BRICS સમિટમાં પહલગામ હુમલાની કડક નિંદા; આતંકવાદને આશ્રય આપનારા દેશો સામે કાર્યવાહી થશે…

રિયો ડી જેનેરિયો: 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત નીપજ્યા (Pahalgam terrorist Attack) હતાં. હુમલાખોરો સરહદ પાર પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ્યા હતાં, આતંકવાદને આશરો આપવા માટે બદનામ પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા કરવામાં આવી રહી છે. રવિવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મા બ્રિક્સ સમિટ(BRICS summit in Brazil)માં પણ પહલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી અને આતંકવાદીઓને આશરો આપનાર દેશો સામે કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના ગ્રુપ QUADની સમિટમાં પણ પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી, હવે બ્રિક્સના સભ્ય દેશોએ એક સંયુક્ત નિવેદનમાં પહેલગામ હુમલાની સખત નિંદા કરી છે. બ્રિક્સના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ દેશોને જવાબદાર ઠેરવવા જોઈએ.
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ:
પહેલગામ આતંકવાદી હુમલા અંગે, BRICSના સયુંકત નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘અમે 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અમે આતંકવાદીઓની સરહદ પારની હિલચાલ, આતંકવાદને ભંડોળ અને સુરક્ષિત આશ્રયસ્થાનો સહિત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા માટે અમારી પ્રતિબદ્ધતાની ફરી પુષ્ટિ કરીએ છીએ.’
નિવેદનમાં બ્રિકસના સભ્ય દેશોએ કહ્યું, ‘અમે સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે આતંકવાદને કોઈપણ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા અથવા વંશીય જૂથ સાથે જોડવો જોઈએ નહીં અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ અને તેમના સમર્થનમાં સામેલ તમામ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ અને સંબંધિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. અમે આતંકવાદ માટે ઝિરો ટોલરન્સ સુનિશ્ચિત કરવા અને આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણોને નકારવા વિનંતી કરીએ છીએ.’
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી:
બ્રિક્સ સમિટની શરૂઆતમાં, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી અને વિશ્વના નેતાઓને આતંકવાદ સામે એક થવા અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો ભારતની આત્મા અને ગરિમા પર હુમલો હતો.
BRICS શું છે?
BRICS એ દસ દેશોનું બનેલું આંતર-સરકારી સંગઠન છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત આ જૂથના સભ્યો છે.