
અયોધ્યા: રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે અયોધ્યાના ધન્નીપુરમાં મુસ્લિમોને આપવામાં આવેલી જમીન પર મસ્જિદનું નિર્માણ આગામી મે મહિનાથી શરૂ થવાની શક્યતા છે. મસ્જિદના નિર્માણની જવાબદારી મુંબઈની ટીમને આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ હાજી અરાફાત શેખને મસ્જિદની બાંધકામ સમિતિના વડા બનાવવામાં આવ્યા છે.
મસ્જિદનું નિર્માણ કરી રહેલા ‘ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ના મુખ્ય ટ્રસ્ટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ તેમને આ જવાબદારી સોંપી છે.
ઝફર ફારૂકીએ કહ્યું હતું કે હાજી અરાફાત શેખની મસ્જિદ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણુક કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મસ્જિદના બાંધકામને ગંભીરતાથી પૂર્ણ કરવાનો છે. અમે તેમને અમારા ટ્રસ્ટના સલાહકાર પણ બનાવ્યા છે.
અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ બનાવવામાં આવનાર મસ્જિદનું નામ ‘મોહમ્મદ બિન અબ્દુલ્લા અયોધ્યા મસ્જિદ’ રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ કાર્ય આવતા વર્ષે મે મહિનામાં શરૂ થશે.
ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટે મસ્જિદને ફરીથી ડિઝાઈન કરી છે અને હવે આ મસ્જિદ 15 હજાર સ્ક્વેર ફૂટને બદલે લગભગ 40 હજાર સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે.
સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન પર બની રહેલી આ મસ્જિદની સાથે સાથે એક હોસ્પિટલ, લાઈબ્રેરી, કોમ્યુનિટી કિચન અને મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, પરંતુ પહેલા નિર્માણ મસ્જિદનું જ કરવામાં આવશે.