BRICS: દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે વર્ચ્યુઅલ બેઠક બોલાવી, જિનપિંગ ચર્ચામાં ભાગ લેશે

નવી દિલ્હી: બ્રિક્સ(BRICS) દેશોના સમૂહના વર્તમાન અધ્યક્ષ દક્ષિણ આફ્રિકાએ વર્ચ્યુઅલ સમિટ બોલાવી છે. તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. તમામ દેશો ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ અંગે પોતાનું વલણ રજૂ કરશે. છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટા ભાગના બાળકો છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે સોમવારે જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર આ બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ પેલેસ્ટાઈન-ઈઝરાયેલ મુદ્દા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરશે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ રામાફોસાએ ગાઝામાં ચાલી રહેલા હમાસ-ઈઝરાયેલ યુદ્ધ અને મધ્ય પૂર્વના દેશોની સ્થિતિ પર વર્ચ્યુઅલ બ્રિક્સ કોન્ફરન્સ બોલાવી છે.
દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ રામાફોસા સૌપ્રથમ બેઠકને સંબોધિત કરશે. આ પછી, આમંત્રિત સભ્યો ગાઝામાં વર્તમાન માનવતાવાદી સંકટ પર નિવેદનો આપશે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે.
BRICS એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશોનો સમૂહ છે, આ સમૂહ સભ્ય દેશો વચ્ચે સહકાર અને સંચારને પ્રોત્સાહન આપે છે. BRICS દેશો વચ્ચે કોઈ ઔપચારિક અથવા કાયદેસર રીતે બંધનકર્તા કરાર નથી. BRICS શબ્દ જિમ ઓ’નીલ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમણે તે સમયે વૈશ્વિક અર્થતંત્રમાં આ દેશોની સંભવિતતા પર ભાર આપવા માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.