કેરળમાં નિપાહ વાયરસના 5 કેસ, સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 હાઈ રિસ્ક પર

કેરળમાં નિપાહ વાયરસના 5 કેસ, સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 હાઈ રિસ્ક પર

કેરળમાં ગઈકાલે બુધવારે નિપાહ વાયરસના ચેપનો વધુ એક કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે. આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપનો ફેલાવાને રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

આ જ સપ્તાહમાં નિપાહ વાયરસના ચેપને કારણે કેરળ રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા હતા. રાજ્યના આરોગ્ય પ્રધાને એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્ય સરકારે ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.
આ રોગને કારણે જીવ ગુમાવનારા બંને દર્દીઓ જે માર્ગો પરથી પસાર થયા હતા એ માર્ગો લોકોને વિશે માહિતગાર કરવામાં આવ્યા છે, લોકો તે માર્ગોથી દુર રહેવા સલાહ આપવામાં આવી છે. કોઝિકોડ જિલ્લામાં જાહેર તહેવારો અને અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઝિકોડ જિલ્લાની 9 પંચાયતોના 58 વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે.
અહીં માત્ર ઈમરજન્સી સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે. આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ખોલવાની છૂટ છે. ફાર્મસીઓ અને આરોગ્ય કેન્દ્રો માટે કોઈ સમય મર્યાદા નથી. કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતા નેશનલ હાઈવે પર બસોને ન રોકવા માટે કહેવામાં આવ્યું છે.

કોઝિકોડમાં એક 9 વર્ષનો બાળક પણ નિપાહ વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર માટે સરકારે આઈસીએમઆર પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. બાળક વેન્ટિલેટર સપોર્ટ પર છે. આ વખતે કેરળમાં ફેલાઈ રેહેલો નિપાહ ચેપ બાંગ્લાદેશનો સ્ટ્રેઈન છે. તેનો ઇન્ફેકશન રેટ ઓછો છે, પરંતુ તેનો ડેથ રેટ દર વધારે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button