અમદાવાદના જશોદાનગરમાં ડિમોલિશન: AMC ટીમ પર હુમલો, દુકાનદાર પરિવારે આત્મદાહનો પ્રયાસ કર્યો...

અમદાવાદના જશોદાનગરમાં ડિમોલિશન: AMC ટીમ પર હુમલો, દુકાનદાર પરિવારે આત્મદાહનો પ્રયાસ કર્યો…

અમદાવાદ: શહેરના જશોદાનગર વિસ્તારમાં આવેલી પુનિતનગર રેલવે ફાટક પાસે ડિમોલિશનની કામગીરી વખતે એએમસી (અમદાવાદ નગરપાલિકા)ની ટીમ પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો AMCની ટીમ અહીં ગેરકાયદે બનેલી દુકાનનું ડિમોલિશન કરવા માટે પહોંચી હતી.

આ દરમિયાન એક ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સ્થાનિક દુકાનની માલિક મહિલાએ પોતાના પર કેરોસિન છાંટીને આત્મદાહની કોશિશ પણ કરી હતી.

80 ટકાથી વધુ દાઝી જનારી મહિલાની નાજુક હાલત
ચોંકાવનારી વાત એ છે કે, દુકાન માલિક મહિલા સાથે સાથે તેના પરિવારના અન્ય સભ્યોએ પણ આત્મદાહની કોશિશ કરી હતી. મહિલાને અત્યારે 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહિલા 80 ટકાથી વધુ દાઝી જતા તેની સ્થિતિ અત્યંત નાજુક થતા મામલો વધારે ઉગ્ર બન્યો છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ સમગ્ર મામલે સમસ્ત વેપારીઓ રેલી કાઢીને વટવા GIDC પોલીસ પહોંચ્યાં અને AMC વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સ્થાનિકોએ તંત્ર વિરોધી નારા પણ લગાવ્યાં હતાં
વેપારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે, એએમસીના અધિકારીઓ અમારી પાસેથી બે બે વખત રૂપિયા (લાંચ) લઈ ગયા હોવા છતાં પણ હવે દુકાનો તોડવા માટે આવ્યાં છે. જેથી સ્થાનિકોએ ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ના નારા પણ લગાવ્યાં હતાં. આ મામલો વધુ ઉગ્ર બન્યો હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલો થાળે પાડવાનો પ્રયત્ન હાથ ધરી દીધો છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે અમારી પાસેથી ખુલ્લેઆમ રીતે લાંચ માંગવામાં આવે છે.

સામાન બહાર કાઢવા માટે પણ સમય ના આપ્યો
એએમસી પર સ્થાનિક વેપારીઓએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં છે. વેપારીઓ કહે છે કે, પહેલા એએમસીના અધિકારીઓ રૂપિયા લઈને જાય છે અને બાદમાં ડિમોલિશન કરવા માટે આવે છે. એક વેપારીએ કહ્યું કે, અમે દુકાનમાંથી અમારો સામાન બહાર કાઢવા માટે સમય માંગ્યો હતો.

પરંતુ અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો સમય આપ્યા વિના જ ડિમોલિશન શરૂ કરી દીધું હતું. જેથી આ મહિલાએ આત્મદાહનો પ્રયત્ન કર્યો અને અત્યારે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button