સ્થાપત્યનું વાઈ-ફાઈ: કેવા પ્રકારનો બદલાવ સ્વીકૃત રહે?

- હેમંત વાળા
બદલાવ જરૂરી છે. બદલાવ હોવો જોઈએ. એક રીતે જોતા બદલાવ એ સાચી દિશામાં પ્રગતિની સંભાવના છે, જે કંઈ યોગ્ય પરિણામ નથી આપતું તેને બદલવું પડે. સમાજના દરેક અંગમાં બદલાવ તો આવતો જ રહે. કળા હોય કે વિજ્ઞાન, આર્થિક બાબતો હોય કે રાજકીય, સામાજિક વણાટ હોય કે વ્યક્તિગત તાર, ભાવનાત્મક રજૂઆત હોય કે ઉપયોગી પરિસ્થિતિ, તત્ત્વજ્ઞાનનો વિષય હોય કે સામૂહિક રજૂઆતની વાત – જીવનના પ્રત્યેક પાસામાં બદલાવ સ્વાભાવિક છે. સ્થાપત્ય એમાં અપવાદ ન હોઈ શકે. બદલાવ ક્રમશ: સ્થપાતી પ્રક્રિયા પણ હોઈ શકે કે આકસ્મિક પરિણામ પણ. કોઈપણ પરિસ્થિતિમાં બદલાવ ચોક્કસ દિશા તરફ લેવાયેલું એક પગલું છે. જોવાનું એ હોય કે આ પગલાંમાં વ્યક્ત થતી દિશા યોગ્ય છે કે નહીં. સાથે એ પણ સમજવું પડે કે આ પગલાંમાં વ્યક્ત થતી ઝડપ, જે તે પરિણામ માટે, ઇચ્છનીય છે કે નહીં.
બદલાવ માટે કેટલીક બાબતો કારણભૂત હોય છે. બદલાવ પાછળનું એક કારણ એ હોઈ શકે કે હયાત પરિસ્થિતિ યોગ્ય પરિણામ આપવા સક્ષમ ન હોય. બદલાવ ત્યારે જ સંભવી શકે જ્યારે હયાત પરિસ્થિતિની સ્વીકૃતિ ઓછી થઈ જાય. ઘણી વાર કોઈ એક ક્ષેત્રમાં આવતા બદલાવ પાછળ અન્ય ક્ષેત્રોનો બદલાવ કારણભૂત રહે. ક્યારેક તો માત્ર બદલાવ ખાતર બદલાવ આવે તે પણ જરૂરી ગણાય. એકની એક પરિસ્થિતિ, પછી તે યોગ્ય હોય તો પણ, લાંબા સમય સુધી માનવી સ્વીકારી ન શકે. જ્યારે માત્ર બદલાવ ખાતર બદલાવ હોય ત્યારે તેના દૂરગામી પરિણામ વિશે વધારે ધ્યાન રાખવું પડે.
સ્થાપત્યની વાત કરીએ તો, બદલાવ ત્યારે જરૂરી બને જ્યારે બાંધકામની સામગ્રી અને તેના વપરાશની તક્નિક બદલાય, લાગુ પડતા કાયદામાં ફેરફાર થાય, ઉપયોગમાં લેવાતા ઉપકરણો તથા સંસાધનોમાં બદલાવ આવે, નવા જ પ્રકારની વિચારધારા માટે સ્વીકૃત ભૂમિકા બંધાય, જરૂરિયાત સામે પુરવઠાનું સંતુલન ખોરવાય, પ્રવર્તમાન આર્થિક સંજોગોમાં નાટકીય ફેરફાર થાય, રાજકીય કે સામાજિક પરિપ્રેક્ષ્યમાં નવા જ પ્રકારના સંજોગો ઊભા થાય, સમાજમાં વિજ્ઞાન અને કળા માટેનો અભિગમ બદલાય, સ્થાપત્ય માટેનો સમાજનો અગ્રતાક્રમ બદલાય, કોઈ બાહ્ય પરિસ્થિતિ એકાએક હાવી થતી જાય કે ચોક્કસ પ્રકારની આંતરિક પરિસ્થિતિને એકાએક વધુ મહત્ત્વ આપવાનું જરૂરી બને. સ્થાપત્યના ક્ષેત્રમાં બદલાવાનું એક મહત્ત્વનું પરિબળ છે, રચનાકારની – સ્થપતિની વિચારશીલતા. સ્થપતિ ક્યારેક વિદ્રોહી બની જાય, નવા જ પ્રકારના પ્રયોગો કરવા મન બનાવી લે કે દૃઢતાપૂર્વક ચોક્કસ પ્રકારના સ્થાપિત હિતનો વિરોધ કરે. આ બધા સંજોગોમાં સ્થાપત્યમાં બદલાવ ઊભો થાય.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.
સાંપ્રત સમયમાં સ્થાપત્યમાં આવતા બદલાવ પાછળ મુખ્ય ત્રણ કારણો છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ – તક્નિકી ઉન્નતિ, વ્યક્તિગત ઘેલછા અને પર્યાવરણલક્ષી સંવેદનશીલતા. આ ત્રણેય બાબતો જુદા જુદા પરિણામ આપે છે.
જે બદલાવ માટે તકનીકી ઉન્નતિ કારણભૂત છે તે બદલાવ વધુ સ્વીકૃત બનતાં જણાય છે. અહીં ડિઝાઇનની પ્રક્રિયા પણ ક્યારેક મૂળથી બદલાઈ જાય છે જેને પરિણામે આખરી રચનામાં નાટકીય બદલાવ જોવા મળે છે. કોમ્પ્યુટર અને ચોક્કસ પ્રકારના સોફ્ટવેરને કારણે જે અમુક સમય પહેલા શક્ય ન હતું તે હવે શક્ય છે. આ પ્રકારની તક્નિકનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે અસરકારક બની શકે તે બાબત માટે સ્થપતિ સંવેદનશીલ હોય છે. આ પ્રકારના બદલાવમાં માત્ર એક પ્રશ્ન ઉભો થયો હોય તેમ જણાય છે. અહીં તક્નિકી બાબતો માનવીની સંવેદનશીલતા પર હાવી થતી હોય તેમ જણાય છે. આ ઇચ્છનીય નથી.
જે બદલાવ વ્યક્તિગત ઘેલછા આધારિત હોય તે વધુ જોખમી હોવાની સંભાવના રહે. આ પ્રકારની ઘેલછા જો પરિપક્વ ન હોય, પૂર્વગ્રહથી પીડિત હોય, પ્રશ્નને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા સક્ષમ ન હોય, માત્ર જુદા પડવાની ભાવનાથી પ્રેરિત હોય કે અનિચ્છનીય બાબતોને આધારિત હોય તો પ્રશ્નો તો થવાના જ. સ્થાપત્યના ક્ષેત્રમાં, આજના સમયે, ઇચ્છનીય વિચિત્રતાને નામે એવા કેટલાક બદલાવ માટે પ્રયત્ન થાય છે કે જે લાંબા ગાળે સ્થાપત્યના ક્ષેત્ર માટે નુકસાનકારક બની રહે.
પર્યાવરણલક્ષી બદલાવ ઇચ્છનીય છે. અહીં સાંપ્રત શૈલીમાં જે સામગ્રી અને ઊર્જાનો વ્યય થાય છે તેને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. આવા પ્રયત્ન માટે સંવેદનશીલતા જોઈએ, યોગ્ય રીતે વિશ્લેષણ કરી શકે તેવી બૌદ્ધિકતાની પણ જરૂર રહે, રચનાત્મકતાની પણ જરૂર પડે, દરેક પરિસ્થિતિમાં જે તે બાબતની કાર્યક્ષમતા કેવી રીતે વધી શકે તેની પણ સમજ હોવી જોઈએ અને કુદરતની વિવિધ ઘટના માટે પ્રેમ હોવો જોઈએ. આ પ્રકારના પરિપ્રેક્ષ્યમાં પોતાના સામાજિક ઉત્તરદાયિત્વ માટે સ્થપતિએ વધુ કટિબદ્ધ રહેવું પડે.
આ પ્રમાણેના બદલાવથી સાંપ્રત સમયના અને ભવિષ્યના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. અહીં કુદરત, સ્થાપત્ય અને માનવી વચ્ચે એક અર્થપૂર્ણ સંવાદ સ્થપાય. અહીં કુદરતી અને માનવ નિર્મિત પરિબળો વચ્ચે સંતુલન સ્થાપિત થાય. અહીં માનવી કુદરતના અસ્તિત્વને મહત્ત્વ આપે અને તેનું શોષણ બંધ કરે. સાથે સાથે પોતાની જરૂરિયાતો માટે માનવી સંયમ અને વિવેકનો ઉપયોગ કરતો થાય. તંદુરસ્ત સહ-અસ્તિત્વની ભાવનાથી આ પ્રકારના બદલાવ માટે જે પ્રયત્ન થાય છે તે ખરેખર પ્રશંસનીય છે. આ એક એવો બદલાવ છે કે જે સૃષ્ટિ તથા સમાજ, બંનેના ભવિષ્ય માટે આશા જગાવી શકે.
બાકી તો બદલાવના નામે ચારે બાજુ પતરાં જડી દેવાની, ચિત્ર-વિચિત્ર આકારો ઊભા કરી દેવાની, સ્થાપત્યની રચનામાં રહી ગયેલી ખરાબ બાબતોને યોગ્ય રીતે ઉકેલવાની અક્ષમતાને કારણે ચમકદમક ઊભી કરી દેવાની, ટૅકનોલૉજીના નામે માનવીય પ્રમાણમાપ પર હાવી થઈ જવાની તથા મીડિયાના ચોક્કસ વર્ગ દ્વારા પોતાની પ્રશ્ન-જનક રચનાને સ્વીકૃત તરીકે સ્થાપિત કરવાની હોડ ચાલે છે. આ પ્રકારનો બદલાવ ઇચ્છનીય નથી. આ પ્રકારનો બદલાવ હાનિ પહોંચાડી શકે અને લાંબા ગાળે માનવ નિર્મિત વાતાવરણના માળખાની ગુણવત્તા ઘટાડી શકે. બદલાવ સંવેદનશીલ, રચનાત્મક, હકારાત્મક, કલાત્મક અને યોગ્ય દિશા આધારિત હોય તો જ તે મૂલ્યવાન બદલાવ કહેવાય.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા