
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે લોકસભા અને રાજ્યસભાના સત્તાપક્ષ અને વિપક્ષની વચ્ચે ખેંચાખેંચી ચાલુ થઈ ગઈ છે. બુધવારે પણ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા જમ્મુ કાશ્મીર અનામત (સંશોધન) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ શિયાળુ સત્રની વચ્ચે હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ ફરી એક વખત સંસદમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે, તેના માટે પાર્ટીના તમામ સાંસદોને પણ મેસેજ મોકલી દેવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં પોતાના તમામ વર્તમાન સાંસદોને આઠમી ડિસેમ્બરે એટલે શુક્રવારે ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ જારી કર્યો છે. એના માટે હવે આ બાબત મહત્ત્વની માનવામાં આવી રહી છે કે આઠમી ડિસેમ્બરે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકસભામાં મહત્ત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા કરવામાં આવશે. એ વખતે સરકારને સમર્થન આપવા માટે તમામ સાંસદો માટે વ્હિપ જારી કર્યો છે.