ગૂડ ન્યૂઝઃ આવતીકાલથી કોસ્ટલ રોડ રોજ સવારના સાતથી મધરાત સુધી ખુલ્લો રહેશે…
મુંબઈ: કોસ્ટલ રોડ પર ટ્રાવેલ કરનારા વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે શનિવાર (21 સપ્ટેમ્બર)થી દરરોજ સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી મુંબઈના કોસ્ટલ રોડ પર વાહનોની અવરજવર થઈ શકશે. અગાઉ દક્ષિણ મુંબઈ તરફનો પટ્ટો સવારે 7થી રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેતો હતો જ્યારે ઉત્તર તરફનો પટ્ટો એ જ સમયપત્રકને અનુસરતો હતો પણ શનિ – રવિમાં તેને બંધ કરવામાં આવતો હતો. જોકે, ગણેશોત્સવ દરમિયાન કોસ્ટલ રોડ ચોવીસ કલાક ખુલ્લો રાખવામાં આવતા જનતાને અવરજવર કરવામાં સરળતા રહી હતી.
હવે તહેવારની પુર્ણાહુતી થતા સમય બદલાયો છે. બિંદુ માધવ ઠાકરે ચોક, રજની પટેલ ચોક (લોટસ જંકશન) અને અમરસન્સ ગાર્ડનથી મરીન ડ્રાઇવ સુધીનો દક્ષિણ મુંબઈ સુધીનો પટ્ટો તેમજ મરીન ડ્રાઇવ, હાજી અલી અને રજની પટેલ ચોક (લોટસ જંકશન)થી બાંદ્રા-વરલી સી લિંક (રાજીવ ગાંધી સી લિન્ક) સુધીનો ઉત્તર મુંબઈ તરફનો પટ્ટો વાહન વ્યવહાર માટે ખુલ્લો રહેશે. મુંબઈ કોસ્ટલ રોડને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડતા પુલની એક બાજુ 13 સપ્ટેમ્બરના રોજ ઉત્તર તરફના ટ્રાફિક માટે શરૂ કરવામાં આવી હતી.
વરલીથી મરીન ડ્રાઇવ સુધીનો દક્ષિણ મુંબઈ તરફનો પટ્ટો 12 માર્ચે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મરીન ડ્રાઈવથી હાજી અલી સુધીનો ઉત્તર બાજુનો પટ્ટો 10 જૂને ખોલવામાં આવ્યો હતો જ્યારે હાજી અલીથી અબ્દુલ ગફાર ખાન રોડ સુધીનો 3.5 કિ.મી.નો વિસ્તાર 11 જુલાઈએ ખુલ્લો મુકાયો હતો.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો લગભગ 92 ટકા હિસ્સો પૂર્ણ થઈ ગયો છે. હાલ બાંદ્રા-વરલી સી લિંક કનેક્ટરના કામ માટે આ રોડ રાત્રે બંધ રહે છે. બ્રિજનું બાકીનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મધરાત્રે ૧૨થી સવારે ૭ વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રહેશે. અહીં એ જણાવવાનું કે કોસ્ટલ રોડના કારણે ટ્રાવેલ ટાઈમમાં 70 ટકા અને ઇંધણના ખર્ચમાં 34 ટકાનો ઘટાડો થયો છે.