વીક એન્ડ

દેશમાં કંઈ પણ શુદ્ધ બચ્યું છે?

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

આ દેશમાં કંઈ જ શુદ્ધ નથી મળતું. જે લોકો ઘી શોધવા નીકળે છે, એમને શુદ્ધ ઘી નથી મળતું. એ લોકોની ફરિયાદ છે કે શુદ્ધ ઘીમાં ડાલડા ઘીની ભેળસેળ કરેલી હોય છે. જોકે , લોકો ડાલડા શોધવા નીકળે છે તો એમની ફરિયાદ છે કે લોકોને ડાલડા પણ શુદ્ધ નથી મળતું! અરે, `જહાં ડાલ ડાલ પે સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’- એવા દેશમાં હવે સોનું પણ શુદ્ધ નથી, મસાલા શુદ્ધ નથી, લોટ શુદ્ધ નથી અને મરવાનું વિચારીએ તો ઝેર પણ શુદ્ધ નથી હોતું!

એક સમય હતો કે આ દેશમાં શુદ્ધ દૂધની નદી વહેતી હતી. નદી નાની હતી એટલે જેટલું પણ દૂધ એમાં વહીને આવતું, બધા લોકોમાં વહેચાઈ જતું. પણ જ્યારે દૂધની ડિમાંડ વધવા લાગી ત્યારે દૂધના સપ્લાયમાં મુશ્કેલી થવા લાગી. લોકો આંદોલન કરી થાળી – વાટકા ઠોકવા લાગ્યા એટલે નેતાઓએ દૂધની નદી સાથે પાણીની નહેર જોડી દીધી ને કહ્યું, `લો, ત્યારે! દૂધ હવે છૂટથી મળશે’ એટલે બિચારી ભોળી પ્રજા ખુશ અને દૂધના ભાવ પણ ઓછા! ત્યારથી ભારતીય અર્થશાસ્ત્રમાં એક નિયમ બની ગયો કે ભાવ ઘટાડવા હોય તો વસ્તુઓમાં ભેળસેળ કરવા માંડો!

જો કે દેશના વેપારીઓ વર્ષોથી આ મહાન નિયમનું પાલન કરી રહ્યા છે. દૂધની નદીમાં પાણી વધતું ગયું અને થોડા દિવસો પછી દૂધ ગાયબ જ થઈ ગયું ને માત્ર પાણી જ રહી ગયું! લોકો બૂમ પાડવા લાગ્યા અરે ભાઈ, દૂધ છોડો, શુદ્ધ પાણી પણ મળી જાય તો ભયો ભયો!’

જો કે અફસોસ કે હવે આ દેશમાં પાણી પણ શુદ્ધ નથી રહ્યું!

બીજી બાજુ, આજકાલ ફિલ્મોમાં કલાકારો શુદ્ધ નથી મળતા. જ્યાં જોખમવાળું કામ હોય ત્યાં સલમાન કે શાહરૂખની જગ્યાએ એમના ડુપ્લિકેટ કલાકાર એ સ્ટંટનું કામ કરે છે અને આપણે આખી ફિલ્મ સલમાને જ કરી છે એવું વિચારીને ખુશ થઈએ છીએ. આપણને એવું જ લાગે કે પર્વતની ટોચ પર સલમાન પોતે લટકી રહ્યો છે. બધા દર્શકો હાથ જોડીને પ્રાર્થના કરે કે- `હે પ્રભુ, સલમાનની રક્ષા કરજો.’ પણ ત્યારે સલમાન તો પોતાના ઘરે આરામથી ખુરશી પર બેઠો હોય છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: ભગવાન બચાવે `બુદ્ધિજીવીઓ’થી

હવે ભારતીય હીરોઈનો પણ શુદ્ધ નથી રહી. થોડા દિવસો પહેલા જ વાંચ્યું હતું કે ફિલ્મોના સેક્સ સીનમાં હીરોઈનનાં પગની જગ્યાએ બીજા કોઈના પગ બતાડવામાં આવશે. આપણા 135 કરોડના દેશમાં હીરોઈનો ઓછી છે અને પગ ઘણા છે એટલે એમાં પણ મિલાવટ થઈ રહી છે. હીરોઈનો કોસ્મેટિક ઓપરેશન કરાવીને પોતાનું ફિગર સેક્સી બનાવે છે. એટલે એ નાયિકાઓનું ફિગર પણ હવે 100 ટકા શુદ્ધ નથી…છોડો., એમાં આપણાં કેટલા ટકા?

આ બાજુ રાજકારણમાં જોઈએ તો, સમ ખાવા પૂરતો એક શુદ્ધ નેતા મેળવવો મોટી ચેલેંજ છે. સત્તાધારી પક્ષને જવા જ દો, વિપક્ષમાં બેઠેલા નેતાઓ પણ શુદ્ધ નથી હોતા, કોઈ સ્કેમ હોય કે બીજાના ગોટાળા હોય, એવામાં રાજકારણમાં શુદ્ધતા ક્યાંથી આવે?

અરે! બીજી બધી વાત છોડો `ફિલ્મનું એક ગીત શુદ્ધ નથી મળતું,’ એને પણ વિશાલ-શેખર કે અજય-અતુલ જેવા બે લોકો મળીને બનાવે છે અને એ પણ જૂનાં ગીતોનું રિમિક્સ!

એક દિવસ મેં સમાચાર વાંચ્યા કે, જે આ સુપ્રસિદ્ધ પહેલવાન ખલિ છે, એ પણ શુદ્ધ નથી. અસલી ખલિ તો બીજું કોઈ છે! હવે આ સમાચાર સાચા છે કે ખોટા કોને ખબર? કારણ કે આજકાલ શુદ્ધ સમાચાર પણ ક્યાં વાંચવા મળે છે? ક્યારેક એમાં અફવાઓ, ક્યારેક હળાહળ જુઠ્ઠો પ્રચાર એમાં ભળે છે! પણ સમાચાર વાંચીને મને બહુ દુ:ખ થયું. ઠીક છે કે એકવાર શુદ્ધ લેખક કે કવિ ના મળે તો આ દેશ સહન કરી શકે, કારણ કે કવિતામાં રોદણાં જ હોય છે, તો એ તો કોઈ પણ રડી લેશે, પણ પહેલવાનનો એક જોરદાર મુક્કો, જે દરેક સમસ્યાનો છેલ્લો ઉપાય છે, એ શુદ્ધ નહીં રહે તો તો દેશ આગળ ક્યાંથી વધી શકે?

નેતા છોડો, પણ 140 કરોડ લોકોમાં એક પહેલવાન તો કમ સે કમ શુદ્ધ મળવો જોઈએને!

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ : આજકાલ શેરબજાર હલેલી છે ને દુનિયા ચિંતામાં ડૂબેલી છે ત્યારે…

આજકાલ શુદ્ધ ચિંતન પણ ક્યાં થાય છે? કોઈ સરકારી ઓફિસર ચિંતા કરે તો એમાં પ્રમોશનનું સપનું ભળેલું હોય છે કે પછી કોઈ નેતા જો ચિંતા કરે તો એના પક્ષના હિત માટે કે ઇલેક્શન પૂરતી જ હોય છે એટલે શુદ્ધ ચિંતાની કલ્પના પણ આ દેશમાં વ્યર્થ છે

કોઈ વસ્તુ શુદ્ધ નથી રહી આ દેશમાં એમ જોરથી ચીસો પાડવાની ઈચ્છા થાય છે, પરંતુ એ પણ ક્યાં શુદ્ધ રહી છે? દરેક ચીસમાં આત્મપ્રચાર મળી ગયા છે. જે દુ:ખી છે, લાચાર છે, એમના નિસાસામાં ટે્રડ યુનિયન મળી ગયું છે. બધા રડવાવાળા ચીસ પાડવાવાળા શુદ્ધ રીતે દુ:ખી નથી હોતા. આ દેશમાં શુદ્ધ આંસુ નથી મળતા. હસવાનું પણ શુદ્ધ નથી, એમાં સ્વાર્થ મળેલો છે. તન શુદ્ધ નથી, મન શુદ્ધ નથી, અરે ! આત્માં પણ શુદ્ધ નથી.

બોલો, મિત્રો! આપણે આમાં શું કરી શકીએ? બસ આપણાથી એક શુદ્ધ ફ્રોડ કરી શકાય, શુદ્ધ ગુંડાગીરી કરીએ અને દેશનું સમ્માન જાળવી રાખવા માટે સાચા રાષ્ટ્રપ્રેમી તરીકે આપણી બધી જ વસ્તુઓને શુદ્ધ ઘોષિત કરી નાખીએ! એટલે વાત જ ખતમ! ઘી, દૂધ, મસાલા, હીરોઇન, પહેલવાન ખલિ, આઇટેમ ગર્લ, મન, આત્મા, ચીસ, હસવાનું, દુ:ખ, કવિતા, છાપું, આંસુ બધું એકદમ 100 ટકા શુદ્ધ જ છે એવું કહી દઈએ, એટલે વાત પતે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button