
સાશા
સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં જ પૂરી થયેલી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ જે રીતે બૅક-ટુ-બૅક સેન્ચુરી ફટકારી ત્યાર બાદ ફરી એક વખત દેશભરમાં ક્રિકેટપ્રેમીઓમાં તેની લોકપ્રિયતા વંટોળ તરીકે ફેલાઈ ગઈ છે. કિંગ કોહલીની પૉપ્યુલારિટી હાલમાં એવી છે જ એક સમયે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકરની હતી. હજી થોડા અઠવાડિયા પહેલાં જ એક ચર્ચા જોરશોરની ખતમ થઈ ગઈ હતી જે પાછી થવા લાગી છે. આ ચર્ચા એ છે કે શું વિરાટ કોહલી લિટલ ચૅમ્પિયન સચિનનો 100 આંતરરાષ્ટ્રીય સદીનો વિશ્વવિક્રમ તોડશે?
કોહલીએ ગયા વર્ષે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી અને આ વર્ષે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી એ સાથે એવું લાગતું હતું કે તેના માટે હવે સચિનની 100 ઇન્ટરનૅશનલ સેન્ચુરી સુધી પહોંચવું અસંભવ છે. જોકે તેણે ત્રણ મૅચમાં બે સેન્ચુરી ફટકારી અને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મેળવ્યો એ સાથે ચર્ચા થવા લાગી છે કે સચિનનો વિક્રમ તોડવો કોહલી માટે શક્ય તો છે. જેમ સચિન તેના યુગમાં માત્ર દેશમાં નહીં, સમગ્ર દુનિયામાં છવાઈ ગયો હતો એમ કોહલીની નામના અત્યારે સમગ્ર વિશ્વમાં ફરી એક વાર ફેલાઈ ગઈ છે.
હવે વાત એ છે કે કોહલી શું સચિનનો સેન્ચુરીઓની સદીનો મહારેકૉર્ડ તોડી શકશે? તોડવાની કોશિશ કરશે ખરો? સચિનની 100 સામે કોહલીની 84 સેન્ચુરી છે. હવે કોહલી માત્ર વન-ડે ફૉર્મેટ જ રમે છે અને સચિનથી તે 16 ડગલાં દૂર છે. ટેસ્ટમાં કોહલીની 30, વન-ડેમાં 53 અને ટી-20માં એક સેન્ચુરી છે. જો કોહલી 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમતો રહેશે તો તેને એ દરમ્યાન 27થી 28 વન-ડે રમવા મળશે. તે જો આમાંથી અડધી મૅચમાં પણ સેન્ચુરી ફટકારશે તો સચિનનો 100 સેન્ચુરીનો ગોલ્ડન રેકૉર્ડ તોડી નાખશે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સમૅનઃ આ આંતરરાષ્ટ્રીય મૅચનું મેદાન છે, કોઈ મજાક નથી! ખેલાડીઓની સલામતી માટે અલર્ટ થઈ જાઓ
એક વાત તો કહેવી પડે! વન-ડે ફૉર્મેટમાં બૅક-ટુ-બૅક સદી ફટકારવામાં કોહલી જેવું દુનિયામાં કોઈ નથી. તેણે 11 વખત સતત બે વન-ડેમાં સેન્ચુરી ફટકારી છે. બીજા નંબરે તેનો મિત્ર એબી ડિવિલિયર્સ છે જેણે છ વખત બૅક-ટુ-બૅક સેન્ચુરી ફટકારી છે. તમે જ વિચારો કે કોહલી બધાથી કેટલો બધો આગળ છે.
જોકે સચિનની 100 સદી સુધી પહોંચવામાં તેણે ભારે મહેનત કરવી પડશે. અત્યારે યુવાન વય જેવી જ ફિટનેસ જાળવતો કોહલી 2027ના વર્લ્ડ કપ પહેલાં સંપૂર્ણ નિવૃત્તિ નહીં લે તો સચિનનો વિક્રમ તૂટ્યો જ સમજો. તે ભારતના જ મહાન ક્રિકેટર (સચિન)નો આ અદ્ભુત વિક્રમ તોડવાનું બીજો ભારતીય ખેલાડી (કોહલી) પસંદ ન કરે એ વાત જુદી છે, પણ 37 વર્ષના કોહલીની ફિટનેસ જોતાં તે હજી 24 વર્ષનો હોય એવું લાગે છે.
અત્યારે વન-ડે ક્રિકેટમાં બહુ ઓછા ખેલાડીઓ એવા છે જેઓ દોડીને ત્રણ રન લેવા માટે હરહંમેશ તૈયાર રહેતા હોય છે અને તેમની તરફ આવેલો કૅચ ભાગ્યે જ છૂટતો હોય છે. એટલે જ કોહલીને બિગ બૅટ્સમૅન જ નહીં, સુપર ફીલ્ડર અને સુપર ફિટ પ્લેયર તરીકે પણ ઓળખાવાય છે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સમૅનઃ ટેસ્ટની પરીક્ષામાં નાપાસ થયા, હવે વન-ડેમાં નંબર-વનની રૅન્ક સાચવજો
એક સમયે સચિન વન-ડેમાં 49 સેન્ચુરી સાથે વર્લ્ડ નંબર-વન હતો, પણ હવે કોહલી 53 સેન્ચુરી સાથે મોખરે છે. વન-ડેમાં 8,000થી 14,000 રનના માઇલસ્ટૉન સચિનની તુલનામાં કિંગ કોહલીએ બહુ ઓછી ઇનિંગ્સમાં પૂરા કર્યા છે. આવા કેટલાક રેકૉર્ડ છે જેમાં સચિનથી કોહલી આગળ થઈ ગયો છે.
જોકે સચિનના યુગ સાથે કોહલીના વર્તમાન યુગની સરખામણી થઈ ન શકે, પણ રેકૉર્ડ તૂટે ત્યારે નવા વિક્રમી ખેલાડીનું નામ તો ઉપર આવતું જ હોય છે. બીજું, વન-ડેમાં લક્ષ્યાંક પૂરા કરવાની બાબતમાં કોહલીની હાલમાં જે ઓળખ છે એવી દુનિયાના બીજા કોઈ ખેલાડીમાં નથી. એટલે જ ટાર્ગેટનો પીછો કરવામાં રન તેમ જ 50-પ્લસની ઇનિંગ્સમાં સચિન કરતાં કોહલી આગળ છે.
એક વાત નક્કી છે. સચિનના વિક્રમોનો પીછો કરવામાં કે એ તોડવામાં પોતે આતુર છે એવું કોહલીએ ક્યારેય નથી બતાવ્યું. આ મુદ્દે પત્રકારે જ્યારે પણ સવાલ પૂછ્યો છે ત્યારે તેણે જવાબ આપવાનું ટાળ્યું છે. જોકે સચિનના અમુક મોટા મોટા રેકૉર્ડ તોડવાની દોડમાં કોહલી નથી તો બીજું કોણ છે? કોઈ નથી. એક ઉદાહરણ લઈએ. વન-ડે ફૉર્મેટમાં સચિન 18,426 રન સાથે મોખરે છે અને કોહલી 14,557 રન સાથે બીજા નંબરે છે. જો કોહલી આવા જ વેગ અને આક્રમકતા સાથે આવતા બે-અઢી વર્ષમાં રમતો રહેશે તો તે સચિનનો રનનો વિક્રમ તોડી શકશે એમાં બેમત નથી.
તમે વિચાર કરો કે એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ 1,381 રન બનાવનાર કોહલીએ એ સિદ્ધિ 2011ની સાલમાં મેળવી હતી અને એવી જ ફિટનેસ અને આક્રમકતા સાથે તે અત્યારે રમતો જોવા મળી રહ્યો છે. કહેવાય છેને કે કંઈ જ અસંભવ નથી હોતું. હા, એટલું નક્કી છે કે કોહલી જો સચિનના કેટલાક વધુ મોટા વિક્રમો તોડશે તો પણ સચિનનો જે `મિડાસ ટચ’ હતો એને ઝાંખો નહીં પાડી શકે. દરેકમાં કંઈકને કંઈક સ્પેશ્યલ ખૂબીઓ હોય છે. કોહલી તેના રેકૉર્ડ્સ તોડશે તો પણ કોઈ જ રીતે સચિનની મહાનતા લેશમાત્ર ઓછી નહીં થાય અને જો કોહલી તેના વધુ વિક્રમો નહીં તો કોહલીની વિશિષ્ટતા અને મહાનતા પણ જરાય ઓછી નથી થવાની.



