આનંદોઃ વડોદરાનું આજવા સરોવર છલકાયું, 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં છોડાયું | મુંબઈ સમાચાર

આનંદોઃ વડોદરાનું આજવા સરોવર છલકાયું, 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં છોડાયું

વડોદરાઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી સરોવરો, જળાશયો, અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ભારે વરસાદથી જળાશયો ભરાતા લોકોમાં ખુશીનો માહોલ છે. વડોદરાનું આજવા સરોવર ફરી એક વાર છલોછલ ભરાઈ જવાને કારણે લાંબા ગાળે પાણીની અછતની સમસ્યામાંથી મુક્તિ મળશે.

3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા પાણીમાં વધારો

આજવા સરોવરમાં પાણીની સપાટી વધીને આજે બપોરના 211.55 ફૂટ થઈ હતી. આજવા સરોવરના 62 દરવાજામાંથી હાલમાં 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે.

15 ઓગસ્ટ સુધી 62 દરવાજાનું લેવલ 211 ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે, ત્યાર બાદ પાણી 212 ફૂટ સુધી ભરી શકાય છે. આજવા સરોવર અને તેના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા આજવા સરોવરની સપાટી વધી છે.

આપણ વાંચો: ગુજરાત જળમય: 132 તાલુકામાં વરસાદ, 29 જળાશયો છલકાયા

ક્યાં સુધી છોડવામાં આવશે પાણી

આજવા સરોવરમાં પાણીની સપાટી 211 ફૂટથી પણ ઓછી કરી 208 ફૂટ સુધી તબક્કાવાર લાવવા માટે પંપિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે, અને તેના પંપો અગાઉ ચાલુ કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી કુદરતી રીતે જ પાણીનો નિકાલ 62 દરવાજામાંથી થઈ રહ્યો હોવાથી પંપિંગ બંધ કરાયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સરોવરની સપાટી 211 ફૂટ સુધી ન આવે ત્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રહેશે. પાણી છોડવાની પ્રક્રિયા સંભાળપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે જેથી નદીકાંઠાના વિસ્તારોમાં કોઈ નુકસાન ન થાય.

આપણ વાંચો: ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવક વધી, નર્મદા ડેમ 62.46 ટકા ભરાયો

વિશ્વામિત્રીના કાંઠેના રહેવાસીઓ સાવધ રહે

આજવા સરોવર વડોદરા શહેર માટે મહત્વપૂર્ણ પાણીનું સ્રોત છે. દર વર્ષે ચોમાસામાં સરોવર ભરાય છે અને શહેરના પાણી પુરવઠાને મજબૂત બનાવે છે. આ વર્ષે પંચમહાલ અને પાવાગઢના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સરોવર ઝડપથી ભરાઈ ગયું છે. પાણી છોડવાની કામગીરીને કારણે વિશ્વામિત્રી નદીના કાંઠે રહેતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

સંગ્રહ વધતા પાણીની કોઈ અછત રહેશે નહીં

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જળસંચય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પાણી છોડવાની પ્રક્રિયા નિયંત્રણ હેઠળ છે અને હાલ કોઈ જોખમજનક પરિસ્થિતિ નથી.

આજવા સરોવર ભરાવાની સાથે વડોદરા શહેરના પાણી સંગ્રહમાં વધારો થવાથી આવતા મહિનાઓમાં પાણીની કોઈ અછત રહેશે નહીં. વરસાદી માહોલને કારણે નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button