તો હવે મુંબઈથી પુણે બે કલાકમાં પહોંચવાનું સપનું સાકાર થશે…
મુંબઈઃ મુંબઈથી પુણેની સફર હવે સરળ બનવા જઈ રહી છે. વાસ્તવમાં, શિવરી ન્હાવા શેવા સી લિંક હાઇવે એટલે કે અટલ સેતુ હવે એક્સપ્રેસ વે દ્વારા સોલાપુર અને સતારા સાથે જોડવામાં આવશે. આ નવા હાઈ-વેને કારણે અટલ સેતુથી સોલાપુર અને સતારા જવા માટે સીધો રોડ ઉપલબ્ધ થશે. જેના કારણે મુંબઈથી પુણે પહોંચવામાં ઓછો સમય લાગશે. નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા હાઈ-વેના નિર્માણથી મુંબઈથી પુણેના પ્રવાસ સમયમાં દોઢ કલાક જેટલો ઘટાડો થશે.
નવા પ્રસ્તાવિત હાઇ-વે દ્વારા અટલ સેતુ અને જેએનપીટી સીધા પુણે, સતારા, સોલાપુર સાથે જોડાશે. આ ૧૩૦ કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે ચોક-પુણે-શિવારે જંક્શન સુધી હશે. ઝડપી મુસાફરી માટે આ રૂટ પર કુલ ૮ લેન હશે. આ નવા એક્સપ્રેસવેના નિર્માણમાં ૧૭,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ હાઈવેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
હાલમાં મુંબઈથી પુણે એક્સપ્રેસ વે પર અવારનવાર ટ્રાફિક જામ જોવા મળે છે. આ ઉપરાંત ઘાટ વિસ્તારમાં વાહનોની કતારમાં કલાકો સુધી મુસાફરો અટવાઈ પડે છે. એક્સપ્રેસ વે પર વધી રહેલા શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે આ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આ માટે લોનાવાલા વિસ્તારમાં નવી લેન તૈયાર કરવામાં આવી રહી છે. મુંબઈ-પુણે મુસાફરીનો સમય ઘટાડતી આ નવી લેનનું કામ અંતિમ તબક્કામાં છે.
જો કે ભવિષ્યમાં આ સુવિધા પણ અપૂરતી બને તેવી શક્યતાઓ છે. આ પૃષ્ઠભૂમિમાં જો અટલ સેતુને સોલાપુર અને સતારા સાથે એક્સપ્રેસ વેથી જોડવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં અટલ સેતુને જોડતા બીજા હાઇવેની જાહેરાત કરી હતી.
તેના મુજબ, અટલ સેતુથી નીચે ઉતરતાની સાથે જ ૧૪ લેનનો રોડ બનાવવામાં આવશે. આ હાઇવે બેંગલુરુ અને છત્રપતિ સંભાજીનગરને જોડશે. આ ઉપરાંત આ રોડને પુણે રિંગરોડ સાથે પણ જોડવામાં આવશે.