વીક એન્ડ

સ્પોર્ટ્સ મૅન :પૈસા મળે કરોડોમાં, પણ પર્ફોર્મન્સના નામે મીંડું

  • અજય મોતીવાલા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ફ્રૅન્ચાઇઝીઓ દર વર્ષે ખેલાડીઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ તેમના તમામ ખેલાડીઓ પોતાના ઊંચા ભાવને અનુરૂપ સારું પર્ફોર્મ નથી કરતા હોતા. ઊલટાનું, 20, 30 કે 50 લાખ રૂપિયા મેળવનાર ખેલાડીઓ પોતાની ટીમને વધુ ઉપયોગી સાબિત થતા હોય છે. ઑસ્ટે્રલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલને પંજાબ કિંગ્સે આ વખતે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને હવે અધવચ્ચે (પ્લે-ઑફ માટેની રેસ ઉગ્ર બની છે ત્યારે) ઈજાને લીધે સીઝનની બહાર થઈ ગયો છે. તે સાત મૅચ રમ્યો અને બીજી બે મૅચ માટે ઉપલબ્ધ હતો એટલે તેણે 2.80 કરોડ રૂપિયા તો બનાવી લીધા, પણ પર્ફોર્મન્સના નામે મીંડું છે. બીજી રીતે કહીએ તો તેણે સાત મૅચમાં ફક્ત 48 રન કર્યા અને ચાર વિકેટ લીધી. જમણા હાથની આંગળીમાં ફ્રૅક્ચર થવાને કારણે તેણે આ સીઝનમાંથી વિદાય લીધી છે.

મુદ્દાની વાત એ છે કે ખેલાડીઓ પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, પણ ઘણી વાર તેઓ અડધા ભાગની રકમ જેટલું પણ સારું પર્ફોર્મ નથી કરી શકતા. રિષભ પંત આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ તેને 27 કરોડ રૂપિયામાં મેળવ્યો છે. તેના સુકાનમાં લખનઊની ટીમ 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં હાલ છેક છઠ્ઠા નંબરે છે જે માટે રિષભ પંતનો ફ્લૉપ-શૉ પણ જવાબદાર છે. દસમાંથી પાંચ મૅચ જીતેલી અને પાંચ હારી ચૂકેલી આ ટીમના નામે માત્ર 10 પૉઇન્ટ છે અને હવે કોઈ ચમત્કાર જ આ ટીમને ટોચની ચાર ટીમના પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચાડી શકે. સંજીવ ગોયેન્કા સાહેબે આ વિકેટકીપર-બૅટ્સમૅનને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે એટલે તેની પાસે જવાબ તો માગશે જ.

9 ઇનિંગ્સમાં પંતના નામે માત્ર 110 રન છે. છગ્ગા-ચોક્કાની આતશબાજી માટે પ્રખ્યાત પંત આ વખતે ફક્ત પાંચ સિક્સર અને નવ ફોર ફટકારી શક્યો છે. બે વાર શૂન્યમાં આઉટ થયો છે અને નવ ઇનિંગ્સમાં તેની ફક્ત એક હાફ સેન્ચુરી છે. ટી-20 ફૉર્મેટમાં જેનો સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલ દીઠ બનાવેલા રન) 150-200 જેટલો હોય એ સ્ટાર કહેવાય, પરંતુ પંત માત્ર 98.21 અને બૅટિંગ-ઍવરેજ ફક્ત 12.22 છે. પંત વિકેટકીપર પણ છે એટલે એ પર્ફોર્મન્સ પણ ગણતરીમાં લેવાય. જોકે એમાં પણ તેણે સાધારણ પર્ફોર્મ કર્યું છે. 10 ઇનિંગ્સમાં તેના નામે માત્ર પાંચ શિકાર છે.મોટા ભાગના કિસ્સાઓમાં જે ખેલાડીઓ જે તે વર્ષમાં સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવ્યા છે તેમનો એ વર્ષમાં પર્ફોર્મન્સ ટોચના પાંચ (ક્યારેક તો ટોચના દસ) ખેલાડીઓમાં પણ નથી રહ્યો.

આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?

છેલ્લા પાંચ વર્ષમાં કોને સૌથી વધુ પૈસા મળ્યા? કેવું પર્ફોર્મ કર્યું?

2021નું વર્ષ:

(1) ક્રિસ મૉરિસ (રાજસ્થાન રૉયલ્સ): 16.25 કરોડ મળ્યા, સાત ઇનિંગ્સમાં કુલ 67 રન કર્યા અને 11 ઇનિંગ્સમાં 15 વિકેટ લીધી. તેનાથી બમણાથી પણ વધુ વિકેટ (32) બેંગલૂરુના હર્ષલ પટેલે લીધી હતી.

(2) કાઇલ જૅમિસન (બેંગલૂરુ): 15.00 કરોડ રૂપિયા મળ્યા, નવ ઇનિંગ્સમાં માત્ર કુલ નવ વિકેટ લીધી અને 65 રન કર્યા.

(3) ગ્લેન મૅક્સવેલ (બેંગલૂરુ): 14.25 કરોડ રૂપિયા મળ્યા, 14 ઇનિંગ્સમાં કુલ 513 રન કર્યા અને છ ઇનિંગ્સમાં ફક્ત ત્રણ વિકેટ લીધી.

2022નું વર્ષ:

(1) ઇશાન કિશન (મુંબઈ ઇન્ડિયન્સ): 15.25 કરોડ રૂપિયા મળ્યા, 14 ઇનિંગ્સમાં 418 રન કર્યા અને વિકેટકીપિંગમાં કુલ 13 શિકાર કર્યા.

(2) દીપક ચાહર (ચેન્નઈ સુપર કિંગ્સ): 14 કરોડ રૂપિયામાં ખરીદયો, પણ પીઠના દુખાવાને કારણે તે આખી સીઝનમાં નહોતો રમી શક્યો.

(3) શ્રેયસ ઐયર (કોલકાતા નાઇટ રાઇડર્સ): 12.25 કરોડ રૂપિયા મળ્યા, 14 ઇનિંગ્સમાં કુલ 401 રન કર્યા.

આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…

2023નું વર્ષ:

(1) સૅમ કરૅન (પંજાબ કિંગ્સ): 18.50 કરોડ રૂપિયા મળ્યા, 14 ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી અને 13 ઇનિંગ્સમાં ફક્ત એક હાફ સેન્ચુરીની મદદથી માત્ર 276 રન કર્યા.

(2) કૅમેરન ગ્રીન (મુંબઈ ઇન્ડિયન્સ): 17.50 કરોડ રૂપિયા મળ્યા, 16 ઇનિંગ્સમાં 452 રન કર્યા અને ફક્ત છ વિકેટ લીધી.

(3) બેન સ્ટોક્સ (ચેન્નઈ સુપર કિંગ્સ): 16.25 કરોડ રૂપિયામાં ખરીદાયો, પણ ઈજાને લીધે એ સીઝનથી તેની આઇપીએલ કરીઅર ખોરવાઈ ગઈ છે.

2024નું વર્ષ:

(1) મિચલ સ્ટાર્ક (કોલકાતા નાઇટ રાઇડર્સ): 24.75 કરોડ રૂપિયા મળ્યા, 13 ઇનિંગ્સમાં 17 વિકેટ લઈને કેકેઆરને ટાઇટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી.

(2) પૅટ કમિન્સ (સનરાઇઝર્સ હૈદરાબાદ): 20.50 કરોડ રૂપિયા મળ્યા, 16 ઇનિંગ્સમાં 18 વિકેટ લીધી અને 136 રન કર્યા.

(3) ડૅરિલ મિચલ (ચેન્નઈ સુપર કિંગ્સ): 14 કરોડ રૂપિય મળ્યા, 13 ઇનિંગ્સમાં 318 રન કર્યા અને બે ઇનિંગ્સમાં એક વિકેટ લીધી.

2025નું વર્ષ:

(1) રિષભ પંત (લખનઊ સુપર જાયન્ટ્સ): 27 કરોડ રૂપિયામાં ખરીદાયો, 10 ઇનિંગ્સમાં માત્ર 110 રન કર્યા, વિકેટકીપર તરીકે પાંચ શિકાર કર્યા.

(2) શ્રેયસ ઐયર (પંજાબ કિંગ્સ): 26.75 કરોડ રૂપિયામાં ખરીદાયો, 10 ઇનિંગ્સમાં 360 રન કર્યા.

(3) વેન્કટેશ ઐયર (કોલકાતા નાઇટ રાઇડર્સ): 23.75 કરોડ રૂપિયામાં ખરીદાયો, સાત ઇનિંગ્સમાં 142 રન કર્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button