Big Breaking: મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા…
મુંબઈઃ NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક જાણકારી અનુસાર બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી, જે બાદ તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ન્યૂઝ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની બાંદ્રા ખેરવાડી સિગ્નલ ખાતેની ઓફિસ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
કોણ છે બાબા સિદ્દીકી
બાબા સિદ્દીકીની મુંબઈની રાજનીતિમાં એક મોટા નેતા તરીકે ઓળખ છે. બાબા સિદ્દીકી ઘણા વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહ્યા અને ચાલુ વર્ષે પાર્ટીને અલવિદા કહી દીધું. બાબા સિદ્દીકી 1999માં બાંદ્રા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. બાબા સિદ્દીકીનું પૂરું નામ ઝિયાઉદ્દીન સિદ્દીકી છે. તેમના પિતાનું નામ અબ્દુલ રહીમ સિદ્દીકી અને માતાનું નામ રઝિયા સિદ્દીકી છે. બાબા સિદ્દીકીએ શાહઝીન સિદ્દીકી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, એક પુત્રી ડો. અર્શિયા સિદ્દીકી અને એક પુત્ર જીશાન સિદ્દીકી. જીશાન સિદ્દીકી હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય છે અને મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ છે. બાબા સિદ્દીકીએ મુંબઈની સેન્ટ એન હાઈસ્કૂલમાંથી 12મું પાસ કર્યું હતું. આ પછી તેણે મુંબઈની M.M.K કોલેજમાંથી વધુ અભ્યાસ કર્યો.
બાબા સિદ્દીકીની રાજકીય સફર
બાબા સિદ્દીકીએ વિવિધ વિદ્યાર્થી ચળવળોમાં ભાગ લીધો અને 1977 માં કિશોર વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ 1980 માં બાંદ્રા યુથ કોંગ્રેસના બાંદ્રા તાલુકાના મહાસચિવ બન્યા અને પછીની બે ચૂંટણીઓમાં તેના પ્રમુખ તરીકે ચૂંટાયા. 1988માં તેઓ મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને 1992માં BMCમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા. બાબા સિદ્દીકી 1999માં બાંદ્રા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. 2000-2004 સુધી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને મ્હાડા મુંબઈ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.