વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ : બોઝિઝ ચેપલ-સાઉથ આફ્રિકા પ્રતીકાત્મક લયબદ્ધ દૃઢતા

  • હેમંત વાળા

પરંપરાગત ચર્ચની રચના આગવી હોય છે. તેમાં વચ્ચેના મુખ્ય ગાળાની બંને તરફ એક કે બે ગાળાનો સમાવેશ કરી લંબીય આકાર બનાવાય છે. તેના એક છેડે પ્રભુનું સ્થાન સ્થાપિત કરવામાં આવે છે તો તેની સામેના છેડે પ્રવેશદ્વાર હોય છે. આ આખી રચનામાં વિશાળતા, સમમિતિયતા, અગ્રતાક્રમ તથા એક પ્રકારની દ્રઢતા ઊભી કરવાનો પ્રયત્ન કરાય છે. ચર્ચ નાનું હોય કે મોટું, આ સિદ્ધાંતો એક યા બીજા પ્રકારે તેની સાથે વણાયેલા રહે છે. સાંપ્રત સમયમાં ચર્ચની રચના માટે નિતનવા પ્રયોગ કરવામાં આવે છે.

સાઉથ આફ્રિકામાં સન 2016માં પૂર્ણ થયેલ લંડનના સ્ટેઈન સ્ટુડિયો દ્વારા નિર્ધારિત કરાયેલ આ એક રસપ્રદ ચર્ચ છે. આશરે 430 ચોમીના બાંધકામમાં અહીં તરંગો જેવો આકાર ઉપયોગમાં લેવાયો છે. મજાની વાત એ છે કે આ તરંગોને બે ચોરસની અંદર એકત્રિત કરી ગોઠવવામાં આવ્યા છે. આ ચર્ચનું તલદર્શન જોતાં તરંગો નથી જાણતા, પરંતુ એની ત્રિપરિમાણીય અનુભૂતિમાં આ તરંગો વર્તાય છે. અર્થાત આ લંબચોરસમાં ગોઠવાયેલા ત્રિપરિમાણીય તરંગો છે. આ તરંગોને કારણે અનુભૂતિમાં ચલિતતા આવે છે તો લંબચોરસ આકારને કારણે એ ચલિતતા સ્થિર થઈ જાય છે. આ સમગ્ર રચનામાં જે પ્રવાહી લાવવાનો પ્રયત્ન કરાયો છે તેને સંતુલિત કરવા બાકીનાં બધાં જ સ્થાપત્યકીય નિર્ણય શુદ્ધ ભૌમિતિક ચોરસ આકારને આધારિત છે. લંબકોણ અને વળાંક વચ્ચેનો આ સરસ સમન્વય છે.

આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : સ્થાપત્યમાં શેની પ્રશંસા કરવી?

એક તરફ જમીન અને બીજી તરફ પાણી વચ્ચે ગોઠવાયેલા આ ચર્ચની પરવલયાકાર છત, સ્વાભાવિક રીતે કોન્ક્રીટમાંથી બનાવાઈ હોય. એક તરફના પાણીના હોજને કારણે આ ચર્ચની તરંગો સમાન છતનું પ્રતિબિંબ પાણીના તરંગો સાથે વાર્તાલાપ કરતું જણાય છે. એક રીતે આ ચર્ચ વળાંકાકાર છાપરા વડે આચ્છાદિત કાચની પેટી જેવું પણ જણાય છે. ચારે તરફ રહેલી કાચની બારીઓને કારણે આજુબાજુની પરિસ્થિતિ સાથે સંકળાયેલા હોવાનો ભાવ પણ જાગી શકે. આ બધું જ શુદ્ધ ભૌમિતિક આકારોમાં ગોઠવાયું છે. આ ચર્ચની માળખાકીય રચના નજરે ન ચડે તે પ્રકારની છે. આશરે 75 ઘન મીટર કોન્ક્રીટ અને 8200 કિલોગ્રામ લોખંડ વડે બનાવાયેલા છતના ટેકા માટે ચાર બટરેસીસ ગોઠવવામાં આવી છે. આ આખી માળખાકીય રચના ચર્ચની દૃશ્ય અનુભૂતિમાં જરા પણ ખલેલ ન પહોંચાડે તેનું ધ્યાન રખાયું છે.

રચનામાં રહેલી સરળતા આ ચર્ચની શક્તિ છે. અહીં કશું જ માનવી પર હાવી થઈ જાય તેવું નથી. 2012 મીટરની વળાંકાકાર છતવાળું અને આશરે 430 ચોરસ મીટર વિસ્તારનું, પ્રમાણમાં નાનું કહી શકાય તેવું ક્ષેત્રફળ હોવાને કારણે અહીં છતની મહત્તમ ઊંચાઈ 6 મીટર હોવા છતાં પણ અનુભૂતિ વિશાળતાની નથી આવતી. આ ઊંચાઈને કારણે માનવીય પ્રમાણમાપ પર થોડું દબાણ ઊભું થાય, પણ ચર્ચ જેવી પરિસ્થિતિ માટે તે માન્ય ગણાય. તેમાં પણ ચારે બાજુ રહેલી કાચની બારીઓને કારણે આ દબાણની માત્રા સારી એવી ઓછી થઈ જતી જણાય છે. ચર્ચમાં જરૂરી જણાય તે દરેક પ્રકારની ઉપયોગિતા અહીં સંભવ છે, માત્ર ક્યાંક જરૂરી' ગોપનીયતા માટેબહાર’નો કહી શકાય તેવો નિર્ણય લેવો પડે.

આ ચર્ચની આજુબાજુ નાના મોટા ડુંગર છે. એક રીતે જોવાં જઈએ તો આ તરંગ જેવો આકાર ડુંગરા સાથે મેળ પણ ખાય છે અને તે આકારની નાજુકતા તે જ ડુંગરા સાથે વિરોધાભાસ પણ ઊભો કરે છે. પ્રમાણમાં હલકું જણાતું આ મકાન તેની ભૌમિતિક ચોકસાઈને દ્રઢતાથી રજૂ કરે છે. તે સ્થિર જણાતું હોવા છતાં તેનામાં અંતર્ગત ચલિતતા રહેલી છે. એક તરફથી તે તરતું લાગે છે તો બીજી તરફથી તેણે તેની સ્થિતિ નક્કી કરી દીધી હોય તેવી પ્રતીતિ થાય છે. એક તરફ જમીન અને બીજી તરફ પાણીને કારણે તે અમુક અંશે અંતરાલ કે વચગાળાની સ્થિતિ જેવી ઘટના છે. છતની રચનામાં એક પ્રકારની મૃદુતા વ્યક્ત થાય છે તો એ મૃદુતાને ટેકો આપતી ઘટનાઓ ચોકસાઈ ભરેલી છે. એકંદરે વિરોધી બાબતોની વચ્ચે સંતુલન સ્થાપવાનો રસપ્રદ અને સફળ પ્રયત્ન છે.

આ પણ વાંચો:અરાઉન્ડ ધ વર્લ્ડ : સાન ઓગસ્ટિન – સ્પેનમાં પણ અમેરિકા પીછો નથી છોડતું…

પરંપરાગત દળદાર ચર્ચની સરખામણીમાં આ ચર્ચ હલકું લાગે છે. અહીં ઊંચાઈને મહત્ત્વ નથી અપાયું. અહીં કોઈ ચોક્કસ અક્ષને પ્રતિબધ્ધતાથી વિશાળતામાં પરાવર્તિત કરવાનો પ્રયત્ન નથી થયો. પરંપરાગત ચર્ચમાં જે પ્રકારની રંગીન કાચની બારીઓ જોવા મળે છે તેની પણ અહીં બાદબાકી થઈ ગઈ છે. આ બધા સાથે પણ અહીં ધાર્મિકતા જળવાઈ રહે તેવા પ્રતીકો અને તેવી નાની નાની સ્થાપત્યકીય ઘટનાઓનો સમાવેશ કરાયો છે.

પરંપરાગત બાંધકામ તે વખતની જરૂરિયાત મુજબનું હતું. સમય બદલાયો છે, સામગ્રી પણ બદલાઈ છે અને તેના ઉપયોગ માટે નવી નવી તકનીક શોધાઈ છે, ધર્મ માટેના વિચારોમાં પણ પરિવર્તન આવે છે. આ બધાની અસર ધાર્મિક સ્થાપત્ય પર પડે તે સ્વાભાવિક છે. અગત્યનું એ છે કે આ પ્રકારની નવી રચનામાં ધાર્મિક શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ અને પરંપરાગત મૂલ્યોનું ખંડન ન થવું જોઈએ. વળી ધાર્મિક ક્રિયા-કાંડમાં પણ અડચણ ન ઊભી થવી જોઈએ. એ રીતે જોતા પણ આ ચર્ચ ઉલ્લેખનીય છે. એમ પણ કહેવાય છે કે આ આકારની પ્રેરણા બાઇબલની કોઈ ઘટનાને આધારિત છે.

આ એક શાંત શિલ્પ છે. સરળ સૌમ્ય કાવ્ય છે. તકનીક સાથે વણાયેલું લાવણ્ય છે. ભાર વિનાનું અસ્તિત્વ છે. જમીન અને પાણી સાથે સમાનતાથી જોડાયેલ નાટકીયતા છે. આકાર અને પ્રતિબિંબ વચ્ચેનો સુ-સંવાદ છે. ચોક્કસ પ્રકારની હકારાત્મક વિચારધારાનું પ્રતીક છે – એકંદરે આ એક પ્રશંસનીય રચના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button