નવી દિલ્હી: ભારતીયો અમેરિકા જવા આંધળી દોટ મૂકી રહ્યા છે, ગેરકાયદે અમેરિકામાં ઘુસવા જતા લોકો સાથે દુર્ઘટનાઓના અવારનવાર અહેવાલો મળે છે, છતાં ભારતીયોમાં અમેરિકા જવાનો મોહ વધી રહ્યો એવું તાજેતરના આંકડા સ્પષ્ટ કરે છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન(UCBP) ડેટા અનુસાર, ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરતી વખતે રેકોર્ડ 96,917 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2019-20માં પકડાયેલા 19,883 ભારતીયોની કુલ સંખ્યા કરતા આ સંખ્યા પાંચ ગણી છે.
તાજેતરના વર્ષોમાં જોખમી માર્ગો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન થયેલા દુ:ખદ અકસ્માતો છતાં આ સંખ્યા વધી રહી છે. અહેવાલો અનુસાર પકડાયેલા 96,917 ભારતીયોમાંથી 30,010 કેનેડા સરહદેથી અને 41,770 મેક્સિકો સરહદેથી યુએસમાં ગેરકાયદે ઘુસવા પ્રયાસ કરી રહ્યા હતા. બાકીનાને યુએસમાં ઘુસી ગયા બાદ ટ્રેક ડાઉન કરવામાં આવ્યા હતા.
અમેરિકાની એજન્સીઓના જણાવ્યા મુજબ આ આંકડા ફક્ત નોંધાયેલા કેસો દર્શાવે છે અને વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાની શક્યતા છે. એક અહેવાલ મુજબ સરહદ પર પકડાયેલા દરેક વ્યક્તિની સરખામણીએ અન્ય 10 સફળતાપૂર્વક યુએસમાં ઘૂસણખોરી કરી જાતા હોઈ છે.
ધરપકડ કરાયેલા લોકોને ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે – પરિવાર સાથે ન હોય તેવા બાળકો, પરિવારના સભ્યો સાથેના બાળકો, સમગ્ર પરિવાર, પુખ્ત વયના એકલા લોકો. આ વર્ષે 84,000 એકલા પુખ્ત વયના ભારતીય લોકોની યુએસ સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. પરિવાર સાથે ન હોય તેવા 730 બિનવારસી બાળકોની પણ અટકાયત કરવામાં આવી હતી.
કોવીડ પાનડેમિક સમયની બોર્ડર પોલીસીના ટાઈટલ 42ને મે મહિનામાં રદ કર્યા બાદ ગેરકાયદેસર ઘુસણખોરીની ઘટનાઓ વધી છે. ટાઈટલ 42 યુ.એસ. એજન્સીઓને સુનાવણી વિના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઝડપથી દેશનિકાલ કરવાની મંજૂરી આપતું હતું.
ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટની તપાસ કરી રહેલા ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે ગુજરાત અને પંજાબના લોકો અમેરિકામાં સ્થાયી થવાની આશાએ ઘુસણખોરીની રસ્તો અપનાવતા હોય છે.
કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસમાં દર વર્ષે ઘણા ભારતીયો પકડાય છે, પરંતુ માનવતાના ધોરણે કેટલાકને ત્યાં આશ્રય મળતો હોવાથી બહુ ઓછાને દેશનિકાલ કરવામાં આવે છે.