આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…

વોશિંગ્ટનઃ ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ લોકો માટે મોટા સમાચાર છે. આજથી તેમાં મોટો ફેરફાર થયો છે. ફોરેને લેબર એક્સેસ ગેટવે (FLAG) પોર્ટલ અમેરિકન કંપનીઓને યોગ્ય કર્મચારીઓને શોધવામાં મદદ કરે છે. તેમાં H-1B,H-1B1, H-2A, H-2B, E-3 વિઝા અને પરમેનેન્ટ લેબર સર્ટિફિકેશન એપ્લિકેશન પણ સ્ટોર કરવામાં આવે છે. આ પોર્ટલ પરથી વિદેશી કામદારોના રેકોર્ડ ડિલીટ કરવામાં આવી રહ્યા છે.
શ્રમ રોજગાર અને ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન, ઓફિસ ઓફ ફોરેન લેબર સર્ટિફિકેશન (OFLC) દ્વારા વિવિધ લોકોને 20 માર્ચની મધરાતથી જ FLAG સિસ્ટમથી રેકોર્ડ ડિલીટ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. OLFC એ તેને લાગુ કરવા અંગે નોટિસ પણ બહાર પાડી છે. જે મુજબ 5 વર્ષથી જૂના તમામ રેકોર્ડ ડિલીટ કરવામાં આવશે. જો કોઈ અમેરિકન કંપની પાસે FLAG સિસ્ટમમાં અંતિમ તારીખથી 5 વર્ષ જૂના રેકોર્ડ હોય તો આવા કિસ્સામાં આજે મધરાત પuaહેલા ડાઉનલોડ કરવા જણાવાયું છે. રેકોર્ડને ડિલીટ કરવાનો નિર્ણય FLAG સિસ્ટમમાં નોંધાયેલી અંતિમ તારીખ પર થશે. જેમકે 21 માર્ચ, 2020ની અંતિમ તારીખ વાળા રેકોર્ડ 21 માર્ચ, 2025ના રોજ ડિલીટ કરવામાં આવશે.
અમેરિકામાં કામ કરવા માંગતા વિદેશી કુશળ કામદારો માટે H-1B વિઝા સિસ્ટમ મુખ્ય માર્ગ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરી રહ્યા છે.
એક અહેવાલ મુજબ, H-1B સહિત તમામ કામચલાઉ અરજી 20 માર્ચથી ડિલીટ કરવામાં આવશે. તેના બદલે USCIS એક નવી અરજી પ્રક્રિયા શરૂ કરશે. જે તમામ અરજદારો માટે સમાન હોવાનું કહેવાય છે. અગાઉની સિસ્ટમમાં નોકરીદાતાઓ એક જ વ્યક્તિ માટે એકથી વધુ અરજી સબમિટ કરી શકતા હતા. જોકે H-1B વિઝાની નવી સિસ્ટમમાં આ પદ્ધતિ બદલાવાથી તમામ અરજદારોને સમાન તક મળશે.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો…
આ નવી સિસ્ટમ અરજીઓને બદલે પાત્રતા ધરાવતાં લોકોની પસંદગી કરશે. ઉપરાંત એક જ વ્યક્તિ માટે થતી એકથી વધુ એન્ટ્રીને અટકાવશે. તેનાથી મોટી કંપનીઓને અગાઉની સિસ્ટમમાં જે ફાયદો થતો હતો તે દૂર થશે. ઉપરાંત રજિસ્ટ્રેશન ફી પણ 10 ડૉલરથી વધીને 215 ડૉલર થશે. અન્ય ફેરફારમાં USCIS ઉમેદવારોને ઓનલાઈન નોંધણી કરાવવાની જરૂર નહીં પડે. H-1B અરજી ફાઈલ કરતા પહેલા નોકરીદાતાએ નોંધણી કરાવવી પડશે. જે USCIS ને પ્રક્રિયા ઝડપી બનાવવામાં મદદ કરશે.