ભાજપના બળવાખોર નેતાઓ ગોપાલ શેટ્ટી, ગીતા જૈન, હસમુખ ગેહલોત અપક્ષ ઉમેદવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આખરી યાદીની જાહેરાત સાથે, ટિકિટ નકારવામાં આવેલા ઘણા નેતાઓ હવે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. મુખ્ય ચહેરાઓમાં મુંબઈના ભાજપના નેતા અતુલ શાહ અને ગોપાલ શેટ્ટી અને થાણેથી હસમુખ ગેહલોતનો સમાવેશ થાય છે.
બોરીવલી મતવિસ્તારમાં એક મજબૂત નેતા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ સંજય ઉપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા પછી તેમની સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. ઉપાધ્યાય મુંબઈ ભાજપના મહાસચિવ છે, જો કે બોરીવલીથી ગોપાલ શેટ્ટી પ્રબળ દાવેદાર હતા જ્યારે પીયૂષ ગોયલને શેટ્ટીની ટિકિટ કાપીને મુંબઈ ઉત્તરમાંથી 2024 લોકસભા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા નરેન્દ્ર મહેતાને મીરા-ભાયંદરની ઉમેદવારી આપવામાં આવતા તેમના કટ્ટર હરીફ અને વર્તમાન વિધાનસભ્ય ગીતા જૈને યુતિ ધર્મનું પાલન ન કરતાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
અહીં ઉલ્લેખનીય છે કે 2019માં પણ નરેન્દ્ર મહેતાને ટિકિટ આપવામાં આવ્યા બાદ ત્યારે ભાજપમાં રહેલા ગીતા જૈને બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેઓ વિજયી થયા હતા. બાદમાં મહાયુતિના ઘટકપક્ષ શિવસેના (શિંદે)માં જોડાયા હતા. વર્તમાન વિધાનસભ્ય હોવાથી આ વખતે તેઓ આ બેઠક પરથી દાવો નોંધાવી રહ્યા હતા, પરંતુ ભાજપે નરેન્દ્ર મહેતાને ઉમેદવારી આપતાં તેઓ નારાજ થયા છે.
બીજી તરફ મહાયુતિએ શિવસેનાના પ્રતાપ સરનાઈકને મેદાનમાં ઉતાર્યા બાદ ભાજપના અન્ય નેતા હસમુખ ગેહલોતે થાણેની ઓવલા-માજીવાડા સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગેહલોત ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાની અપેક્ષા રાખતા હતા.
કૉંગ્રેસમાં પણ બળવાખોરી
ઉમેદવારી પત્ર ભરવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી પણ નારાજ ચહેરાઓ બહાર આવ્યા છે. કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની યાદીમાં, તેણે કોલ્હાપુર ઉત્તરથી રાજુ લાટકરની ઉમેદવારી બદલી અને મધુરિમરાજે છત્રપતિને મેદાનમાં ઉતાર્યા. જો કે, જાહેરાત બાદ, લાટકરે અપક્ષ ઉમેદવાર તરીકે નોમિનેશન દાખલ કરવાનો નિર્ણય લીધો હતો એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
દરમિયાન મુંબઈમાં કોંગ્રેસના નેતા મધુ ચવ્હાણે ભાયખલા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાયખલામાંથી શિવસેના (યુબીટી)એ મનોજ જામસુતકરને ઉમેદવારી આપી તેનાથી કૉંગ્રેસી નેતા નારાજ હતા અને યુતિ ધર્મ છોડીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.