સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?

- યશવંત ચાડ
આગરકરની કમિટી 20-25 નામ જાહેર કરશે તો ખેલાડીઓને માનસિક-શારીરિક તૈયારી કરવામાં સરળતા પડશે: રોહિતને જ સુકાન સોંપશો કે શું?
આગામી જૂનમાં ઇંગ્લૅન્ડમાં ભારતની પાંચ ટેસ્ટ-મૅચની અતિ મહત્ત્વની શ્રેણી રમાવાની છે અને એ માટે ટીમ ઇન્ડિયાની તૈયારી કેવી છે એ પ્રશ્ન સહેજે ઉદ્ભવે.
હવે આનો જવાબ તો ફક્ત બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) જ આપી શકે.
તેઓ ભારતીય ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત આગરકર તથા તેમના અન્ય સાથીઓ સાથે ચર્ચા કરીને ઇંગ્લૅન્ડ-પ્રવાસ વિશે આગોતરી તૈયારી બાબતમાં નીતિ કે રણનીતિ વહેલાસર નક્કી કરી લે તો સારું.
દરેક ક્રિકેટ રસિકના મનમાં એક સવાલ ઉદ્ભવતો જ હશે કે અજિત આગરકરના નેતૃત્વવાળી સિલેક્શન કમિટી બ્રિટિશલૅન્ડ ખાતેના પ્રવાસ માટે કયા આધારે ટીમના સુકાની અને અન્ય ખેલાડીઓની પસંદગી કરશે?
કારણ એ છે કે હાલમાં તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ચાલી રહી છે એટલે (અન્ય દેશોના કરોડો ક્રિકેટપ્રેમીઓ સહિત) તમામ ક્રિકેટરસિકોનું ધ્યાન માત્ર આઇપીએલ પર જ છે એમાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ મુદ્દાની વાત છે કે રનના ઢગલા અને વિકેટોની હારમાળા તેમ જ આ ટૂર્નામેન્ટમાં રચાતા વિક્રમોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે કંઈ જ લાગતું વળગતું નથી હોતું. રેકૉર્ડસની ગણના ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સામેલ નથી હોતી. સૌથી મોટો સવાલ એ છે કે આઇપીએલની મૅચોમાં ક્રિકેટપ્રેમીઓનો આટલો બધો ઉત્સાહ ફક્ત મનોરંજન હેતુ માટે જ છે કે પછી સ્ટાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની રમત જોવાની લાલસા કે પછી ગાંઠના પૈસા ખર્ચીને ફક્ત એન્ટરટેઇનમેન્ટ માણવાની સહજવૃત્તિ છે?
કારણ ગમે એ હોય, બે દેશ વચ્ચે રમાતી આંતરરાષ્ટ્રીય મૅચોની ટિકિટો મેળવવી સામાન્ય જનતા માટે ખાંડાના ખેલ જેવું છે અને આથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ભૂખ ભાંગવા પ્રેક્ષકો આઇપીએલની મૅચોમાં ટોળાનાં ટોળાં પોતાના મનપસંદ ખેલાડીઓને રમતો જોવા ઊમટી પડતા હોય છે
ફરી ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ટીમ ઇન્ડિયાની તૈયારીની વાત પર આવીએ તો બીસીસીઆઇ અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત આગરકરને પ્રશ્ન પૂછીએ કે જૂનનો ટેસ્ટ ક્રિકેટ પ્રવાસ શરૂ થવાને માંડ બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે ભારતીય ટીમમાં સામેલ કરી શકાય એવા 20-25 ખેલાડીઓને શા માટે અત્યારથી જ નથી જણાવાતું કે ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે માનસિક રીતે તમારે તૈયાર રહેવાનું છે? આ ખેલાડીઓએ પૂર્વતૈયારીઓ વિશે વિચારવાની સાથે શારીરિક સુસજજતા જાળવી રાખવી એવી જાહેરાતો પણ કેમ નથી કરવામાં આવતી?
પસંદગીકારોને (મજાકમાં) પૂછવાનું મન થાય છે કે શું તેઓ ધોકાબાજીની ક્રિકેટ' યા
મારફાડની ક્રિકેટ’માં છવાઈ જાય એવા ખેલાડીઓની પસંદગી પર મહોર મારવાની રાહ જુઓ છો કે શું? આ પૂછવા પાછળનું કારણ એ છે કે આઇપીએલની મૅચોમાં ક્રિકેટરોની ટેક્નિકની ઊણપ ઢંકાઈ જાય છે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : ક્રિકેટ ક્રેઝી પ્રણવ શતરંજનો નવો ઊગતો સિતારો છે…
હાલમાં ભારતમાં ટેસ્ટ ક્રિકેટ વિરામમાં છે આથી આઇપીએલમાં સારા દેખાવને મહત્ત્વ આપવાની રખે કોઈ ભૂલ કરે.
એટલે જ મિ. આગરકર ઍન્ડ કંપનીને પૂછવાનું કે 20-25 ટેસ્ટ ખેલાડીઓની ઘોષણા ક્યારે કરો છો?
બીજો મહત્ત્વનો સવાલ એ પૂછવાનો કે ભારતના આઉટ-ઑફ-ફૉર્મ ટેસ્ટ સુકાની રોહિત શર્માએ બે-બે આઇસીસી ટ્રોફી (ટી-20નો વર્લ્ડ કપ અને વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી) જિતાડી છે, પણ તેના ભવિષ્ય વિશે તમે કંઈ વિચાર્યું છે?
કારણકે એવી ઉડતી ખબર આવી છે કે ઉપરાઉપરી બે આઇસીસી ટ્રોફી અપાવનાર રોહિત શર્માના પર્ફોર્મન્સ કરતાં તેની નેતૃત્વની આવડત તેમ જ ટીમના દરેક સભ્ય પાસેથી શ્રેષ્ઠ દેખાવ કરાવવાની કળાને કારણે રોહિત, રોહિત અને રોહિત જ ઇંગ્લૅન્ડના ટેસ્ટ પ્રવાસ માટે સુકાની તરીકે નિશ્ચિત છે. કહેવાય છે કે પસંદગીકારોએ રોહિતને તેના પર જ કળશ ઢોળાશે એવું રોહિતને જણાવી દીધું હોવાનું બિનઅધિકૃત અહેવાલોમાં જણાવાયું છે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો સમ્રાટ બનશે?
જોકે એવા સમાચાર પણ આવ્યા છે કે ખુદ રોહિત શર્મા ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે સુકાનીપદ સંભાળવા ઉત્સુક નથી. એટલે કે તે તૈયાર નથી અને ના પાડી રહ્યો છે.
આ સંજોગોમાં પસંદગીકારો સુકાનીનું નામ અને 20-25 ખેલાડીઓના નામ કરી દેશે એ સૌના હિતમાં કહેવાશે. આવું થાય તો ખેલાડીઓ માનસિક અને શારીરિક રીતે પોતાને સુસજ્જ રાખવા કમર કસશે.