મિજાજ મસ્તી : `ગુરું દેવો ભવ:’ ફક્ત બોલવાનો કે માનવાનો મંત્ર?

- સંજય છેલ
ટાઇટલ્સ:
ભણતર અને ચણતરમાં પાયો અગત્યનો છે.
(છેલવાણી)
ગઈ કાલે શિક્ષક દિવસ’ ગયો ને યાદ આવી એક કવિતા: વીસ વરસ પછી આજે અમારા ક્લાસ-ટીચર’ મળી ગયા. સહેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં, જૂનો કોટ, શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે. હવે રિટાયર્ડ થયા છે. સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી. એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા. એક દિવસ ખરાબ અક્ષર માટે એમણે મને હાથ પર ફૂટ મારેલું. તે હજી યાદ છે.આજે મને ઢીલા અવાજે કહે, તને તો ખબર છે મારા અક્ષર સુંદર ને મરોડદાર છે, અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું. તારી ફેક્ટરીમાં…’ વિપીન પરીખનીફૂટપટ્ટી’ નામની આ કવિતા, જેટલી વાર વાંચીએ એટલી વાર આપણાં શિક્ષકો યાદ આવે ને આંખો ભીની થઈ જાય.
કોઇએ કહેલું: `જો મારી પાસે ખૂબ પૈસા આવે તો હું શું કરું? એક સેનેટોરિયમ કે વિશ્રામગૃહ બનાવું, જ્યાં ગામડાનાં ગરીબ તરછોડાયેલા શિક્ષકોને રાખું. મોટાં રૂમ, મોટી બારીઓ, હવા ઉજાસવાળાં મકાનમાં થાકેલા-હારેલા ને સમાજમાં નક્કામા ગણાતા ટીચર્સને ત્યાં પ્રેમથી સાચવું…એ સેનેટોરિયમમાં લાઈબ્રેરી, મ્યુઝિક રૂમ હોય, ફૂલોનો બગીચો હોય… શિક્ષકોને ખુશહાલ જીવન શું છે-એની ખબર હોવી જોઈએ. એક ઉદાસ બોરિગ ટીચર, આપણાં બાળકોને શું ભવિષ્ય આપી શકે?’
આ શબ્દો રશિયાનાં જ નહીં, પણ વિશ્વનાં અદ્ભુત વાર્તાકાર ચેખોવે છેક 1900માં, ત્યારનાં રશિયન પ્રાથમિક શિક્ષકો માટે કહ્યા હતા, જે આજે ય શું આપણાં સમાજને લાગુ નથી પડતા?
ચેખોવ કહે છે: શિક્ષક તો કલાકાર હોવો જોઈએ. જે પોતાનાં કામને પ્રેમ કરતો હોય પણ આપણે ત્યાં શિક્ષક એટલે એક ગામથી બીજે ગામ વેઠિયું કરવા જતો થાકેલો હારેલો માણસ છે, જેને જાણે જીવનમાંથી દેશવટો મળ્યો ના હોય! ગામના વેપારીઓ, પોલીસકર્મીઓ એને હડધૂત કરે છે,માસ્તર-માસ્તર’ કહીને એના પર ઓર્ડર કરે છે. શા માટે? ખખડધજ મકાનોમાં-તડકો-વરસાદ વેઠીને ભણાવતો શિક્ષક, દિવસે ને દિવસે દુર્બળ અને મરિયલ બનતો જાય છે. એ શું દેશનું ભાવિ બનાવશે?’
દિલ પર હાથ મૂકીને કહેજો કે આઝાદીના 76 વરસ બાદ આપણાં સમાજને પણ આ વાત લાગુ નથી પડતી? ખરેખર તો શિક્ષકો માત્ર સ્કૂલ ક્લાસ રૂમ પૂરતા જ નથી હોતા. તમને પહેલીવાર સાઇકલ શીખવનાર મિત્ર, જિમનેશિયમમાં ડંબેલ્સ પકડતા શીખવનાર ટે્રનર કે પ્રણયમાં પહેલ કિસ કરતા શીખવનાર પ્રેમી-પ્રેમિકા કે પછી સારા ખરાબ દિવસોમાં તમે જેને સાથ આપ્યો હોય એ જ્યારે દગાબાજી કરે ત્યારે દોરંગી દુનિયાનો દાખલો શીખવનાર દોસ્ત પણ જાણે-અજાણે તમારો શિક્ષક જ છે.
માતા-પિતાથી લઇને મહોબ્બતમાં દગો દેનારા કે માલમત્તામાં મૂંડી નાખનાર સહુ લોકો શિક્ષક જ હોય છે. લાઇફના દરેક તબક્કે સારા ડોક્ટરથી લઇને કૂનેહબાજ વકીલો, તમને જીવતા કે મરતા હરપલ હંમેશ શીખવે જ રાખે છેને? જીવતરનો આખરી ઘંટ વાગે ત્યાં સુધી જીવન નામનો ક્લાસ, કદીયે ખતમ જ નથી થતો. શતરૂપે શિક્ષક મરતો જ નથી.
ઇન્ટરવલ:
સબ કુછ સીખા હમને
ના સીખી હોશિયારી (શૈલેંદ્ર)
જાણીતા ફિલ્મ નિર્દેશક હૃિષિકેશ મુખરજીએ ત્યારના દિન-રાત શૂટિગ કરનારા સુપરસ્ટાર રાજેશ ખન્નાને એકવાર પૂછેલું કે શીખવેલું : તુમને કભી ઉગતે હુએ સૂરજ કો દેખા હૈ? વો દેખો, ફિર તુમ્હે જીવન ક્યા હૈ સમઝમેં આયેગા! સ્ટારડમ તો આયેગા-જાયેગા..અને પછી એ જ રાજેશ ખન્નાને એમને અભિનેતા તરીકે ઘડનારા રંગભૂમિના નિર્દેશક વી.કે.શર્માને જતી જિંદગીએ અવતાર’ જેવી અમુક હિટ ફિલ્મો લખવા અપાવીનેગુરુ-દક્ષિણા’ આપેલી!
તો 80-90 ના દાયકાના સફળ નિર્દેશક મહેશ ભટ્ટે એમના હિન્દી સાહિત્યકાર-ટીચર જે.પી.દિક્ષીત પાસે `સર’ જેવી સુંદર ફિલ્મ લખવા આપેલી, જેથી એમને કામ અને પૈસા મળે.
હિન્દીના સ્ટાર-વ્યંગકાર શરદ જોષી શિક્ષકો કે શિક્ષણ માટે કહે છે: `શિક્ષણ એ એક એવી બગડેલી ગાડી છે, જેના સ્પેરપાર્ટ્સ હવે રિપેર કરવા પડે છે અથવા બદલવા પડે એમ છે. માત્ર શિક્ષણની ગાડીમાં જ નહીં, ગાડી ચલાવનાર ડ્રાઈવરમાં પણ સુધારો કરવો પડે અને જરૂર પડે એને બદલવો પણ પડે… અરે! કેટલાક શિક્ષકો અને પ્રોફેસરોને પૂછો તો એ એમના વિદ્યાર્થીઓ બદલવા માગે છે! તો વળી વિદ્યાર્થીઓ કેટલાક શિક્ષકો અને પ્રોફેસરોને બદલવા માગે છે?’
-તો વળી ભારતમાં લોકશિક્ષણનું સૌથી મોટું કામ કરનાર આજનાં બદનામ બોખા બાપુ ઉર્ફ ગાંધીજીએ શિક્ષણ વિશે શું
શું કહેલું એ વાંચો :
શિક્ષણ, ચારિત્ર્ય અને ધર્મ એ ત્રણે શબ્દોને એકબીજાની પર્યાય ગણવા જોઈએ. જ્યાં ચારિત્ર્યનું ઘડતર ન થતું હોય એ સાચું શિક્ષણ હોઈ જ ન શકે. સમગ્ર જીવનને આવરી લે એનું નામ શિક્ષણ. ખાલી ગોખણપટ્ટી કે પુસ્તકિયું જ્ઞાન સાચું શિક્ષણ નથી.’ * કેળવણીનો હેતુ માત્ર પૈસા કમાવાનો નથી, પણ સારા માણસ બનવાનો છે. જો આ હેતુ પાર ન પડે તો કેળવણી પર નાખેલા પૈસા નકામા ગયા સમજવું…’
*
`જે શિક્ષક, વિદ્યાર્થીઓના મગજને અગણિત હકીકતો ભરી મૂકવાનું કબાટ બનાવી મૂકે છે એ પોતે કેળવણીનો પહેલો પાઠ જ નથી શીખ્યો…’
*
છેલ્લે વન્સ અગેઇન, કોઇ પ્રેમ કે પેશનનો સંબંધ ના હોય તો યે જેના ખભે રડી શકીએ એવી કોઇ ગર્લ ફ્રેંડ કે આંગળી ઝાલીને અક્ષરનો મરોડ શીખવનાર કે પાર્કિંગ શીખવતો વોચમેન કે જોડણીથી માંડીને જીવનને જોતાં શીખવનાર મુરબ્બીઓ જેવા અનેક અનામ અજાણ્યા ગુરુઓને આજે હૈયાથી હજારો વંદન.
અંગૂઠો કાપીને નહીં, પણ દિલ આપીને.!
એન્ડ-ટાઈટલ્સ:
આદમ: તું ખરેખર ગુરુ છે.
ઈવ: બસ બોલ નહીં, પાસે આવ.
આ પણ વાંચો…મિજાજ મસ્તી : શબ્દોની સરિતા વહેતી…નવી જનરેશન-નવી ભાષા