મસ્તરામની મસ્તીઃ આપણને ગમતું ભવિષ્ય લખે તે જ્યોતિષ ઉત્તમ…
વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ આપણને ગમતું ભવિષ્ય લખે તે જ્યોતિષ ઉત્તમ…

મિલન ત્રિવેદી

દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ તમામ ભાષાના રાશિફળ વાંચી ચૂક્યો છું…જ્યાં સુધી મને સારૂં લાગે તેવું મારૂં ભવિષ્ય ફળ વાંચવા ન મળ્યું ત્યાં સુધી જે કાગળમાં ભજિયા વીટીને આવ્યા હતા તે કાગળનું પણ લખાણ વાંચી લીધું.
લ્યો, જ્યોતિષાનંદ સ્વનામ જલસાઘરનાં પ્રણેતા મિલનમસ્ત સ્વામીની કલમે મોજ કરો…

વાર્ષિક રાશિ ભવિષ્ય ફળ (આમ તો આપણા સ્વભાવ પર અવલંબે છે. કોઇની સળી ન કરો તો સારું જ છે તો પણ જાણવાની તીવ્ર ઇચ્છા એ અંદરનો કીડો છે)

મેષ થી મીનનું સંયુક્ત કથન…..
બંધબેસતુ ઓઢી લ્યો ચાલો…

શુભાશુભ તારીખો …

આપની સેલરીની તારીખથી લઈને પંદર દિવસ સુધીની તારીખો શુભ રહેશે….સરકારી કર્મચારીઓને ટેબલ નીચેથી સરકતું કંઇક આવે તો મહિનો આખો મોજ રહેશે. બાકીનાં આશાવાદી રહેવાય તો રહેજો…

પ્રોગ્રામનું પેમેન્ટ ઉઘરાણી કર્યા વગર પાકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળવો… મહેમાન કરતાં ઉઘરાણીવાળાની અવર-જવર વધવાની શક્યતા છે….

લગ્ન દાંપત્યજીવન વિશે,,,

જેમના લગ્ન ન થયા હોય અને હવે થશે તેવા જાતકોને શરૂઆતના ત્રણ મહિના શુક્ર ઉચ્ચનો રહે, ત્યાર બાદ શન્ની (ડબલ)ની આજીવન પનોતી શરૂ થાય…

જે લોકો પનોતીની અસર હેઠળ છે તેમની જેમ જેમ ઉંમર વધે તેમ પનોતી કોઠે પડી જાય. અને સહનશક્તિ વધતાં પનોતીને નજર અંદાજ કરતા શીખી જવાય…

કઠણાઈ લાગતી હોય તો પત્નીને કટકે કટકે વર્ષમાં બે તોલા સોનું ચડાવવું…

આરોગ્ય-પ્રવાસ…

પત્ની જે રસોઇ બનાવે તેના પર આપનું આરોગ્ય નિર્ભર છે.
ખાવાની ખોટી ખોટી માગણીઓ આરોગ્ય ને અયોગ્ય કરી શકે છે… શરીર પર લીલા ચકામા થવા સુધીની સંભાવના છે.

રસોઇ-શો જોતી પત્નીના પતિએ મન-તન મક્કમ કરી જાતભાતના પ્રયોગ માટે તૈયાર રહેવું…
ના પાડવાથી દંત વિસર્જન કે અસ્થીભંગના યોગ બની શકે છે…
અતિ મોડર્ન વહુને શીરો હલાવવાનું ન કહેવું. મૂડમાં નહીં હોય તો તમારા આખા કુટુંબને હલાવી નાખશે તેવી શક્યતા છે…

પ્રવાસ યોગ…

પ્રવાસમાં માદક વાસ આવે તેવાં પીણાંથી દૂર અને પત્નીની નજીક રહેવું હિતાવહ…
પ્રવાસ દરમિયાન આપની બીજી દ્રષ્ટિ કોઇની પ્રથમ દ્રષ્ટિ પર પડે નહી તેનું ધ્યાન રાખવું… અને છતાંય પડે તો પત્નીની વક્ર દ્રષ્ટિથી બચવું.

મોબાઇલ જિંદગી…

માતા-પિતાએ પોતાનો મોબાઈલ સમજણા સંતાનોથી દૂર રાખવો હિતાવહ છે….
વિના પ્રયત્ને આપનો એફબી અભ્યાસ ચાલુ રહે…
બકવાસ પોસ્ટો પર પણ લાઇક કોમેન્ટ્સ મળવાના યોગ છે.
મોડી રાત્રે ચેટિગમાં ન પડવું… ચીટિગ થઈ જવાનાં પ્રબળ યોગ છે.

નોકરી…

જેને હોય ઇ ભાગ્યશાળી…
મોંઘવારી ભથ્થું ટેબલ નીચે પણ વધતું રહેશે..

આ વર્ષે ધંધો થાય તો કરવો….નહીંતો એફબી, વોટસઅપ, ઇન્સ્ટા પર સમાજ, દેશ અને નેતાઓને સલાહો આપવી કે ગાળો લખવી જેથી મન શાંત રહે…

કઈ વસ્તુના ભાવ વધ્યા તેના કરતાં કઈ વસ્તુના ઘટ્યા તેનું ધ્યાન રાખવું. આનાથી સકારાત્મક ઊર્જાનું નિર્માણ થાય.

જમીન-મકાન-સંપત્તિ…

જમીન હોય તો વેચવી…એના આવેલા પૈસાથી આપની સમસ્યાઓનો હાલ પૂરતો અંત આવે….

પિતાએ બનાવેલું મોટું મકાન હોય તો આ વરસે આપ તેનું રંગરોગાન કરાવી શકો તેવા યોગ લોન લઇને ઊભા કરી શકશો….સંપત્તિમાં શેરબજારના સર્ટિફિકેટ પસ્તી થઈ જવાના યોગ છે…

શત્રુ-કોર્ટ-કચેરી……

શત્રુથી ડરવાનું કારણ નથી એ તમારાથી ડરે છે તેમ માનવું. ખોટું કોર્ટે ચડવું નહીં….ધન, ધીરજ ને ધક્કા યાદ રાખો તો સહનશક્તિ વધશે. છતાં પણ કોર્ટમાં જવાનું મન થાય તો ટેનિસ કોર્ટ કે બાસ્કેટબોલ કોર્ટ પર આટો મારી આવવો…

વિદેશ યોગ…

ખૂબ પ્રબળ વિદેશ યોગ છે એટલે કે આપના ફેસબુકમાં વિદેશી માનુનીઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવવાના યોગ છે…
વિદેશી માનુનીઓ સાથે પણ હિન્દીમાં વાત કરશો તો જવાબ આવશે તે પરથી સમજદારી વિકસવાના યોગ છે.

વિચારવાયુ:
સોનું-ચાંદી લેતા અને જરૂરિયાત મંદને જોઈતી મદદ કરતા છાતી ન થડકે એટલું ઈશ્વર પાસે માગવું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button