ટોપ ન્યૂઝનેશનલ

ગોગામેડી હત્યાના એકમાત્ર સાક્ષી અજીત સિંહનું પણ મોત

જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાન પર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સુખદેવના ગાર્ડ અજીત સિંહ અને નવીન શેખાવત નામના બિઝનેસમેનને પણ શૂટરોએ ગોળી મારી દીધી હતી. નવીનનું એ જ સમયે ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અજીતસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે 7 દિવસ પછી અજીતસિંહનું પણ મોત થયું છે.

ગોળીબારમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અજીતસિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અજીત સિંહ સુખદેવ હત્યા કેસના એકમાત્ર સાક્ષી હતા. ગોળીબાર સમયે તેઓ સુખદેવ સાથે બેઠા હતા. શૂટરોએ ફાયરિંગ શરૂ કરતાં જ અજીતસિંહે સુખદેવને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમને પણ ગોળી વાગી હતી. તેમની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ મંગળવારે મોડી રાત્રે અજીત સિંહનું પણ મોત થયું હતું.

આ કેસમાં પોલીસે ઘટનાના પાંચ દિવસ બાદ બંને શૂટર્સ અને એક સહયોગીની ચંદીગઢથી ધરપકડ કરી હતી. આ હત્યાકાંડને અંજામ આપવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના શૂટરોને પસંદ કર્યા હતા. બંને બિઝનેસમેન નવીન શેખાવત સાથે મળીને 5 ડિસેમ્બરે સુખદેવને લગ્નનું કાર્ડ આપવાના બહાને તેના ઘરે ગયા હતા. બધા સાથે બેઠા હતા ત્યારે નીતિન અને રોહિતે સુખદેવ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન સુખદેવનો ગાર્ડ અજીત સિંહ પણ ત્યાં હાજર હતો. તેણે સુખદેવને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હુમલાખોરોએ તેમના પર પણ ગોળીબાર કર્યો હતો. એટલું જ નહીં, બંને શૂટર જેની સાથે આવ્યા હતા તે નવીન શેખાવતની પણ હત્યા કરી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. નવીનને આ યોજનાની જાણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ કેસમાં ઘણી ધરપકડો પણ કરવામાં આવી છે. ભોંડસી જેલમાં બંધ ત્રણ કેદીઓ જેની સાથે નીતિન ફૌજી સંપર્કમાં હતો તેમની પણ અટકાયત કરવામાં આવી છે. ઘટના પહેલા જે મહિલા (લેડી ડોન પૂજા સૈની)ના ઘરે નીતિન ફૌજી રહેતો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન તેનો પતિ મહેન્દ્ર મેઘવાલ ફરાર છે. પૂજા અને તેના પતિએ નીતિનને હથિયાર પણ આપ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button