વીક એન્ડ

ઓપનર્સ ઇલેવન: આઇપીએલની ટીમ ઇન્ડિયાને ભેટ

ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટે ભારતને અનેક ટૅલન્ટેડ ઓપનિંગ બૅટ્સમેન આપ્યા: સાઇ સુદર્શન અને પ્રિયાંશ આર્ય પણ હવે ટીમ ઇન્ડિયા માટે દાવેદાર છે

ઓપનર્સ ઇલેવન: નવ જાણીતા, બે નવા
ઇશાન કિશન
શુભમન ગિલ
પૃથ્વી શૉ
ઋતુરાજ ગાયકવાડ
દેવદત્ત પડિક્કલ
સંજુ સૅમસન
કેએલ રાહુલ
યશસ્વી જયસ્વાલ
અભિષેક શર્મા
સાઇ સુદર્શન
પ્રિયાંશ આર્ય

સાઇ સુદર્શનને ગુજરાત ટાઇટન્સે 8.50 કરોડ રૂપિયામાં અને પ્રિયાંશ આર્યને પંજાબે 3.80 કરોડમાં ખરીદ્યો છે

સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા

ભારતીય ટીમમાં સારા ઓપનિંગ બૅટ્સમૅનની ઊણપ ક્યારેય નથી જોવા મળી. સુનીલ ગાવસકર, ફરોખ એન્જિનિયર, ચેતન ચૌહાણ, કે. શ્રીકાંત, નવજોત સિંહ સિધુ વગેરે મહાન ઓપનર્સના યુગ પછી અને સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર વગેરે દિગ્ગજોના જ સમયકાળમાં (2008માં) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થઈ અને એ સાથે ભારતીય ટીમ માટે ટૅલન્ટેડ ઓપનર્સની જાણે ટંકશાળ પડી. લગભગ દરેક આઇપીએલે ટીમ ઇન્ડિયાને એક કે એક કરતાં વધુ કાબેલ અને ભરોસાપાત્ર ઓપનર આપ્યા છે. આ વખતે પણ એવું જ બની રહ્યું છે. 2025ની એટલે કે 18મી આઇપીએલમાંથી એવા બે રત્ન મળ્યા છે જે સમય જતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું નામ જરૂર રોશન કરશે.

શિખર ધવન આઇપીએલનો સર્વશ્રેષ્ઠ ઓપનર કહેવાય છે. તેણે 2008માં દિલ્હી કૅપિટલ્સ વતી રમીને આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તે મુંબઈ ઇન્ડિયન્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વતી પણ રમ્યો હતો. આઇપીએલમાં ઓપનર તરીકે સૌથી વધુ 6,362 રન કરનાર શિખર આ સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગના ઓપનર્સના લિસ્ટમાં શિખર પર છે. મિત્રો અને ચાહકોમાં ગબ્બર' તરીકે ઓળખાતા શિખર ધવને 2008માં આઇપીએલમાં રમવાનું શરૂ કર્યું અને ઓપનિંગમાં તેની ટૅલન્ટ પારખીને 2010માં તેને ટીમ ઇન્ડિયામાં પહેલી વાર સ્થાન મળ્યું હતું અને ત્યાર પછીની તેની શાનદાર કરીઅરથી આપણે સૌ વાકેફ છીએ. 2024માં પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ તેને 8.25 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. જોકે હવે તે નિવૃત્ત છે અને તાજેતરમાં જ ચૅમ્પિયન્સ ટ્રોફી વખતે આઇસીસીએ તેનેબ્રૅન્ડ ઍમ્બેસેડર’ બનાવ્યો હતો.

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?

આઇપીએલના તમામ બૅટ્સમેનમાં વિરાટ કોહલી (8,190) પછી 6,000-પ્લસ રન સાથે બીજું સ્થાન ધરાવનાર શિખરને આઇપીએલમાંથી ભારતીય ટીમને ઓપનર તરીકે મળેલી સૌથી મોટી દેન ગણવામાં આવે છે. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાને ઇશાન કિશન, શુભમન ગિલ, પૃથ્વી શૉ, ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ, સંજુ સૅમસન, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ઓપનર આઇપીએલના સુપર પર્ફોર્મન્સ બાદ મળ્યા હતા.

તમને યાદ હશે જ કે ગયા વર્ષે આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ઓપનિંગમાં અભિષેક શર્મા ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો અને ત્યાર બાદ જુલાઈ 2024માં તે ભારત વતી પ્રથમ મૅચ રમ્યો હતો જેમાં ઝીરોમાં આઉટ થયા બાદ બીજી જ મૅચમાં ઐતિહાસિક સેન્ચુરી (100 રન, 47 બૉલ, આઠ સેન્ચુરી, સાત ફોર) ફટકારીને તેણે પોતાના સિલેક્શનને યોગ્ય સાબિત કર્યું હતું. આ વખતે આઇપીએલમાંથી વધુ બે યુવા ઓપનિંગ બૅટ્સમૅન મળ્યા છે. ગુજરાત ટાઇટન્સ (જીટી)નો બી. સાઇ સુદર્શન ભારત વતી 2023-’24માં ચાર ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂક્યો છે, પરંતુ આ વખતની આઇપીએલમાં તેણે જે પર્ફોર્મ કર્યું એ જોતાં તેને સમય જતાં ભારત વતી વધુ મૅચો રમવા મળશે. જીટીની ટીમ આ વખતની આઇપીએલમાં શરૂઆતની પાંચમાંથી ચાર મૅચ જીતી છે અને એમાં સુદર્શનનું ચાર હાફ સેન્ચુરી સાથે બહુ મોટું યોગદાન છે. આ પાંચ મૅચમાં સુદર્શનના સ્કોર્સ આ મુજબ રહ્યા છે: 74, 62, 49, પાંચ અને 82 રન.

ઊંચા કદનો સુદર્શન 23 વર્ષનો છે અને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન છે. તે કોવિડ-19 પછીના સમયકાળમાં તામિલનાડુ વતી ખૂબ સારું રમ્યો એટલે ડોમેસ્ટિક ક્રિકેટમાં છવાઈ ગયો હતો અને પછી તેને આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) ટીમમાં સ્થાન મળ્યું. ખાસ કરીને 2023ની આઇપીએલમાં ચેન્નઈ સામેની ફાઇનલમાં તેણે 47 બૉલમાં 96 રન કર્યા હતા અને ક્રિકેટજગતમાં છવાઈ ગયો હતો. સુદર્શનના મમ્મી તામિલનાડુના ભૂતપૂર્વ મહિલા વૉલીબૉલ ખેલાડી હતાં. સુદર્શનના પિતા ભારતના ભૂતપૂર્વ ઍથ્લીટ છે.

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : ટૉપ-ઑર્ડરની ટંકશાળ…

સ્પોર્ટ્સપર્સન્સના આ પુત્રને નાનપણથી ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો અને તામિલનાડુની ક્રિકેટમાં સ્થાનિક સ્તરે અને પછી રાજ્ય સ્તરે રમવાનો મોકો મળતાં તેણે અનેક સારા પર્ફોર્મન્સ આપ્યા હતા, ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો અનુભવ પણ લઈ આવ્યો અને 2022માં પહેલી વાર આઇપીએલ સુધી પહોંચ્યા બાદ ભારતીય ટીમના સ્તર સુધી પહોંચ્યો. સુદર્શનને જીટીની ટીમમાં ન્યૂ ઝીલૅન્ડના દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસનની ગેરહાજરીમાં સ્થાન મળ્યું હતું. જીટીએ સુદર્શનને 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લીધો હતો. 2022ની સીઝન સારી નહોતી રહી, પણ 2023માં તે 362 રન સાથે જીટીના બૅટ્સમેનોમાં ત્રીજા નંબરે હતો. 2024ની આઇપીએલમાં સુદર્શન 527 રન સાથે જીટીના બૅટ્સમેનોમાં મોખરે હતો. 2025ની સીઝન માટે જીટીના ફ્રૅન્ચાઇઝીએ
તેને 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

પંજાબ કિંગ્સે 24 વર્ષીય લેફ્ટ-હૅન્ડ ઓપનર પ્રિયાંશ આર્યને 3.80 કરોડ રૂપિયામાં મેળવ્યો છે અને તેણે આઠમી એપ્રિલે મુલ્લાંપુરમાં સીએસકે સામેની મૅચમાં માત્ર 42 બૉલમાં નવ સિક્સર અને સાત ફોરની મદદથી 103 રન કરીને ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા સહિતના તમામ માલિકોને તેમ જ ટીમના અસંખ્ય ચાહકોને ખુશ કરી દીધા
હતા.

આશા રાખીએ આવનારા થોડા મહિનાઓમાં સુદર્શન અને સૂર્યાંશ, બન્ને લેફ્ટ-હૅન્ડ ઓપનર ભારતીય ટીમ વતી રમતા જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button