
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
અલગ અલગ સીઝનમાં બે-ત્રણ વાર જાપાન આવી ચૂકેલાં લોકોને કોઈ ને કોઈ કારણસર માઉન્ટ ફુજી જોવાનું રહી જાય છે એવું સાંભળવામાં આવેલું. એવામાં અમે ટ્રિપ પ્લાન જ એ રીતે કરી હતી કે જો વેધર સાથ આપે તો અમે ફુજી-સાનને જોયા વિના પાછાં નહીં જ જઈએ. હાકોનેની પહેલી ટ્રિપ દરમ્યાન તો માત્ર બસ પાર્કિંગ લોટમાં ઝલક બતાવીને ફુજીએ અમને વાદળો પાછળ છુપાઈને હાથતાળી આપી દીધી હતી.
આવું બનવાની પૂરતી તૈયારી સાથે અમે ટોક્યોમાં પૂરતા બફર સાથે કામ પ્લાન બનાવેલો. અને એ બફરનો ઉપયોગ કરવા માટે અમે એક સવારે આખો દિવસ વરસાદ નહીં જ પડે તેની ખાતરી સાથે કાવાગુચિકો જોવા નીકળી પડ્યાં હતાં. હજી સુધી અમને ટોક્યો અને આસપાસની ડે ટ્રિપમાં હાકોનેના બે કલાક બાદ કરતાં ક્યાંય સરખો તડકો ચાખવા મળ્યો ન હતો. હવે જે દિવસે કાવાગુચિકોનો પ્લાન બન્યો હતો તે દિવસે તો બેગમાં સાવ સંતાડી દીધેલું સનસ્ક્રીન બહાર કાઢવાનો સમય આવી ગયો હતો.
કાવાગુચિકો કઈ રીતે જઈશું તેનું ટેમ્પલેટ તો હાકોને જેવું જ હતું. સવારમાં ફરી પાછું શિન્જૂકુ સ્ટેશન પહોંચો અને ટૂરિસ્ટની ભીડ વચ્ચે એ દિશાની સૌથી સુટેબલ ટિકિટ ખરીદો. અગાઉથી ટિકિટ બુક કરી રાખવામાં ઘણો ફાયદો થઈ શકે, પણ તેમાં તમને પ્લાન બદલવાની ફ્લેક્સિબિલિટી ન મળે. અમે કાવાગુચિકો તડકો જોઈને નીકળવાનાં હતાં. અમને પૂરતી આશા હતી કે ટોક્યોના એ અઠવાડિયામાં ક્યાંક તો એવો દિવસ મળી જ જશે જ્યાં કોઈ પણ જાતની શંકા વિના અને વિન્ડશિટર વિના બહાર જઈ શકાશે.
હજી અમને બુલેટ ટ્રેન લેવાનો પણ મોકો મળ્યો ન હતો. જાપાનની બીજી રિજનલ ટ્રેનો પણ એટલી જ એફિશિયન્ટ અને ક્લીન હોય છે. ટોક્યોથી કાવાગુચિકો પહોંચવાનો સૌથી સરળ રસ્તો તો બસ લઈને જવાનો હતો. શિન્જૂકુમાં પાંચ માળનું બસ સ્ટોપ અનુભવવાનો પણ તે દિવસે મોકો મળી ગયો. જોકે વેધરની ખબર પહેલેથી જ એવી ફેલાઈ ગઈ હતી કે અમને બસની તો ટિકિટ જ ન મળી.
હવે જરા મોંઘી રિજનલ ટ્રેન લેવાનો એક માત્ર ઉપાય હતો. ટૂરિસ્ટ ઇન્ફોર્મેશન પર અમને પૂરા સપોર્ટ સાથે કાવાગુચિકો જવાની ટ્રેન અને પાછાં આવવાની બસ, બંનેની ટિકિટ મળી ગઈ. આમ તો ત્યાં રહી જવાનું પણ યોગ્ય રહ્યુ હોત. ખાસ તો એટલા માટે કે ફુજી સાથે સનસેટના ફોટા અને ત્યાં આસપાસ હાઇક કરવાની અલગ મજા લઈ શકાય. અમને તે ચળકતા દિવસે હાઇક કરવાનો અને ફુજીનાં અલગ અલગ દિશા તરફથી ફોટા પાડવાનું તો મળવાનું જ હતું. સાથે જાપાનીઝ ગ્રામ્ય જીવન કઈ રીતે ઊભરાઈ રહેલા ટૂરિઝમ વચ્ચે પણ પોતાની ઓળખ જાળવીને બેઠું છે અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે દરેક પ્રકારનો ઓવરલોડ ચલાવીને પણ સજ્જડ છે તે જાણવાની અને અનુભવવાની સૌથી મજા આવી હતી.
શિન્જૂકુથી ફુજીક્યુ લાઈન પર જેઆર રેલની ટે્રનમાં અમારે ઓત્સુકીમાં સ્ટોપ કરી, ટ્રેન બદલીને કાવાગુચિકો તરફની ટ્રેન લેવાની હતી. અમને પહેલેથી જ કહી દેવાયેલું કે ઓત્સુકીથી કાવાગુચિકોનો રૂટ ઓવરબુક્ડ છે. બે કલાકની તે જર્નીમાં ઓત્સુકી દોઢ કલાક પછી આવતું હતું. ટ્રેન બદલ્યા પછી માંડ અડધો કલાકની ટ્રેનમાં તો ઊભા રહીને જતાં રહીશું.
જોકે તે ટ્રેનમાં તો ઊભા રહેવાની જગ્યા પણ માંડ માંડ મળી. ત્યાં પહેલેથી જ ઊભાં રહેનારાં પેસેન્જર્સ પણ હતાં જ. શિન્જૂકુથી ઓત્સુકીતો લક્ઝરી સીટ્સમાં જલસાથી ગયેલાં. અને સ્ટેશનથી થોડુંક બહાર નીકળતાં જ છેક ટોક્યોથી જ ફુજી-સાન દેખાવા લાગે છે. મારી અને કુમારની સીટ બાજુબાજુમાં ન હતી. બંનેને અલગ અલગ આઇલ સીટ મળેલી. મારી બાજુમાં કોઈ જાપાનીઝ કોર્પોરેટ યુવાન હતો. તે ક્રિસ્પી વ્હાઇટ શર્ટ અને ગ્રે સુટમાં પોતાના લેપટોપ પર કામ કરતો હતો.
ટ્રેન પર આવાં ઘણાં રૂટિન કોમ્યુટર્સ પણ હતાં. તેણે જેવો ફુજી દેખાવાનો ચાલુ થયો કે માં ધ્યાન એ તરફ દોર્યું. મેં તેને કહ્યુ, તમારો દેશ ખૂબ સુંદર છે. એણે અહોભાવથી આભાર માન્યો અને મને કહે તમે ભારતનાં છો, મને ત્યાંનાં લોકો ખૂબ ગમે છે. હું પણ ક્યારેક ત્યાં જઈશ. માંડ પચીસ-ત્રીસ વર્ષનો આ યુવાન હજી દુનિયાભરનાં ટૂરિસ્ટથી કંટાળ્યો ન હતો. બાકી આજકાલ જાપાનમાં ઓવર-ટૂરિઝમ વિષે લોકલ્સની ઘણી ટિપ્પણીઓ જોવા મળી જતી હોય છે.
ઓત્સુકી પછી તો ફુજી-સાન એટલો નજીક આવી ગયેલો કે જમણી તરફની દરેક બારીમાંથી દેખાતો હતો. અમે ઊભાં ઊભાં પણ બારીની બહારના ફોટા પાડી શક્યાં હતાં. અહીં રસ્તામાં જે ઘરો દેખાતાં તેમની માવજત, ગાર્ડન્સ, કાર, લોકોની બારી, એપાર્ટમેન્ટસ, બધું સાધારણ હોવાં છતાં અસાધારણ અને જાપાનીઝ લાગતું હતું. આમ તો જાપાનમાં લોકો જરૂર ન હોય અને પોસાય તેવું ન હોય તો ઘર ખરીદવાનું અને વારસામાં લેવાનું પણ ટાળે છે. ત્યાં જમીન અને ઘર મેન્ટેન કરવાની અલગ જ માથાકૂટ હોય છે. અહીં મોટાભાગે તો લોકો શક્ય એટલાં નાનાં ઘરમાં રહેવાનું પસંદ કરતાં હોય છે.
ફુજી-સાનના પડછાયામાં ઘણાં નાનાં-મોટાં ગામ નજરે પડતાં હતાં. એમ લાગ્યું કે હવે તેમાંથી ઘણાં ગામનાં ઘરો તો એર-બી-એન્ડ-બી માટે ભાડે જ આપવામાં આવતાં હોય તો પણ નવાઈ નહીં. ફુજીની તળેટીમાં જ એક ગામમાં તો એક એડવેન્ચર અમ્યુઝમેન્ટ પાર્ક પણ હતો. ત્યાં ચકડોળમાં ઊપરથી ફુજી જોવાની પણ જરા અલગ મજા આવી શકે તે ચર્ચામાં અમને છેલ્લાં બે સ્ટોપ પહેલાં સાથે બેસવાની બારી પાસે જગ્યા મળી ગઈ. હવે તો ફોટા પાડવાની ઓર મજા આવી ગઈ.
આત્સુનીથી કાવાગુચિકો વચ્ચેની ટે્રન લોકલ જેવી હતી, દરેક ગામમાં ઊભી રહેતી, અને દરેક ગામમાં પ્રવાસીઓ સામાન સાથે નીચે ઊતરતાં હતાં. અમે તો એ દરમ્યાન ટે્રનમાંથી જ ફુજીસાનના અલગ અલગ સ્ટાઇલમાં ફોટા પાડીને આખું ફોટો શૂટ કરી નાખ્યું. હજી ફુજી દર્શન માટે પહાડ ચઢવાનો તો બાકી હતો.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરા ફ્રિન્જ – દુનિયાના સૌથી મોટા કોમેડી ફેસ્ટિવલમાં…