ભાત ભાત કે લોગ: કેનેડીના આ વાક્યનો મર્મ હજુ સુધી આપણે કેમ સમજ્યા નથી? | મુંબઈ સમાચાર
વીક એન્ડ

ભાત ભાત કે લોગ: કેનેડીના આ વાક્યનો મર્મ હજુ સુધી આપણે કેમ સમજ્યા નથી?

  • જ્વલંત નાયક

થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનું રૂલિંગ આપ્યું. આપણે ત્યાં મોટે ભાગે બને છે એમ પ્રજાના મોટા વર્ગને સ્પર્શતા આ રૂલિંગ વિશે થવી જોઈએ એટલી ચર્ચા ન થઇ.

વાત એમ છે કે ત્રિશૂર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ-વે નંબર : 544નો ટોલ પ્લાઝા થોડા સમય માટે બંધ કરાવવા કેરળ હાઈ કોર્ટમાં અરજી થયેલી.

અરજીકર્તાઓનું કહેવું હતું કે આ હાઈ-વે પર વધુ પડતા ખાડા અને ટ્રાફિકની સમસ્યાઓને કારણે હાઈ-વેની પરિસ્થિતિ અત્યંત બદતર છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી વાહનચાલકો પાસે ટોલ વસૂલવો જોઈએ નહીં. કેરળ હાઈ કોર્ટે વાહનચાલકોની તરફેણમાં ચુકાદો આપ્યો.

હાઈ-વેની જાળવણી કરવી, ટોલ ટેક્સ ઉઘરાવવો વગેરે બાબતોનું નિયંત્રણ `નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-(એનએચએઆઈ)’ કરે છે. એના દ્વારા કેરળ હાઈ કોર્ટના ઉપરોક્ત ચુકાદા સામે સુપ્રીમમાં અપીલ કરવામાં આવી. ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદચંદ્રનની બેંચ દ્વારા તમામ પાસાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને કેરળ હાઈ કોર્ટના ચુકાદાને સર્વથા વાજબી ઠરાવાયો એટલે એ નેશનલ હાઈ-વેનો ટોલ પ્લાઝા ચાર અઠવાડિયા સુધી બંધ રહેશે.

આ ચુકાદા સાથે બેન્ચે કડક ટિપ્પણી પણ કરી કે ખાડાવાળા રસ્તાઓ બિનકાર્યક્ષમતાની નિશાની છે. વાહનચાલકો વિહિકલ ટેક્સ પેટે તો પહેલેથી જ સરકારને પૈસા ચૂકવી દેતા હોય છે તો પછી બિસ્માર હાઈ-વે પરથી પસાર થવા બદલ ટોલ ટેક્સ શું કામ ચૂકવે? હાઈ વેઝ એટલા માટે જ બનાવવામાં આવે છે કે લોકો સરળતાપૂર્વક અને ઝડપથી લાંબા અંતરની મુસાફરી કરી શકે, પણ બેમાંથી એક્કેય સુવિધા સચવાતી ન હોય તો આપણે કઈ વાતના પૈસા ચૂકવી રહ્યા છે?

જે લોકો નિયમિતપણે આપણા દેશના વિવિધ હાઈ-વેઝનો ઉપયોગ કરે છે એ બધા સર્વોચ્ચ કોર્ટના આવા કડક વલણથી રાજી થયા. જો કે આવા એકાદ રૂલિંગ માત્રથી લોકોમાં જાગૃતિ આવી જશે અને દરેક રાજ્યમાંથી આવો અવાજ ઊઠશે એવું માની લેવાની જરૂર નથી, કેમકે આપણને ભારતીયોને ઘણી બધી બાબતો એવી હદે કોઠે પડી ગઈ છે કે આપણે એ દિશામાં વિચારવાનું જ બંધ કરી દીધું છે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ: શું કોઈ પ્રધાનમંત્રી કેમેરામેન પર કેળાની છાલ ફેંકે ખરા?

સવાલ માત્ર પૈસા ચૂકવવાનો નથી. નાગરિકોની સુરક્ષાનું ય મહત્ત્વ ખં કે નહિ? અને જો સુરક્ષાની ચર્ચા થાય તો માત્ર હાઈવે પૂરતા સીમિત રહેવાને બદલે શહેરી માર્ગોને ય આવરી લેવા જોઈએ, કેમકે બિસ્માર હોવા બાબતે શહેરના રસ્તાઓ નેશનલ અને સ્ટેટ હાઈવેથી ચાર ચાસણી ચડે એવા છે. આધારભૂત મળતા આંકડાઓ મુજબ 2023માં ભારતમાં એક લાખ બોત્તેર હજાર જેટલા નાગરિકો અકસ્માતનો ભોગ બનીને માર્યા ગયા. દર ત્રીજી મિનિટે એક નાગરિક મોતને ભેટતો હોય તો એ વાતને ગંભીર ગણવી જ પડે. ઊંચા મૃત્યુદર માટે વાહનચાલકોની બેદરકારી અને અણઆવડત તો જવાબદાર ખરા, પરંતુ બિસ્માર રસ્તાઓ અને નિયમપાલન પ્રત્યેની બેદરકારીનો ફાળો ય એટલો જ મોટો ગણાય. બીજી બાબતો માટે નાગરિકો પોતે જવાબદાર હોઈ શકે, પરંતુ રસ્તાઓની બનાવટ અને નિભાવની જવાબદારી સંપૂર્ણપણે તંત્રને શિરે છે. આજની તારીખે નેશનલ હાઈવે ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ટેક્સ ઉઘરાવવામાં જેટલી ચીવટાઈ રાખે છે એટલી રસ્તાઓના નિભાવને લઈને નથી રખાતી.

હાઈવે ઓથોરિટીઝ સહિતની જવાબદાર સંસ્થાઓ સાવ ખાડે ગઈ હોય એવું ય નથી. ભારતમાં નવા હાઈ-વેઝનું કામ તેજ ગતિએ થઇ જ રહ્યું છે, પરંતુ પહેલેથી મોજૂદ રસ્તાઓની સમસ્યા વિશે લોકો બહુ બોલતા નથી એટલે સમસ્યાના નિરાકરણ બાબતે સરકારી તંત્ર પણ ઉદાસીન છે.

વિદેશોમાં આ મામલે કેવી પરિસ્થિતિ છે? ખાસ કરીને વિકસિત દેશોમાં મોટા ભાગના હાઈ-વેઝ ભારતની સરખામણીએ બહેતર છે. ભારતીયોને આંચકો લાગે વાત એ છે કે લક્ઝમબર્ગ, ફિનલેન્ડ, લિશ્ટેનસ્ટાઈન, કોસોવો, માલ્ટા, મોનાકો અને સાનમરીનો જેવા નાના નાના યુરોપિયન દેશોમાં તો ટોલ ટેક્સ છે જ નહિ. પ્રધાનમંત્રી મોદી થોડા દિવસો પહેલા સાયપ્રસ દેશની મુલાકાતે ગયેલા. ત્યાં પણ ટોલ ભરવાની સિસ્ટમ નથી. વળી અમુક દેશ એવાય છે જે આપણી માફક દરેક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા નથી ખડકી દેતા, બલકે અમુક બ્રિજ કે ટનલ અથવા મેજર હાઈ વેઝ પર જ ટોલ ઉઘરાવે છે.

એથી વિદ્ધ કેટલાક દેશોમાં ટોલ ટેક્સના દર એટલા ઊંચા છે કે ભારતના ઊબડખાબડ હાઈ વેઝ પ્રત્યેની તમારી તમામ ફરિયાદોનો એક ધડાકે છેદ ઊડી જાય! દાખલા તરીકે મુંબઈગરાને સી-લિંક રોડ પર કિલોમીટર દીઠ આશરે સાડા નવ રૂપિયા ટોલ ટેક્સ ભરવો પડે છે, જ્યારે ઓસ્ટે્રલિયાના શહેર મેલબોર્ન ખાતે આવેલા સિટીલિંક નેટવર્કનો 22 કિલોમીટર લાંબો રોડ પાર કરવા માટે 10 ઓસ્ટે્રલિયન ડૉલર્સ ટોલ ચૂકવવો પડે. રૂપિયા મુજબ ગણીએ તો કિલોમીટર દીઠ 25.45 રૂપિયા.

સેન્ટ્રલ લંડનમાં પણ મુંબઈની માફક ગીચ ટ્રાફિકની સમસ્યા હતી. સત્તાવાળાએ એમાંથી બચવા જબરો ઉપાય અજમાવ્યો. પિક-અપ અવર્સ દરમિયાન જો તમારે સેન્ટ્રલ લંડનના અમુક વિસ્તારોના મુખ્ય માર્ગોનો ઉપયોગ કરવો હોય, તો એક દિવસના 15 યુરો જેવડો ચામડાફાડ ટેક્સ ચૂકવવો પડે! (આજની તારીખે 1 યુરો એટલે આશરે 101 રૂપિયા) આ ચાર્જ માટે ટોલ ટેક્સને બદલે `ક્નજેશન ચાર્જ’ એટલે કે ભીડભાડ ઉપર લાગતો ચાર્જ જેવા શબ્દો વાપરવામાં આવે છે.

યુરોપ-અમેરિકામાં બીજા અનેક માર્ગો એવા છે, જે આપણને મોંઘાદાટ લાગે, પણ ટોલ ટેક્સના ઊંચા દરો સામે ઉત્તમ ક્વોલિટીના રસ્તાઓ પણ મળે છે એ વાત ભૂલવી ન જોઈએ.

જોકે આપણા ભારતની સમસ્યા જરા જુદી છે. આપણે ધારીએ તો વિશ્વમાં સૌથી સસ્તા દરના ટોલટેક્સ સાથે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હાઈ- વેઝ બનાવી શકીએ એમ છીએ, પરંતુ આ કેમ શક્ય નથી બનતું એની પાછળ જવાબદાર ભ્રષ્ટાચાર સહિતનાં અનેક કારણ પણ જાણીતા છે.

યુએસએના સદ્ગત પ્રમુખ જ્હોન એફ કેનેડીએ એક વાર કહેલું કે અમેરિકા સમૃદ્ધ દેશ છે એટલે એના રસ્તા સારા છે એવું નથી. બલકે અમેરિકાના રસ્તા સારા છે એટલે એ સમૃદ્ધ દેશ બની શક્યો છે…!

ચીન-અમેરિકા વચ્ચેની વ્યાપારિક ભીંસમાંથી નીકળીને ખરા અર્થમાં વિશ્વગુરુ બનવા ઇચ્છતા ભારતીયોએ કેનેડીના વાક્યનો મર્મ સમજવાની તાતી જરૂર છે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ અમેરિકન સત્તાવાળાને પજવે એક પ્રશ્ન:શહેરોમાં વધી રહ્યા છે.. બેઘર લોકો !

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button