સ્થાપત્યનું વાઈ-ફાઈ : સ્થાપત્યમાં શેની પ્રશંસા કરવી?

- હેમંત વાળા
પૂરતી હવા-ઉજાશ વાળો અને ઉપયોગિતા પ્રમાણેના માપનો ઓરડો હોય, બધી જ જરૂરિયાતોનો જ્યાં સમાવેશ થયો હોય, જ્યાંથી બહારનું દેખાતું દૃશ્ય પણ સુંદર હોય, યાંત્રિક ઉપકરણો પણ વ્યવસ્થિત ગોઠવાયાં હોય, ત્યાંનું રંગ-આયોજન પણ સુઘડ હોય, છતાં પણ એમ બને કે ત્યાં મજા' ઓછી આવે. એનું કારણ શું હોઈ શકે. એ જ કે એ સ્થાન સાથે સરળતાથી
રિલેટ’ નથી કરી શકાતું, વ્યવસ્થિત વ્યક્તિગત સંબંધ સ્થાપિત નથી કરી શકાતો, ત્યાં ક્યાંક પોતાપણું નથી અનુભવાતું, ગૌરવ કે શાંતિની અનુભૂતિ નથી થતી, પરંપરાથી વિપરીત પરિસ્થિતિ હોય તેમ જણાય અથવા તો જીવનશૈલી તથા જીવનમૂલ્યને આધારિત તે ઘટના ન હોય તેમ લાગે.
આ પણ વાંચો:સ્થાપત્યનું વાઈ-ફાઈ : ચોક : પોળના આવાસનું હૃદય…
સ્થાપત્યની પ્રશંસા માટે ખાલી ઉપયોગિતા કે અનુકૂળતા જરૂરી નથી. તે તો ન્યૂનતમ જરૂરિયાત છે. એ તો હોવાં જ જોઈએ. તે ઉપરાંત સ્થાપત્ય શું આપે છે તેને આધારે પ્રશંસા થઈ શકે. સ્થાપત્યની પ્રત્યેક રચના સાથે સરળ ઉપયોગિતા અને જરૂરી મજબૂતાઈ તો વણાયેલી હોવી જ જોઈએ, તે ઉપરાંત જ્યારે ઉપયોગકર્તાના મોઢા પર આનંદ, શાંતિ અને ગૌરવની અનુભૂતિ થાય ત્યારે તે રચના પ્રશંસાને લાયક બને.
ખોરાકનું ઉદાહરણ લઈએ તો એમ કહેવાય કે ખોરાક ખવાય તેવો, ચવાય તેવો, પચી જાય તેવો તો હોવો જ જોઈએ. તે ઉપરાંત તે પૌષ્ટિક હોવો જોઈએ, સ્થાનિક આબોહવા તથા સંજોગોને અનુરૂપ હોવો જોઈએ, મનપસંદ હોવો જોઈએ, ઇંદ્રિયના વિષયોને સંતોષવા ઉપરાંત તે શરીરના બંધારણના ઘડતર માટે પણ અનુકૂળ હોવો જોઈએ. ખોરાક રુચિ અનુસારનો હોવો જોઈએ. સાંસ્કૃતિક પરંપરા અને વ્યક્તિગત મૂલ્યને આધારે રુચિ બદલાઈ શકે, પરંતુ ખોરાક અને સ્થાપત્ય તો તે મુજબનાં જ હોવાં જોઈએ.
સ્થાપત્ય એ સર્વગ્રાહી અને એકીકૃત ઘટના છે જેમાં ચોક્કસ `અર્થ’ને અભિવ્યક્ત કરવાનું અને તેમાં રહેનારા માટે ખાસ પ્રકારની અનુભૂતિ ઉત્પન્ન કરવાનું મહત્ત્વ છે. સ્થાપત્ય લાગણીને પ્રભાવિત કરી શકે છે. સ્થાપત્ય હકારાત્મક તેમ જ નકારાત્મક ભાવ સ્થાપિત કરી શકે. સ્થાપત્ય પ્રોત્સાહિત પણ કરી શકે અને નિરાશાજનક પરિસ્થિતિ પણ સર્જી શકે.
સ્થાપત્ય મૂડને પણ અસર કરી શકે. સંભાવનાઓ ઘણી છે અને સ્થાપત્યની રચના નિર્ધારિત કરતી વખતે દરેક સંભાવના સકારાત્મક રીતે સાકાર કરવામાં આવે તે જરૂરી છે. આ બધું ઇરાદાપૂર્વક, ધ્યેયલક્ષી વિચારસરણી આધારિત, જવાબદારીની સંપૂર્ણ સભાનતા સાથે અને લગભગ સંપૂર્ણતામાં હોવું જોઈએ. આવી બાબતો ક્યારેક આકસ્મિક ઘટના સમાન હોઈ શકે, પણ દર વખતે નહીં. સ્થપતિના પ્રયત્નો તો સભાનતાપૂર્વકના જ હોવા જોઈએ.
સમાજમાં એ સંવેદનશીલતા તો છે જ કે જેથી સ્થાપત્યનો નમૂનો જોઈને કહી શકે કે તેની રચનામાં કેટલી ગંભીરતા હશે અને કેટલી `આડેધડતા’ હશે. સ્થાપત્યની જે રચનામાં સ્થપતિની જાગૃતિ, સંવેદનશીલતા તથા સુ-સર્જનાત્મકતા અનુભવાતી હોય, જેમાં જરૂરી સરળતા સાથે રસ જળવાયેલો હોય, સ્થાપત્યની વિવિધ બાબતો ગૌરવની અનુભૂતિ કરાવતી હોય, ત્યાં કુદરત સાથે મજાનો સંવાદ સ્થાપિત થતો હોય, ભૂત-વર્તમાન-ભવિષ્યનો સુસંગત સમન્વય પ્રતીત થતો હોય, આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન જળવાતું હોય, ચોક્કસ પ્રકારની મોકળાશ અનુભવવાની જ્યાં સંભાવના હોય, જ્યાં કોઈ બાબત સકારાત્મકતાથી સ્પર્શી જતી હોય, સમગ્ર અસ્તિત્વ સાથે જ્યાં વ્યવસ્થિત ટ્યુનિંગ હોય, આંખને રસપૂર્વક ઠંડક આપી શકે તેવી દૃશ્ય-અનુભૂતિ હોય અને તે બધાં સાથે લાગુ કરવામાં આવેલા રચનાના સિદ્ધાંતમાં શુદ્ધતા જળવાઈ હોય તો જ સ્થાપત્યની વાસ્તવિક પ્રશંસા શક્ય બને.
શું બાકાત રાખવું છે અને શેનો સમાવેશ કરવો છે, શેની સાથે સમરસતા સાધવી છે અને ક્યાં વિપરીત પરિસ્થિતિ માન્ય રાખવી છે, ક્યાં ભાવનાત્મક જોડાણ જોઈએ છે અને ક્યાં અલિપ્તતા સ્થાપિત કરવી છે, ક્યાં સરપ્રાઈઝ-આશ્ચર્યજનક સ્થિતિ જોઈએ છે અને ક્યાં કન્સિસ્ટન્સી-સુસંગતતા માન્ય રહેશે, ક્યાં ભવ્યતા સ્થાપવી છે તો ક્યાં ગૌણ સ્થિતિ જરૂરી છે, ક્યાં જટિલતા ઇચ્છનીય રહેશે અને ક્યાં સરળતા જ હોવી જોઈએ, ક્યાં કળાત્મકતાને મહત્ત્વ મળવું જોઈએ અને ક્યાં તકનીકી બાબતોનું પ્રભુત્વ સ્વીકૃત રહેવું જોઈએ, કઈ પરિસ્થિતિમાં વ્યક્તિ કેન્દ્રમાં રહેવી જોઈએ અને કઈ પરિસ્થિતિ સમાજલક્ષી હોવી જોઈએ – સ્થાપત્યની આ બધી સંવેદનશીલ બાબત છે. તેના નિર્ધારણમાં જેટલી સંવેદનશીલતા વધુ, સ્થાપત્ય એટલું જ પ્રશંસનીય બને.
પ્રશંસા હેતુ આધારિત હોવી જોઈએ. જો હેતુ સિદ્ધ થતો હોય તો રચના સારી છે એમ કહી શકાય. ફરીથી એ અહીં સ્પષ્ટ કરી દઈએ કે હેતુ એ માત્ર ઉપયોગિતાલક્ષી બાબત નથી. હેતુ ભાવનાત્મક પણ હોઈ શકે, મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે, સાંસ્કૃતિક પણ હોઈ શકે, સામાજિક પણ હોઈ શકે અને સાંજોગિક પણ હોઈ શકે. આ બધાનો સમાવેશ થઈ જાય તે પ્રકારની પ્રશંસા સંપૂર્ણતામાં હોવી જોઈએ. મકાનની કોઈ મર્યાદિત અથવા એકલદોકલ બાબત સારી હોય તો સમગ્ર મકાનની પ્રશંસા શક્ય ન પણ બને.
સંપૂર્ણતામાં અનુભૂતિ માટે મકાનના દરેક સ્થિર સ્થાન અને આવનજાવનના માર્ગ વચ્ચેનો સમન્વય પણ જરૂરી બને. મકાનનો `એપ્રોચ’ શો છે, મકાન સુધી કઈ રીતે પહોંચાય છે, તે સમયે મકાનની કઈ કઈ બાબતો, કેટલી માત્રામાં, કેવી રીતે અને કયા ક્રમમાં ઉજાગર થાય છે, તે પણ મહત્ત્વનું છે. સમગ્ર રચનામાં પારદર્શિતા તથા ગોપનીયતા ક્યાં અને કેવી રીતે પ્રયોજાઈ છે, મકાનના વિવિધ અંગ તથા સ્થાનને કઈ રીતે કેટલું મહત્ત્વ કયા હેતુસર અપાયું છે, આજુબાજુના લૅન્ડસ્કેપ સાથે મકાન ઇચ્છિત સંવાદ સ્થાપિત કરી શકે છે કે નહીં તથા મકાન સમય સાથે તાલ મેળવી શકે છે કે નહીં, જેવી બાબતો પણ મહત્ત્વની ગણાય. અહીં એ પણ સમજવું જરૂરી છે કે સ્થાપત્યની પ્રશંસા એ મનોરંજનનો વિષય નથી, તે ક્રિટિકલ થિંકિંગ – જટિલ વિચાર પ્રક્રિયા પછી સ્થાપિત થતો નિર્ણય છે.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: એક માતાએ લખ્યું: `બી અ ગુડ બોય!’ ને અમેરિકન મહિલાઓનું ભાગ્ય પલટાઈ ગયું!
સ્થાપત્યમાં મંદિરો, મહેલો, કિલ્લાઓ ઐતિહાસિક સ્મારક કે મનોરંજનનાં વિશેષ સ્થાનો જ અગત્યનાં નથી. સ્થાપત્ય જીવનના તમામ તબક્કા સાથે વણાયેલું છે. તેથી જ નગર આયોજનથી શરૂ કરીને ઓરડાની નાની બારીની ગોઠવણ સુધીની દરેક ક્રિયામાં, તે માટેનાં દરેક નિર્ણયમાં ચોક્કસ પ્રકારની સંવેદનશીલતા જરૂરી છે. જો આ પ્રમાણે થયું હોય તો ચોક્કસ સ્થાપત્ય પ્રશંસા પામે અને તેનાથી લોકો પ્રસન્નતા અનુભવે. સ્થાપત્ય એક સમાવેશીય ઘટના છે જેનું આયુષ્ય પ્રમાણમાં ઘણું લાંબું હોવાથી તેમાં સંવેદનશીલતાની અને સર્જનાત્મકતાની વધુ જરૂર રહે.