એક નજર ઈધર ભી…: વિશ્વના સૌથી નાનકડા દેશ વેટિકન સિટીમાં વિશ્વનું સૌથી નાનું આર્મી પણ તહેનાત છે…

કામિની શ્રોફ
વેટિકન સિટી…
નામ પડતા જ શાળા અભ્યાસ દરમિયાન ભણાવવામાં આવેલી વિશ્વના સૌથી નાનકડા દેશની વ્યાખ્યા યાદ આવી જાય. એનો કુલ વિસ્તાર છે 110 એકર. ટૂંકમાં અડધો ચોરસ કિલોમીટર કરતાં પણ થોડો ઓછો વિસ્તાર. વેટિકન સિટીની કેટલીક ખાસિયત જાણવા જેવી છે, જેમકે …
અહીં રાજાસત્તાક (મોનાર્કી) શાસનનું ચલણ છે એટલે પોપ (કેથલિક ધર્મસંઘના વડા) સત્તાધીશ છે. એનો સ્વતંત્ર ધ્વજ છે અને પોતાનું રાષ્ટ્રગીત સુધ્ધાં છે. બદનામ રોમન સમ્રાટ નીરો એક જુલમગાર રાજવી હતો અને રોમ જ્યારે ભડકે બળવા લાગ્યું હતું ત્યારે નીરોએ એ માટે ખ્રિસ્તીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
આ સિતમગર સમ્રાટે કેટલાય ખ્રિસ્તીઓને શૂળીએ ચડાવી દીધા હતા, જેમાં ઈસુ ખ્રિસ્તના શિષ્ય સેન્ટ પીટરનો પણ સમાવેશ હતો. સેન્ટ પીટર સહિત સેંકડો લોકોને જ્યાં દફનાવવામાં આવ્યા હતા એ જમીન પર અત્યારનું સેન્ટ પીટર્સ બેસિલિકા ચર્ચ ઊભું હોવાની માન્યતા છે. વેટિકન સિટીના આ ચર્ચમાં ઈટાલિયન શિલ્પી માઇકલએન્જેલોની `પીએટા’ નામની કલાકૃતિ અંગેની જાણકારી રસપ્રદ છે.
પીએટા:
માઇકલએન્જેલોના બે શિલ્પ ડેવિડ અને પીએટાને વિશેષ ખ્યાતિ મળી છે. ઈસુને વધસ્તંભ પર ચડાવ્યા પછી મધર મેરી તેમને ખોળામાં લઈને બેઠા છે એ દર્શાવતું આ શિલ્પ `પીએટા’ તરીકે ઓળખાય છે. પીએટા એટલે માઇકલએન્જેલોની કણામૂર્તિ. પીએટા એકમાત્ર કૃતિ છે જેમના પર માઇકલએન્જેલોના હસ્તાક્ષર કોતરાયેલા નજરે પડે છે. એની પાછળ એક મજેદાર કહાણી છે.
એક ઇતિહાસકારની નોંધ પ્રમાણે આ કળાકૃતિની ચર્ચમાં સ્થાપના થયા પછી એ શિલ્પકૃતિ જોવા આવેલા કલારસિકો એ જોઈને પ્રભાવિત થયા અને એ કોણે બનાવી હશે એ વિશે ચર્ચા કર્યા પછી એ શિલ્પ ક્રિસ્ટોફર સોલારી નામના શિલ્પીનું જ હોવું જોઈએ એવું અનુમાન તેમણે બાંધ્યું. એ સમયે ત્યાં હાજર રહેલા માઇકલએન્જેલોએ આ વાત સાંભળી. એક રાતે એ ચર્ચમાં છુપાઈને રહ્યા અને પ્રતિમા પર પોતાનું નામ કોતરી નાખ્યું જેથી દુનિયાને ખબર પડે કે પીએટા બીજા કોઈનું નહીં, પણ તેમનું સર્જન છે.
ઈશ્વરના પ્રતિનિધિને માનવ સુરક્ષા:
પીંછાવાળી હેલ્મેટ, સુશોભિત કોલર અને વિશિષ્ટ શૈલીની બાંય ધરાવતા ગણવેશમાં સજ્જ વેટિકન સ્વિસ ગાર્ડ્સ સહેલાણીઓને કદાચ એક સમયના રાજ દરબારના વિદૂષક લાગતા હશે, પણ એ લોકોની વેટિકન સિટીમાં હાજરી લોકોને મનોરંજન પૂરૂં પાડવાની નથી. સોળમી સદીના પ્રારંભથી વિશ્વના સૌથી નાના લશ્કરની નામના ધરાવતા આ સ્વિસ સિપાહીઓ નામદાર પોપના અને એમના નિવાસસ્થાનના રક્ષણની તેમ જ વેટિકન સિટીની સરહદની સુરક્ષામાં વ્યસ્ત રહે છે.
રોમન કેથલિક ચર્ચના સર્વોચ્ચ વડા `પોપ’ તરીકે ઓળખાય છે. વેટિકન સિટીના વડા ગણાતા પોપ ઈશ્વરના પ્રતિનિધિ માનવામાં આવે છે. 520 વર્ષ પહેલા એટલે કે 1506માં પોપ અને તેમના નિવાસસ્થાનના રક્ષણ માટે સ્વિસ ગાર્ડની પહેલી વાર નિમણૂક કરવામાં આવી હતી. સ્વિસ ગાર્ડની નિયુક્તિ પાછળનું કારણ એમ છે કે સ્વિસ સૈનિકોમાં નિષ્ઠા અને શિસ્ત જેવા ગુણ છલકાતા હોય છે અને લડાયક આવડતમાં નિપુણ ગણાય છે. પોપ પ્રવાસે નીકળે ત્યારે પોપના રક્ષણ માટે એમનો પડછાયો બનીને રહેવાની જવાબદારી આ સૈનિકની હોય છે.
સ્વિસ ગાર્ડ પુરુષ હોય એ ફરજિયાત છે. સિવાય એની નાગરિકતા સ્વિટ્ઝર્લેન્ડની હોવી જોઈએ, ઉંમર 19થી 30 વર્ષની વચ્ચે, ઊંચાઈ 5 ફૂટ 8 ઈંચથી વધારે, અપરિણીત અને ખ્રિસ્તી ધર્મ માટે શ્રદ્ધા ધરાવનારો અને નિષ્કલંક ચારિત્ર્ય ધરાવતો હોવો જોઈએ. સ્વિસ મિલિટરીની ટ્રેઈનિંગ ફરજિયાત અને કમ સે કમ બે વર્ષ માટે નામદાર પોપની સેવામાં હાજર રહેવાનું પણ કમ્પલસરી હોય છે. હેલ્બ્રેડ તેમનું પારંપરિક શસ્ત્ર છે, પણ સૈનિકોને મોડર્ન શસ્ત્રો વાપરતા પણ શીખવાવમાં આવે છે.
1981માં પોપ જ્હોન બીજાને ઠાર કરવાની કોશિશ થઈ એ દિવસથી આત્મરક્ષણ અને આતંકવાદ સામે કેવી રીતે લડવું એ શીખવવા પર જોર આપવામાં આવી રહ્યું છે. વર્ષો સુધી પોપના રક્ષકોની સંખ્યા 110 પર સીમિત હતી, પણ ફ્રાન્સ અને યુરોપિયન દેશોમાં કેટલાક આતંકવાદી હુમલાને પગલે 2018માં સૈનિકોની સંખ્યા વધારી 135 કરવામાં આવી હતી. સામાન્યપણે ગાર્ડ છ કલાકની શિફ્ટમાં કામ કરતા હોય છે અને વ્યસ્ત દિવસોમાં 12 કલાકની ડ્યૂટી પણ કરવી પડે. દર મહિને 1200 યુરો (આશરે સવા લાખ રૂપિયા) વેતન પેટે મળે.
સ્વિસ નેશનલ મ્યુઝિયમની જાણકારી અનુસાર સ્વિસ ગાર્ડને સૌપ્રથમ આક્રમણનો સામનો 1527માં કરવો પડ્યો હતો. રોમન સામ્રાજ્યના વીસેક હજાર સૈનિકોએ કરેલા હુમલામાં તત્કાલીન પોપની સુરક્ષા કરવા જતા 147 સ્વિસ ગાર્ડ હોમાઈ ગયા હતા. પોપ સહિત 42 રક્ષકો છુપા રસ્તે ભાગી જવામાં સફળ તો થયા, પણ અંતે ઝડપાઈ ગયા હતા. છ મહિના બંદી રાખ્યા બાદ પોપને જવા દેવામાં આવ્યા, પણ બચી ગયેલા 42 ગાર્ડને ઠાર કરવામાં આવ્યા હતા. 1548માં ગાર્ડની ફરી નિમણૂક કરવામાં આવી હતી.
છ ઇંચની સરહદ:
સીમા કે સરહદ મનુષ્યને એકમેકથી વિખૂટા પાડવા માટે મનુષ્ય દ્વારા ઊભી કરેલી વ્યવસ્થા છે. આ ભૌગોલિક વ્યવસ્થા સલામતી માટે બે દેશને નોખા તારવે છે. સરહદ પર બેઉ તરફની પ્રજાની સલામતી વિષે સાવધાની રાખવામાં આવે છે. કેટલીક સીમાનો વિસ્તાર ખૂબ લાંબો હોય છે, જેમ કે યુએસએ અને કેનેડા સરહદ આશરે 8900 કિલોમીટર લાંબી છે. લાંબી સરહદોમાં ભારત-બાંગ્લાદેશ સરહદ 4 હજાર 142 કિલોમીટર સાથે પાંચમા ક્રમે છે.
જોકે, ઇટલીના પાટનગર રોમ અને ધ વેટિકન સિટી વચ્ચેની સરહદ એટલી નાની છે કે માત્ર નામ પૂરતી જ રાખવામાં આવી હોય એવું લાગે છે. આ બેઉ વિસ્તાર વચ્ચે છ ઇંચ પહોળી સરહદ છે જે એક સફેદ પટ્ટાથી અંકિત કરવામાં આવી છે. એ પટ્ટાની અડોઅડ એક ફેન્સ અથવા વાડ છે જે સામાન્ય ઊંચાઈ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આસાનીથી ઠેકીને જઈ શકે છે. એક જ સમયે એક પગ વેટિકન સિટીમાં અને એક પગ રોમમાં રાખી શકો છો…!



