Bombay હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકોઃ IT નિયમોમાં કરેલા સુધારા ગેરકાયદે…
મુંબઈ: ગયા વર્ષે કેન્દ્ર સરકારે ઈન્ટરમિડિયરી ગાઈડલાઈન અને ડિજિટલ મિડિયા એથિક્સ કોડ રુલ્સ, 2021માં સંશોધન કર્યું હતું. આ સંશોધનના નિયમોમાં જણાવ્યું હતું કે સરકારની પાસે ફેક્ટ ચેક યુનિટ બનાવવાનો અધિકાર હશે. જો યુનિટને જણાશે તો કેન્દ્ર સરકારના કામકાજ સંબંધિત સમાચાર બનાવટી, ખોટા અથવા ભ્રામક જણાવી શકે છે, તેથી એ પોસ્ટને રદ યા હટાવી શકશે. ન્યૂઝ વેબસાઈટ એના દાયરામાં આવતા નથી, પરંતુ સોશિયલ મીડિયા વેબસાઈટ અને વેબ હોસ્ટિંગ સર્વિસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગૂડ ન્યૂઝઃ આવતીકાલથી કોસ્ટલ રોડ રોજ સવારના સાતથી મધરાત સુધી ખુલ્લો રહેશે…
અલબત્ત, આ સુધારિત ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) નિયમોને ગેરબંધારણીય ઠેરવી બોમ્બે હાઈ કોર્ટે આજે આ નિયમો રદ કર્યા હતા. સુધારિત નિયમોમાં સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર રજૂ થતી નકલી અને સત્યથી વેગળી સામગ્રીની ઓળખ કરવાની માંગ કરવામાં આવી હતી.
જાન્યુઆરીમાં ખંડપીઠે સુધારેલા આઇટી નિયમોને પડકારતી અરજીઓ પર તરફેણ અને વિરુદ્ધમાં ચુકાદો આપ્યા બાદ આ મામલો ન્યાયમૂર્તિ એ એસ ચાંદુરકરને ‘ટાઇબ્રેકર જજ’ તરીકે સોંપવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ ચાંદુરકરે આજે જણાવ્યું હતું કે ‘આ નિયમો બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આ બાબતે મેં વિસ્તૃત વિચારણા કરી છે. આ નિયમો ભારતના બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), 19 (વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા) અને 19 (1) (જી) (સ્વતંત્રતા અને વ્યવસાયનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે.’
તેમણે ઉમેર્યું હતું કે, નિયમોમાં “બનાવટી, ખોટું અને ગેરમાર્ગે દોરનારું” શબ્દપ્રયોગ કોઈ પણ વ્યાખ્યાની ગેરહાજરીમાં ‘અસ્પષ્ટ અને તેથી ખોટો’ હતો. આ ચૂકાદા સાથે હાઇ કોર્ટે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા અને અન્યો દ્વારા નવા નિયમોને પડકારતી અરજીઓને મંજૂરી આપી હતી, જેમાં સરકાર વિશે બનાવટી કે સત્યથી વેગળી સામગ્રીની ઓળખ કરવા માટે ફેક્ટ ચેકિંગ યુનિટ (એફસીયુ) સ્થાપવાની જોગવાઇનો સમાવેશ થાય છે.
ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની ખંડપીઠે જાન્યુઆરીમાં વિભાજીત (તરફેણ અને વિરુદ્ધ) ચુકાદો આપ્યા બાદ આઇટી નિયમો સામેની અરજીઓ જસ્ટિસ ચાંદુરકરને મોકલવામાં આવી હતી. ન્યાયમૂર્તિ પટેલે આ નિયમોને ફગાવી દીધા હતા તો ન્યાયમૂર્તિ ગોખલેએ તેને માન્ય રાખ્યા હતા.
આ પણ વાંચો : તો હવે મુંબઈથી પુણે બે કલાકમાં પહોંચવાનું સપનું સાકાર થશે…
ન્યાયમૂર્તિ પટેલે કહ્યું હતું કે આ નિયમો સેન્સરશિપ સમાન છે, પરંતુ ન્યાયમૂર્તિ ગોખલેએ એવો અભિપ્રાય આપ્યો હતો કે દલીલ મુજબ મુક્ત ભાષણ પર તેમની કોઈ તીવ્ર અસર નથી થતી. ન્યાયમૂર્તિ ચાંદુરકરે આજે કહ્યું હતું કે તેઓ ન્યાયમૂર્તિ પટેલ (હવે નિવૃત્ત) દ્વારા આપવામાં આવેલા અભિપ્રાય સાથે સંમત છે.
(પીટીઆઈ)