મસ્તરામની મસ્તીઃ ધરાહાર માળીયે ચડાવે એ જ સાચી ઘરવાળી…

મિલન ત્રિવેદી
રાતના મોડે કાર્યક્રમ પતાવી અને સરસ ઊંઘ ખેંચી રહેલો પતિ સવારના સમયમાં માંડ હજુ તો સ્વપ્નમાં સરતો હોય ત્યાં એક મોબાઈલ ફોનના વાર્તાલાપથી નાનો છોકરો જેમ ભયાનક સપનું જોઈ અને જબકીને જાગી જાય તેમ પત્નીની પિયર ટોક સાંભળી હું જાગી ગયો.
હાં મમ્મી, નવરાત્રિ તો બહુ સરસ રહી. અમારે તો નવરાત્રિ પછી પણ સાત આઠ દિવસ ગરબા ચાલે પહેલેથી છેલ્લે સુધી રમવાનું ચાલે, પણ હવે પગ બહુ દુખે છે.’ આટલા દિવસ તો માતાજી એ લાજ રાખી. ત્યાં હવે માથે આ દિવાળી આવી.
આખા ઘરની સાફ-સફાઈ મારી ઉપર જ છે. એ તો તમારા જમાઈ સારા છે કે હારોહાર કામ કરાવે. બસ, જો હમણાં જાગશે અને અમારું સફાઈ અભિયાન શરૂ થશે.’
મને અંદાજ આવી ગયો કે ગાળીયો તૈયાર થઈ રહ્યો છે. ચાલુ ફોને તેમના ચરણસ્પર્શથી મારા ચરણોને તેમની વ્યાખ્યા પ્રમાણે હળવો સ્પર્શ કર્યો. મારા અંગત અભિપ્રાય પ્રમાણે પ્રહાર કરવામાં આવ્યો હતો.
પત્નીએ ફોન પૂરો કરતા તેના મમ્મીને કહ્યું ચાલો હવે ફોન મૂકું એ જાગી ગયા છે એટલે ચા- પાણી-નાસ્તો કરાવી અમે કામે લાગીએ.’ મેં પથારીમાં સુતા સુતા જ કહ્યું કેકોઈ એજન્સીવાળાને કહી દે.’
તરત જ અવાજના ડેસિબલ વધી ગયા અને તેમના મતે હળવા સાદે કહ્યું, `અમને નહીં ખબર પડતી હોય? આખા ઘરની સફાઈના 20,000 રૂપિયા કીધા. મારી પાસે એવા ફાલતુ રૂપિયા નથી. અને આપણે બંને 10, 10,000 બચાવીશું. ચાલો યુનિફોર્મ તૈયાર છે.’
મારા જૂના જીન્સ પેન્ટને ગોઠણથી કાપી સરસ મજાનો ચડ્ડો અને એક કાણાવાળું ગંજી પકડાવ્યા.
માળીયે ચડવા માટે ટેબલ ગોઠવી આપ્યું. જૂના નેપકિનના કટકાને દાંડિયા સાથે બાંધી જાપટીયું તૈયાર કર્યું હતું. મોઢા પર રૂમાલ બંધાવ્યો. અને કોઈ ઘરફોડ ચોરીનો માહિર માણસ દબાતા પગલે સીફતથી ઘરમાં ઉતરે તેમ હું માળિયામાં પ્રવેશ કરી ગયો.
ત્રણ-ચાર કલાકે ઝાપટ ઝુપટ કરી અને સફાઈ કરી.
મને એમ થયું કે હવે પેરોલ મળશે ત્યાં તો બીજું કામ હાજર જ હતું.
ઘરના તમામ કાચના વાસણોનો ઢગલો કરી અને એક ટબમાં સાબુનું પાણી તથા બીજા ટબમાં સાદું પાણી ભરાવી બાજુમાં પાટલો ગોઠવી મારું સ્થાપન કર્યું :
`ચાલુ પડી જાવ ત્યાં હું શીતલને ફોન કરી લઉં…’ આવું કહી તે અદ્રશ્ય થઈ ગઈ.
મને જિંદગીમાં પહેલીવાર મારું જ નુકસાન કરવાનો વિચાર આવ્યો પરંતુ ચાણક્યની રફ બુકમાં વાંચેલું કે કામ ન કરવું હોય તો જે કામ સોપાયું હોય તેમાં નુકસાન કરો એટલે તમારા હાથમાંથી એ કામ લઈ લે.
મેં આ પ્રયોગ પ્રમાણે હાથમાંથી તેનો જ રોજબરોજનો કોફી પીવાનો મગ પાડ્યો, અવાજ આવ્યો, અને તેનાથી મોટો અવાજ પત્ની નો આવ્યો :
એક કામ ઠીકથી થતું નથી. કરી દીધુંને નુકસાન?’ હું પાછળના વાક્યની રાહ જોતો રહ્યો. તે બોલીસાં થયું ચાલો જૂનું ગયું હવે નવું આવશે અને આમ પણ કાચનું તૂટવું તે શુકનની નિશાની છે.’
મારી ફરિયાદ શીતલને ફોનમાં કરતી રહી કે `એકાદ કામ પણ સોંપીએ તો વ્યવસ્થિત ન કરે. હું તો આખો દિવસ કામ કરી અને થાકી જાઉં છું.’
રાજા હરિશ્ચંદ્રના આત્માને કેટલું દુ:ખ થયું હશે?
અત્યારે રાતના આઠ વાગ્યા છે. શ્રીમતીજીને આજે ખૂબ કામ હોય રસોઈ બનાવી ન હતી. ખાલી સેવ-મમરા ખવડાવી મને તાત્કાલિક કામ પૂં કરી તૈયાર થવાનું કહે છે. કારણ કે તે થાકી ગઈ છે અને ઘરે રસોઈ કા મારે બનાવવી પડે અને નહિતર બહાર જમવા જવું તેવું ફરમાન છે.
મેં પણ તેને કહી દીધું કે, `હવે વધારે હેરાન ના થઈશ. આખો દિવસ કામ કરી તું થાકી ગઈ હોઈશ. અને ખરેખર તે મારા 20000 રૂપિયા બચાવ્યા. મેં તો 2000નું કામ કર્યું 18,000 નું તો તે કર્યું છે. ચાલ ખાતર માથે દીવો કરીએ.’
ઘરમાં રાંધવાની એટલે ના પાડી કે આટલું કામ કર્યા પછી સાં ખાવાનું ન મળે તો કેમ ચાલે? મારા મનમાં આ એક જ ભાવના.
વિચારવાયુ:
બહેનો માટે પાણીપૂરી એ માત્ર પાણીપૂરી નથી. શક્તિ મેળવવા માટેના બાટલા છે. દર 10 દિવસે બાટલા ચડાવી દો એટલે સ્ફૂર્તિમાં રહે…