાબડું પડ્યું હતું. હેવિવેઈટ પાંચ સ્ટોકમાં લેવાલી જોવા મળી હતી. ટાટા મોટર્સના સ્ટોકમાં બે ટકા, મહિન્દ્રા મહિન્દ્રામાં 1.48 ટકા, એસબીઆઈમાં 1.27 ટકા અને ઈન્ફોસીસમાં સામાન્ય વૃદ્ધિ રહી હતી, જ્યારે 25 સ્ટોકમાં જોરદાર ધોવાણ થયું હતું. લાર્સન એન્ડ ટુર્બોમાં 5.56 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એની સાથે એશિયન પેઈન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેંકના સ્ટોકમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.
આપણ વાંચો: શેરબજારને ચૂંટણીની અનિશ્ચિતતા અવરોધે છે
માર્કેટમાં ઘટાડા અંગે વર્તુળોએ કહ્યું હતું કે માર્કેટમાં શરુઆતમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ પ્રોફિટ બુકિંગને કારણે જોરદાર વેચવાલી રહેતા માર્કેટ ઊંધા માથે પટકાયું છે. બુધવારે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 6,619 કરોડ રુપિયાના સ્ટોકનું વેચાણ કર્યું હતું, જ્યારે કુલ પાંચ દિવસમાં એફઆઈઆઈએ 15,863 કરોડની ઈક્વિટી વેચી છે. ઉપરાંત, અમુક કંપનીના નકારાત્મક પરિણામોને કારણે માર્કેટ ક્રેશ થયું હતું. આજે નિફ્ટીની પણ એક્સપાયરી ડેટ હોવાથી માર્કેટમાં નેગેટિવ અસર જોવા મળી.
સ્ટોકમાર્કેટમાં આજે રોકાણકારોએ કુલ 7.3 લાખ કરોડ ગુમાવ્યા હતા, કારણ કે આજે બીએસઈની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 7.3 લાખ કરોડ ગટીને 393.73 લાખ કરોડ થઈ છે, જે એક દિવસ પહેલા 400 લાખ કરોડની સપાટીએ હતી.
સેન્સેક્સમાં ગાબડા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુર્બોએ માર્કેટમાં ઘટાડા માટે જવાબદાર કારણ હતું. આ ઉપરાંત, બેકિંગ ઈન્ડેક્સ આજે 500 પોઈન્ટથી વધુ ગબડ્યો તેમ જ નિફ્ટી એફએમસીજીમાં 1,300 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો.