વીક એન્ડ

ભાત ભાત કે લોગ- કામણગારી કોલગર્લ પામેલા બોર્ડસ અત્યારે ક્યાં છે?

  • જ્વલંત નાયક

પામેલા બોર્ડસ…. નવી પેઢીના વાચકોને ખ્યાલ નહિં હોય, પણ જે લોકો એંસી-નેવુંના દાયકાઓ દરમિયાન વિવિધ મેગેઝિન્સ વાંચવા ટેવાયેલા હતા એમની આંખ આ નામ વાંચીને જરૂર ચમકશે.

પામેલા એક હાઈ સોસાયટી ગર્લ હતી. ઇન્ટરનેશનલી હાઈ પ્રોફાઈલ ગણાતા લોકોની પ્રાઈવેટ પાર્ટીમાં પામેલાની હાજરી અચૂક રહેતી. મોટા પદો પર બિરાજતા અનેક વગદાર લોકોના ચહેરા પામેલાને જોઈને ખીલી ઊઠતા. શબ્દો ચોર્યા વિના કહી શકાય કે પામેલા એક હાઈ સોસાયટી કોલ ગર્લ હતી. એની મહત્ત્વાકાંક્ષાએ એને ભારતથી ઊંચકીને આખી દુનિયાની સેર કરાવી. આ ચક્કરમાં એના નામ સાથે એવું મોટું સેક્સ સ્કેન્ડલ જોડાઈ ગયું કે આજે ય કોઈ પોલિટિકલ સ્કેન્ડલની વાત બહાર આવે ત્યારે જાણકારો પામેલા બોર્ડસનું નામ અચૂક યાદ કરે છે.

1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન રોહતકના એક ગામના વતની મેજર મહિન્દર સિંહ શહીદ થયા. હજી આગલા વર્ષે જ મેજરની પત્નીએ એક દીકરીને જન્મ આપેલો. નામ પાડેલું પામેલા. બાપવિહોણી થઇ ગયેલી પામેલાની જવાબદારી માતા શકુંતલાને શિરે હતી. એની સાથે જીવનનિર્વાહ પણ કરવાનો હતો એટલે શકુંતલાએ ચંડીગઢની સરકારી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડનની નોકરી સ્વીકારી લીધી. હરિયાણાના તત્કાલીન મુખ્ય પ્રધાન બંસીલાલની દીકરી પણ અહીં જ રહીને ભણતી. એ હિસાબે શકુંતલાની ઓળખાણ બંસીલાલ સાથે થઇ અને એ ઓળખાણના જોરે એને હરિયાણા પબ્લિક કમિશનમાં નોકરી ય મળી ગઈ.

શકુંતલાની કેરિયર તો સેટ થઇ ગઈ, પણ બાપ વિના મોટી થઇ રહેલી ટીનએજ દીકરી હાથમાંથી સરકી રહી હતી. શકુંતલા અને પામેલા વચ્ચે ક્યારેય મનમેળ ન થઇ શક્યો. દિલ્હી ખાતે કોલેજનું ભણતર પૂરું કર્યું ત્યાં સુધીમાં પામેલાએ એક બોલ્ડ છોકરી તરીકેની ઈમેજ બરાબર ઊપસાવી લીધી. અધૂરામાં પૂરું, 1982માં મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લઈને એમાં પણ જીતી ગઈ! બોલ્ડ તો હતી જ, એમાં બ્યુટીફૂલનું હક્કપૂર્વકનું લેબલ લાગી ગયું. દુનિયાની તમામ સુખસગવડ પામવા હોય તો એના માટે એક શોર્ટકટ' છે એ વાત પામેલા બહુ વહેલી પામી ગયેલી.મિસ ઇન્ડિયા’નો ખિતાબ જીત્યા પછી `મિસ યુનિવર્સ’ બનવાને બહાને એ યુરોપ સરકી ગઈ.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ: સિરિયલ કિલર જેફરી ડોમર: આજે ય ઉકેલ માગે છે આ કોયડો

યુરોપ-અમેરિકામાં મોડેલિંગનું કામ ચાલતું હતું, પણ પામેલાને ખરો રસ ત્યાંની હાઈસોસાયટીની પાર્ટીઝમાં રહેતો. આવી પાર્ટીમાં સમાજના ઇજ્જતદાર લોકોથી માંડીને ઊલટા-સીધા ધંધા કરનાર ગુનેગારો સાથે પણ મુલાકાતો થતી રહેતી. આ બધામાં એક જ બાબત કોમન એ હતી કે પાર્ટીમાં આવનાર દરેક પાસે ચિક્કાર દોલત હતી. મોડેલિંગના બહાને પામેલાને એક પછી એક દેશોમાં ફરવાનું થયું અને એક પછી એક પુરુષો પામેલાના સંપર્કમાં આવતા ગયા. હેન્રી બોર્ડસ નામના એક સંગીતકાર સાથે એ પરણી ય ગઈ, પણ પામેલા હાઉસવાઈફ બનવા માટે થોડી જન્મી હતી?

દુનિયાના તમામ રંગ જોઈ ચૂકેલી પામેલા કોઈક રીતે ઇંગ્લેન્ડના એક હાઈપ્રોફાઈલ બ્રોથેલ વેશ્યાલય સુધી પહોંચી. યુરોપના ઘણા દેશમાં બ્રોથેલ્સને કાયદાકીય પ્રવૃત્તિ માનવામાં આવે છે અને વગદાર લોકો ય એની `સર્વિસ’ લેતા અચકાતા નથી. પામેલા જ્યાં સર્વિસ આપતી એ બ્રોથેલના કસ્ટમર્સમાં પણ મોટાં મોટાં વગદાર નામ હતાં. પામેલાના જીવનમાં મોજમજા અને મહત્ત્વાકાંક્ષાનું મહત્ત્વ સૌથી વધારે હતું. એણે તમામ સુખ પામી લેવા હતા, જીવનમાં ટોચ સુધી પહોંચવું હતું. જો એણે મનને અંકુશમાં રાખ્યું હોત તો એ બધું જ શક્ય હતું, પણ પામેલા હદ ઓળંગી ગઈ.

મજા અને મહત્ત્વાકાંક્ષા સાથે એક ત્રીજો એન્ગલ પણ ઉમેરાઈ ગયો ષડયંત્ર! રાજકારણમાં આ ત્રણેય શબ્દોના
કોકટેલની કોઈ નવાઈ કોઈ છોછ નથી. પામેલાના ખાસમખાસ ચાહકો'માંધ સન્ડે ટાઈમ્સ’ના તત્કાલીન એડિટર એન્ડ્રુ નીલ, `ધ ઓબ્ઝર્વર’ના તત્કાલીન એડિટર ડોનાલ્ડ ટે્રલફોર્ડ અને બ્રિટનની એ સમયની ક્નઝર્વેટિવ પાર્ટીની સરકારના મંત્રીનો સમાવેશ થતો હતો. લીબિયાના કર્નલ ગદ્દાફી સાથે ય પામેલાનું અફેર હતું. આ લિસ્ટમાં હજી એક નામ ઉમેરાયું. એ હતું એક સમયે શસ્ત્રોના સોદાગર તરીકે આખી દુનિયામાં પ્રખ્યાત અદનાન ખાશોગીનું. અદનાન અનેક દેશોની સરકારો પર પ્રભુત્વ ધરાવતા હતા. ખાશોગી પોતે રંગીન પાર્ટીઓનો શોખીન હતો, પણ પામેલા એ ખાશોગી સુધી પહોંચી કઈ રીતે? આ પ્રશ્નનો ઉત્તર સાબિત કરે છે કે પામેલાની પહોંચ કઈ કઈ પાવરફુલ લોબી સુધી હતી.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : ધૂરંધરોએ કરેલી આગાહીઓ, જે ઐતિહાસિક ઢબે ધરાર ખોટી પડી!

1991માં ખાશોગી ભારત પ્રવાસે આવેલો ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ચંદ્રશેખરના ભોન્ડસી ખાતે આવેલ ફાર્મ હાઉસ પર રોકાયેલો. અહીં એની મુલાકાત એ સમયના પાવર સેન્ટર ગણાતા ગોડમેન ચંદ્રાસ્વામી સાથે ગોઠવવામાં આવી.
ચંદ્રાસ્વામીએ ખાશોગીને પામેલા સાથે ઓળખાણ કરાવી આપી. પછી તો પામેલાએ ખાશોગી પર એનો એવો જાદુ ચલાવ્યો કે એ ખાશોગીની ખાસ લવર બની ગઈ! જાણકારો ત્યાં સુધી કહે છે કે પામેલા કોની સાથે રહે એ વાતને લઈને એકવાર ખાશોગી અને સાઉદી અરબના એક અમીર વચ્ચે ખાસ્સો તણાવ પેદા થઇ ગયેલો.

પત્રકારો, રાજકારણીઓ, શસ્ત્રોનો સોદાગર અને એક અત્યંત મહત્ત્વાકાંક્ષી વેશ્યા… આંતરરાષ્ટ્રીય સ્તરે આ કોમ્બો બહુ કાતિલ પુરવાર થાય એવી શક્યતાઓ હતી. પામેલા પોતે પણ આ બધું સમજતી હતી એટલે એણે એવા જ પાવરફુલ પુરુષો સાથે સંબંધો વિકસાવ્યા, જે ધનાઢ્ય હોવાની સાથે સાથે પોલિટિકલી પણ પાવરફુલ હોય. બ્રિટનના એક મંત્રી તો પામેલા પર એટલી હદે મહેરબાન હતા કે એમણે બ્રિટનની સંસદમાં અવરજવર કરવા માટે પામેલાને એક વિશેષ પાસ પણ અપાવેલો!

જો કે પામેલાની પડતીની શરૂઆત પણ અહીંથી જ થઇ. પાવર પોલિટિક્સને પોતાના નિયમો હોય છે. ઉદાહરણ તરીકે, આરબ વેપારી ખજૂર વેચે તો એ નોર્મલ બાબત ગણાય, પણ ખજુર પોતે જ જો આરબ વેપારીના સોદા કરવા માંડે તો વહેલામોડું એ ખજૂરની ચટણી બની જ જાય!

કોઈ એક પત્રકારને કોઈક રીતે પામેલાના મોટી હસ્તીઓ સાથેના સુંવાળા સંબંધોની માહિતી મળી ગઈ. પામેલા જે વેશ્યાલયમાં કામ કરતી હતી, એની મેડમે જ એક પત્રકારને સાધીને પોતાના હાઈપ્રોફાઈલ ક્લાયન્ટ્સ વિશેની સ્ટોરી પ્રગટ કરાવી,. એનો હેતુ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો હતો, પણ એમાં પામેલા અને એના પ્રેમીઓની વાત લીક થઇ અને હોબાળો મચી ગયો.

પછી તો બ્રિટનના ટેબ્લોઈડ્સ એમાં બરાબર મરીમસાલો ભરીને છાપવા માંડ્યા. એક વેશ્યાને બ્રિટનની પાર્લામેન્ટમાં બેરોકટોક જવાની પહોંચ ક્યા હિસાબે મળી? અખબારોમાં અનેક પ્રકારની કોન્સ્પીરસી થિયરી છપાવા માંડી. ઘણા માનવા લાગ્યા કે પામેલા પ્રકરણની બદનામીને કારણે બ્રિટિશ ગવર્મેન્ટનું પતન થશે. ઘણાને આની પાછળ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર દેખાતું હતું. એ ઉપરાંત કોઈ એક હાઈ પ્રોફાઈલ કોલગર્લ માનનીય સાંસદો અને શસ્ત્રોના કુખ્યાત સોદાગરોની માનીતી કઈ રીતે હોઈ શકે?

પછી તો પામેલાનું નામ બ્રિટન અને પછી આખી દુનિયામાં ચર્ચાવા માંડ્યું. ભારતીય મીડિયાએ પણ પામેલા બોર્ડસની રંગીન-રોચક કથાઓ પાનાઓ ભરી ભરીને છાપી. એ પછી પામેલા જાહેર જીવનમાંથી સરકીને અચાનક જાણે ભૂગર્ભમાં ઊતરી ગઈ.

દેશ માટે શહીદ થનાર આર્મી ઓફિસરની દીકરી આ રીતે ખોટા માર્ગે જઈને વિશ્વભરમાં વગોવાઈ જાય એ વાત કોઈ ડ્રામાથી કમ નથી. પામેલાનું મજબૂત ભારત કનેક્શન હોવા છતાં કોઈએ એના જીવન પરથી ફિલ્મ કેમ નથી બનાવી એ આશ્ચર્યજનક છે. બધું ગ્લેમર છોડી દીધા પછી આજની તારીખે પામેલા એક સિમ્પલ ફોટોગ્રાફર તરીકે ગોવામાં એકલવાયું જીવન જીવે છે. એ પણ એક ચમત્કાર જ ગણવો પડે. કેમકે ઇંટરનેશનલ પાવર સર્કલ્સમાં આટલા ઊંડે પહોંચ્યા પછી કોઈ કામુક સુંદરી જીવતી પાછી ફરી શકે એ વાત ચમત્કારથી કમ થોડી છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button