આમચી મુંબઈટોપ ન્યૂઝ

બાબા સિદ્દીકીની હત્યા કરનારા હુમલાખોરોની તસવીર સામે આવી, પોલીસે 2 જણને લોડેડ મેગેઝીન સાથે ઝડપ્યા


મુંબઇઃ એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વ વિસ્તારમાં હુમલાખોરોએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમને છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. તેમને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે લોકોની ધરપકડ કરી હતી જ્યારે ત્રીજો આરોપી હજુ ફરાર છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક હજુ ફરાર છે. કાયદો અને વ્યવસ્થા કોઈ પોતાના હાથમાં લઈ શકે નહીં. મુંબઈ પોલીસને સૂચના આપવામાં આવી છે.

| Also Read: Big Breaking: મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા…

તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘બાબા સિદ્દીકી પર ગોળીબારની ઘટના ખૂબ જ પરેશાન કરનારી અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ અંગે મેં કમિશનર અને ડોક્ટર સાથે પણ વાત કરી હતી. બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક યુપીનો અને બીજો હરિયાણાનો છે. ત્રીજો આરોપી ફરાર છે. તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસને કડક કાર્યવાહી કરવાનો અને કાયદો અને વ્યવસ્થા હળવાશથી નહીં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ‘

પોલીસે શકમંદોના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા છે અને બે આરોપીને બે લોડેડ મેગેઝીન સાથે પકડ્યા છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતાના તમામ પ્રવાસ રદ કર્યા હતા. ડે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસ કોન્ટ્રાક્ટ કિલીંગના એંગલથી પણ આ કેસની તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું છે.

પોલીસનું કહેવું છે કે છેલ્લા 25-30 દિવસથી આ હુમલાની યોજના બનાવવામાં આવી રહી હતી. બાબા સિદ્દીકી જ્યાંથી જતા-આવતા હતા તે વિસ્તારમાં આરોપીઓ સતત તપાસ કરતા હતા. તેમણે આખા વિસ્તારની રેકી કરી હતી. આરોપીઓ રિક્શામાં બાન્દ્રા પૂર્વના હત્યા સ્થળ પર આવ્યા હતા. તેમણે ઓળખ છુપાવવા મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. બાબા સિદ્દીકી પર ગોળીબાર કરતા પહેલા તેઓ ત્યાં આગળ થોડી વાર રાહ જોતા ઊભા રહ્યા હતા. ગોળીબારમાં 9.9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસને આશંકા છે કે આરોપીને માહિતી આપનાર અન્ય કોઇ વ્યક્તિ છે.

| Also Read: RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં…

બાબા સિદ્દીકીની વાત કરીએ તો તેઓ જાણીતા રાજકીય નેતા હતા. આ વર્ષે તેઓ કૉંગ્રેસ છોડીને એનસીપી અજીત પવાર જૂથમાં જોડાયા હતા. તેમના બોલિવૂડ સાથે પણ ઘણા સંબંધ હતા. તેઓ ભવ્ય ઇફતાર પાર્ટીઓ આપવા માટે જાણીતા હતા. તેમની ઇફ્તાર પાર્ટીઓમાં સલમાન ખાન, શાહરૂખ ખાન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સોનો રાફડો ફાટતો હતો. મળતી માહિતી મુજબ આતશબાજીના અવાજ વચ્ચે તેમના પર ગોળીબાર થયો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button