અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં લઈ સીબીઆઈએ રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને એક સાથે 35 જેટલા કૉલ સેન્ટર્સ પર તૂટી પડ્યા છે.
સીબીઆઈના આ અણધાર્યા એક્શનથી ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવનારાઓ ફફડી ગયા છે. કૉલ સેન્ટર્સના માધ્યમથી લોભામણી લાલચો આપી જનતાને લૂંટતા સાઈબર ફ્રોડનો કહેર ગુજરાતમાં દિવસે દિવસે વધતો જાય છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નામ ખુલ્યા છે, જેને ત્યાં સીબીઆઇની ટીમ પહોંચી છે. આ તમામ લોકો અલગ અલગ રાજ્યમાં વસતા કે મુલાકાતે આવતા વિદેશી નાગરિકોને છેતરવાનું અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે પ્લાન કરી રહ્યા હતા. એફબીઆઈના ઇનપુટ બાદ આ તમામની ધરપકડ માટે સીબીઆઇ કામ કરી રહ્યું છે.
આપણ વાંચો: લિકર કેસમાં ઈડી-સીબીઆઈ કેમ પુરાવા ના શોધી શક્યાં?
સૂત્રો પાસેથી એ માહિતી પણ મળી છે કે અલગ અલગ રાજ્યમાં ચાલતાં આવા કોલ સેન્ટર સાથે ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું છે. લગભગ 350 લોકોની ટીમ અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી હતી. આ રેડ દરમિયાન અનેક લોકો પાસેથી રૂપિયા પડાવવાનું આખું નેટવર્ક ગોવા, કોલકાત્તા, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાં સેટઅપ કરવામાં આવ્યું હતું.
જોકે સીબીઆઈની આ રેડની આગોતરી જાણ શહેર પોલીસને ન હોવાનું પણ જાળવા મળ્યું છે. આ તમામ કાર્યવાહી અંગે સત્તાવાર નિવેદન હજુ મળ્યું નથી.