ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?

- જ્વલંત નાયક
માળખાંગત સુવિધા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ વિના કોઈ દેશ કે સમાજ પ્રગતિ ન કરી શકે. પ્રગતિ તો છોડો, આજના આધુનિક યુગમાં ટકી રહેવા માટેય તમારે દેશમાં માળખાંગત સુવિધાઓ વિકસાવવી જ પડે.
એક સમયે યુરોપ-અમેરિકાના દેશોમાં મળતી રોડ, રેલવેઝ, બિલ્ડિંગ્સ કે ઍરપૉર્ટની સુવિધાઓ વિશે આપણે સાંભળતા ત્યારે અહોભાવમાં મોઢાં ખુલ્લાં રહી જતાં. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત પણ માળખાંગત વિકાસ ક્ષેત્રે વિશ્વની સાથે કદમ મિલાવી રહ્યું છે અને એટલે જ આ તબક્કો અત્યંત ચેતીને ચાલવાનો છે. આપણને જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સમયે `આદર્શ’ લાગતું હતું, એમાં પણ મોટા ઝોલ હોય છે. એ છેતરામણું પણ હોઈ શકે.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : કયારેક કોઈ ઘટના બને ને લો, ફેશન બદલાઈ ગઈ!
વાસ્તવિક દૃષ્ટિએ મૂલવીએ તો વિકાસ અને વિનાશ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. જરાસરખું ચૂક્યા એટલે ખીણમાં ગબડ્યા સમજો. આજે એવાં કેટલાંક ઉદાહરણ તપાસીએ, જેમાં વિકાસના ચક્કરમાં વિનાશને નોતરું અપાયું હોય.
ચીનની સામ્યવાદી સરકાર નક્કી કરે એ વાત પ્રજાએ ચૂપચાપ માની લેવી પડે. વિરોધ પક્ષનોય અહીં સંપૂર્ણ અભાવ. અહીં એવુંય બને કે સરકારના સદંતર ખોટા નિર્ણયોને પડકારનાર પણ ચીન આખામાં કયાંય જોવા ન મળે.
આવો જ એક નિર્ણય એટલે નવાં અને વિશાળ શહેરો બાંધવાની કવાયત. સામ્યવાદી સરકારે લાખો-કરોડો લોકોના વસવાટ માટે સ્કાયસ્ક્રેપર્સ, વિશાળકાય શોપિંગ મૉલ્સ, ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ અને રેલ નેટવર્ક સહિતનાં મોટાં મોટાં શહેર બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. જૂનાં શહેરોની કોઈ સમસ્યા અહીં હોય જ નહિ, બધું જ નવું અને ચકાચક. સરકાર આવા અનેક અર્બન સેન્ટર્સ ડેવલપ કરવા માંગતી હતી, પણ થયું સાવ ઊલટું! પ્રજાના ટૅક્સના અબજો ડૉલર્સ ખર્ચીને ઊભા કરેલા આ રાક્ષસી અર્બન સેન્ટર્સ મોટા પાયે ફ્લોપ શો સાબિત થયા. એમાં સૌથી જાણીતો દાખલો ઓર્ડોસનો છે.
ઓર્ડોસનો મોટા ભાગનો વિસ્તાર આજેય ખાલીખમ પડ્યો છે. અહીનાં ઊંચાં સ્કાયસ્ક્રેપર્સ પણ માનવવસતિના અભાવે `ભૂતિયા’ ભાસે છે. સરકારના મનમાં એમ હતું કે લોકો આ નવા બનેલા સુસજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિસ્તારોમાં રહેવા માટે ધસારો કરશે, પણ એના કરતાં સાવ ઊંધી જ વાસ્તવિકતા જોવા મળી. હકીકતે આ અર્બન સેન્ટર્સ ડેવલપ કરવામાં જે ખર્ચ થયો, એના પ્રતાપે અહીં રિઅલ એસ્ટેટની કિમતો એટલી ઊંચે પહોંચી ગઈ કે આખાને આખા પ્રોજેક્ટ્સ ખાલી પડી રહ્યા! ભારત જેવા વિકાસશીલ દેશોએ આમાંથી ધડો લેવા જેવો ખરો.
ચીનથી વિરુદ્ધ અમેરિકાની છાપ એક લિબરલ દેશ તરીકેની છે. અહીં લોકો, મીડિયા કે વિરોધ પક્ષો સરકાર સામે અવાજ ઉઠાવતાં અચકાતા નથી, છતાં વિકાસના નામે વિનાશનાં ભોપાળાં તો અહીંય ધૂમ થાય. એનું જ એક ઉદાહરણ એટલે બોસ્ટનનો `બિગ ડિગ’ પ્રોજેક્ટ. બોસ્ટન એક સમયે ટ્રાફિક સમસ્યાથી પીડાતું હતું. શહેરની ઉપરથી પસાર થતો એલિવેટેડ હાઈ-વે હતો ખરો, પણ એ અપૂરતો ગણાતો.
આથી તત્કાલીન સરકારે શહેરની નીચેથી પસાર થતો મસ્તમજાનો એક્સપ્રેસ-વે બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો. પ્રોજેક્ટ પૂરો કરવા માટે 2.8 અબજ ડૉલર્સનું બજેટ અને સાત વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવ્યાં, પણ અમેરિકામાંય ભારત જેવા જ ઘટનાક્રમે આકાર લીધો. પ્રોજેક્ટ લંબાઈને છેક સોળ વર્ષે પૂરો થયો અને એમાં ખર્ચ થયો 14.6 અબજ ડૉલર્સ લગભગ પાંચ ગણો!
આની પાછળ ભ્રષ્ટાચારનો ભોરિગ જવાબદાર હોવા ઉપરાંત ડિઝાઈનમાં પણ ઘણા લોચા જોવા મળ્યા. પ્રોજેક્ટ શરૂ થયા બાદ એન્જિનિયર્સને સમજાયું કે બોસ્ટનની ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ એવી નથી, જેવો ક્યાસ એમણે પ્રોજેક્ટ ડિઝાઈન કરતી વખતે લગાવેલો! અન્ડરગ્રાઉન્ડ પરિસ્થિતિ ધારવા કરતાં અનેકગણી જટિલ હોવાને કારણે પ્રોજેક્ટની ડિઝાઈનમાં વખતોવખત છેલ્લી ઘડીના ફેરફારો' થતા જ ગયા.
પ્રોજેક્ટ પૂરો થયો એ પછી પણ સમસ્યાઓ પૂરી ન થઈ! પ્રોજેક્ટ પૂરો થતાંની સાથે જ ઠેકઠેકાણેથી લીકેજ, કોન્ક્રિટના પોપડા ખરવાથી માંડીને ટનલ્સની એલાઈનમેન્ટમાં ગરબડ સહિતની સમસ્યાઓ ઉદ્ભવી! 2006માં તો ટનલની છતમાંથી કોન્ક્રિટનો એવડો મોટો ટુકડો પડ્યો, કે એક મહિલાના રામ રમી ગયા. આ બધા ઉપરાંત બોસ્ટનની ટ્રાફિક સમસ્યામાં કોઈ ખાસ સુધારો થયો નહિ. કેટલાક જાણકારો
બિગ ડિગ’ તરીકે ઓળખાતા બોસ્ટનના અન્ડરગ્રાઉન્ડ હાઈવે પ્રોજેક્ટને ઇતિહાસનું સૌથી ખર્ચાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડિઝાસ્ટર ગણે છે.
યુએસએના પડોશી દેશ મેક્સિકોએ તો વળી ઓર મોટું બ્લંડર કરેલું. મેક્સિકો દેશની રાજધાનીનું નામ પણ મેક્સિકો જ છે, જે દેશનું સૌથી મોટું શહેર પણ ખરું. કમનસીબી એ છે કે આ શહેર જ્યાં વસ્યું છે, એ પ્રદેશ મૂળભૂત રીતે ટેક્સકોકો નામના કુદરતી રીતે બનેલા વિશાળ તળાવનો પ્રદેશ છે એટલે અહીંની જમીન સ્વાભાવિકપણે પોચી હોવા ઉપરાંત આવી જમીન પોતાનો આકાર બદલતી રહે છે. અહીંની પોચી માટી પણ ખસતી રહે છે તેમ છતાં, કોણ જાણે કયાં કારણોસર શહેરનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તારવાનું કામ ચાલુ જ રહ્યું.
પરિણામ એવું આવ્યું કે વારંવાર જમીન ધસી પડવાની ઘટનાઓને કારણે મેટ્રો નેટવર્કમાં પણ ભંગાણ પડતું રહ્યું. સરકારીતંત્ર સમસ્યાના મૂળ સુધી પહોંચવાને બદલે પેચવર્ક કરતું રહ્યું. આ બેદરકારીને પરિણામે 2021માં મોટું સ્ટ્રકચરલ કોલેપ્સ થયું. મેટ્રો રેલ નેટવર્કમાં પડેલા આ મોટા ભંગાણમાં 26 નિર્દોષ નાગરિકો હોમાઈ ગયા! વિશ્વના સૌથી બિઝી મેટ્રો નેટવર્કમાં ગણના પામતું હોવા છતાં મેક્સિકો સિટીનું રેલ નેટવર્ક હંમેશા અન્ડર ફંડેડ – એટલે કે મેઇન્ટેનન્સ માટે જરૂરી ફંડની કમી – રહ્યું. પોચી માટી અને બીજી સ્ટ્રકચરલ સમસ્યાઓને અધિકારીઓ દ્વારા અવગણવામાં આવી. પરિણામે વિકાસને બદલે વિનાશ વેરાઈ ગયો!
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : ચોક : પોળના આવાસનું હૃદય…
ભૌતિક વિકાસ સાધવાના ચક્કરમાં આ દેશોએ મારેલા લોચાની ભલે આપણે ટીકા કરીએ, પણ એ સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચલ ડેવલપમેન્ટ ક્ષેત્રે પડખું ફરી રહેલું ભારત પણ આવી ભૂલો ન કરી બેસે એની જાગૃતિ કેળવતાં જઈએ. આપણે ત્યાં આવી જાગૃતિ બહુ જરૂરી છે.
આખરે તો જીવન જીવવા માટે મોટાં મકાન, પુલ કે શહેર કરતાં વધારે જરૂર કુદરતનાં પંચતત્ત્વની જ પડશે.