વીક એન્ડ

સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…

  • અજય મોતીવાલા

ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય, ખેલાડીઓને સૌથી વધુ પૈસા કમાવી આપતી અને (પાકિસ્તાન તથા બાંગ્લાદેશને બાદ કરતા) વિશ્વના અનેક દેશોના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નવી દિશા અપાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી મોસમ આજે શરૂ થઈ રહી છે. ફરી એકવાર ધમાકેદાર અને રોમાંચક ઇનિંગ્સ જોવા મળશે, બૅટર્સના હાથે ધમાકાઓ થશે અને બોલર્સ પણ પોતાની કાબેલિયતથી બાજી ફેરવી નાખવા કોઈ કસર બાકી નહીં રાખે. પોણાબે મહિના સુધી ક્રિકેટજગતમાં આઇપીએલની જ બોલબાલા હશે અને કંઈ કેટલાયે ખેલાડીઓની કરીઅરમાં નવો ઊંચો ગ્રાફ જોવા મળશે.

આ પણ વાંચો:સ્પોર્ટ્સ મૅન : ક્રિકેટ ક્રેઝી પ્રણવ શતરંજનો નવો ઊગતો સિતારો છે…

18 વર્ષની ટીનેજ વયની આઇપીએલની આ વખતની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી યુવાન ખેલાડી તરીકેનું નામ અંકિત કરશે અને બીજી બાજુ 43 વર્ષનો મહેન્દ્રસિંહ ધોની (કદાચ તેની આખરી બની રહેનારી આ આઇપીએલમાં) હેલિકૉપ્ટર શૉટ તેમ જ વિકેટકીપિંગના કરતબ બતાવતો જોવા મળશે.

2008ની 18મી એપ્રિલે બૅન્ગલોરમાં રાત્રે 8.00 વાગ્યે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના પેસ બોલર પ્રવીણ કુમારના બૉલ સાથે સૌપ્રથમ આઇપીએલનો આરંભ થયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે એ ઐતિહાસિક મૅચ હતી, સૌરવ ગાંગુલી સ્ટ્રાઇક પર હતો અને પ્રવીણ કુમારના એ બૉલમાં કેકેઆરને લેગ બાયમાં પહેલો રન મળ્યો હતો. ગાંગુલીના સામા છેડે બ્રેન્ડન મૅક્લમ હતો જેણે ઝહીર ખાનની બીજી જ ઓવરમાં ત્રણ ફોર તથા એક સિક્સર ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી હતી અને પ્રવીણ કુમારની 20મી ઓવરના આખરી બૉલમાં સિક્સર સાથે પોતાની ઐતિહાસિક ઇનિંગ્સનું સમાપન કર્યું હતું.

73 બૉલમાં 13 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 158 રન બનાવીને મૅક્લમે આઇપીએલને યાદગાર ઓપનિંગ કરાવી આપ્યું હતું. કેકેઆરે 20 ઓવરમાં ત્રણ વિકેટે 222 રન બનાવ્યા હતા અને એના જ બોલર્સ (ટીમ ઇન્ડિયાના વર્તમાન ચીફ સિલેક્ટર) અજિત આગરકર તેમ જ અશોક ડિન્ડા, સૌરવ ગાંગુલી, લક્ષ્મી રતન શુક્લા, ઇશાંત શુક્લાએ આરસીબીની ટીમને માત્ર 82 રનમાં તંબુ ભેગી કરાવીને કેકેઆરને 140 રનથી વિજય અપાવ્યો હતો.

હવે આપણે 13 વર્ષના બૅટર વૈભવ સૂર્યવંશી અને 43 વર્ષના લેજન્ડરી વિકેટકીપર-બૅટર ધોનીની વાત પર પાછા આવીએ. 2008માં આઇપીએલની પ્રથમ સીઝન રમાઈ ત્યારે વૈભવ સૂર્યવંશીનો જન્મ પણ નહોતો થયો અને હવે તે રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝી પાસેથી 1.10 કરોડ રૂપિયાનો કૉન્ટૅ્રક્ટ મેળવીને પોતાની ટૅલન્ટ બતાવવા તૈયાર થઈ ગયો છે. રાજસ્થાનના બૅટિંગ-કોચ વિક્રમ રાઠોરના મતે ટૅલન્ટેડ વૈભવને શરૂઆતથી જ પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન ન પણ મળે, ટીમની જરૂરિયાત અને વ્યૂહરચના મુજબ તેને રમાડવા વિશે વિચાર કરવામાં આવશે.’

ટૉપ ઑર્ડરના લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશીમાં કેટલી ક્ષમતા અને કાબેલિયત છે એની ચોક્કસપણે કોઈને પણ જાણ નથી એટલે રાજસ્થાન રૉયલ્સ સામે રમનારી ટીમના બોલર્સ તેની સામે વધુ સાવધ થઈને બોલિંગ કરશે. ઑસ્ટે્રલિયાની અન્ડર-19 ટીમ સામે ફક્ત 58 બૉલમાં 100 રન પૂરા કરીને યુથ ટેસ્ટમાં ભારતીયોમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બનેલા વૈભવે અન્ડર-19 એશિયા કપમાં બે હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. તે બિહારમાં એક અન્ડર-19 ટૂર્નામેન્ટમાં અણનમ ટ્રિપલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે અને આ ત્રણ-ચાર ઇનિંગ્સે તેને આઇપીએલનો સૌથી યુવાન કરોડપતિ બનાવી દીધો છે.

એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પાંચ વર્ષ પહેલાં નિવૃત્તિ લીધી હતી. 2023માં પોતાની કૅપ્ટન્સીમાં તેણે ઘૂંટણની ઈજા છતાં ભારે સંઘર્ષ કરીને સીએસકેને પાંચમું ટાઇટલ અપાવ્યું અને પછી બીજા જ અઠવાડિયે મુંબઈમાં ઘૂંટણની સર્જરી કરાવી ત્યારે ઘણાને એવું લાગતું હતું કે ધોની હવે ફરી આઇપીએલમાં નહીં જોવા મળે. જોકે ભલભલા હરીફ ખેલાડીને નમાવી દે એવો આ મહારથી 2024ની આઇપીએલમાં પણ રમ્યો હતો અને હવે 18મી આઇપીએલમાં પણ રમવા તેણે પાકી તૈયારી કરી લીધી છે.

ધોનીએ જીવનના 40મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યાર પછીના સાડાત્રણ વર્ષમાં આઇપીએલમાં 53 મૅચ રમ્યો છે. ટી-20 મૅચમાં બૅટર માટે સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલ દીઠ બનાવેલા રન) સૌથી અગત્યનો કહેવાય. ધોનીએ છેલ્લી આ 53 મૅચમાં ડેથ ઓવર્સમાં (છેવટની ઓવર્સમાં) 209.83ના સ્ટ્રાઇક-રેટ સાથે રન બનાવ્યા છે જે આ ટૂર્નામેન્ટના તમામ ખેલાડીઓમાં સર્વોત્તમ છે. હિન્રિક ક્લાસેન (209.02) બીજા સ્થાને અને દિનેશ કાર્તિક (199.29) ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મેન : વર્ક લૉડ મૅનેજમેન્ટ? આ વળી કઈ બલા છે?

અઢારમી આઇપીએલ સોળે કળાએ ખીલશે ત્યારે કંઈક નવું જોવા મળશે, કોઈક નવા જ ખેલાડીના બૅટથી ધમાકા જોવા મળશે અને દુનિયાની કોઈ જ લીગ ટૂર્નામેન્ટમાં ન જોવા મળ્યું હોય એવું કંઈક જોવા મળશે. જોકે આપણે આ લેખમાં જે બે ખેલાડી પર ફોકસ રાખ્યું તેમના પર સૌની નજર રહેશે. વૈભવે ઉજ્જવળ ભવિષ્ય માટે ચમકવું જ પડશે અને ધોની ફેરવેલ બની શકે એવી આ ટૂર્નામેન્ટમાં યાદગાર પર્ફોર્મ કરવા કોઈ કસર નહીં છોડે એમાં કોઈ શક નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button