ગુજરાતમાં નવા વર્ષે અનોખો વિશ્વવિક્રમ: એકસાથે 108 સ્થળોએ સૂર્યનમસ્કાર સ્પર્ધા
આજથી વર્ષ 2024ની શરૂઆત થઇ છે. ગુજરાતમાં નવા વર્ષનું સ્વાગત અનોખી રીતે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એકસાથે 108 સ્થળોએ સૂર્યનમસ્કારની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં લોકોએ અનોખો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. આ 108 સ્થળોમાંથી મોઢેરા ખાતે યોજાયેલા સૂર્યનમસ્કારના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 2500થી વધુ લોકોએ એકસાથે સૂર્યનમસ્કાર કર્યા હતા.
પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે તેમની પોસ્ટમાં પણ ગુજરાતે બનાવેલા વિશ્વરેકોર્ડનો ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકી હતી, તેમણે લખ્યું હતું કે, “વર્ષ 2024 નો પ્રથમ દિવસ યોગ, આધ્યાત્મ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યના અદ્ભુત સંગમ સમો બની રહ્યો. ગુજરાતના ગૌરવ સમા મોઢેરા સૂર્યમંદિરના પરિસરમાં સૂરજનું પહેલું કિરણ મંદિર પર પડતાની સાથે જ સામૂહિક સૂર્યનમસ્કારનો દિવ્ય કાર્યક્રય યોજાયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 108 સ્થળોએ નાગરિકોએ એક સાથે સામૂહિક સૂર્યનમસ્કાર કર્યા. કુલ મળીને, 50,000 જેટલા લોકો સમગ્ર રાજ્યમાંથી સૂર્યનમસ્કારના આ કાર્યક્રમમાં જોડાયા. વિવિધ સ્થળોએ એક સાથે સૌથી વધુ સંખ્યામાં સૂર્યનમસ્કાર કરીને ગુજરાતે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો.
માનનીય પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સમા યોગને આજે આખા વિશ્વએ અપનાવ્યો છે. ગુજરાતમાં પણ આજે ઘેર-ઘેર યોગ દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અંગે જનજાગૃતિ આવી છે. જેના સુખદ પરિણામરૂપે, આજના આ ઐતિહાસિક સૂર્યનમસ્કાર થકી ગુજરાતે ફરી એકવાર વિશ્વ સમક્ષ યોગની મહત્તાને સ્થાપિત કરી છે.” તેવું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોસ્ટમાં લખ્યું હતું.
મોઢેરા સૂર્યમંદિર પાટણથી 30 કિમી દૂર મોઢેરા ગામમાં આવેલું છે. સૂર્યોદય થયા બાદ સૌથી પહેલું સૂર્યનું કિરણ આ મંદિરમાં પડે છે તેવી માન્યતા છે. ગિનિઝબુક વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્પેક્ટર સ્વપ્નિલ ડાંગરીકર પણ મોઢેરા પહોંચ્યા હતા. તેમણે સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બનાવનાર લોકો વિશે જણાવ્યું, ‘આ એક નવો રેકોર્ડ છે, આ પહેલા કોઈએ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો નથી.’ આટલી મોટી સંખ્યામાં લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને એક નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.