અનિલ કપૂરની ફિલ્મ નાયકની જેમ ગુજરાતમાં નાગરિકો મુખ્ય પ્રધાનને સીધી જ કરી શકશે ફરિયાદ…

ગાંધીનગરઃ ફિલ્મ નાયકમાં એક દિવસ માટે મુખ્ય પ્રધાન બનેલા અનિલ કપૂરે નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો. કઈંક આવું જ ગુજરાતમાં થશે. ગુજરાતમાં નાગરિકો મુખ્ય પ્રધાનને સીધી જ ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાનને વોટ્સએપ, ઈમેલ કરી શકાશે.
આ માટે પ્રારંભિક રૂપિયા 1 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન કાર્યાલય જ આ હેલ્પલાઈન અંગે દેખરેખ રાખશે. હાલ ફરિયાદ માટે સ્વાગત ઓનલાઈન સેવા ઉપલબ્ધ છે. જેમાં નાગરિકો સીધા જ મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી શકે છે પરંતુ તેમાં લેખિતમાં ફરિયાદ કરવાની હોય છે. જ્યારે આમાં ટેકનોલોજીથી ફરિયાદ કરી શકશે.
આ પણ વાંચો: શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોના તંબુઓ પર બુલડોઝર ચાલ્યું, પંજાબ પોલીસની કાર્યવાહી…
રોજના એક લાખ ફોન કોલ્સ કરી શકાશે રિસીવ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હેલ્પલાઈનમાં માત્ર ફોન કોલ્સ જ નહીં, વોટ્સએપ અને ઈમેલથી ફરિયાદ કરી શકાશે. આ હેલ્પલાઈનનો વ્યાપ ખૂબ વિશાળ હશે. દેશના કેટલાક રાજ્યમાં આ પ્રકારે હેલ્પ લાઈન ચાલી રહી છે. જેમાં રોજના સેંકડો ફોન આવે છે, ગુજરાતમાં રોજના એક લાખ જેટલા ફોન કોલ્સ રિસીવ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો: આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…
આ સેવા સંપૂર્ણપણે નાગરિકોને જ સમર્પિત હશે. કોઈ સરકારી કર્મચારી પોતાની કચેરી સંદર્ભેની ફરિયાદ અથવા કોઈ કિસ્સામાં કોટ કેસ થયો હશે તો તે અંગે આ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધવામાં નહીં આવે. આ ઉપરાંત કોઈ નાગરિકને યોજના કે સરકારી સેવા સંબંધિત માહિતી જોઈતી હશે તો તે પણ હેલ્પલાઈન પર મળશે. ઘણા કેસમાં નાગરકોને સેવા મળવામાં વિલંબ થાય છે પરંતુ આ હેલ્પલાઈન શરૂ થતાં નાગરિકો સીધી ફરિયાદ કરી શકશે.